કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશભરમાં હાલમાં સૌનું ધ્યાન પશ્ચિમ બંગાળમાં થયેલાં જુનિયર મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા પર છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) બીજી આવી ક્રૂર ઘટના નજરમાંથી ચૂકાઈ ગઈ. ઉત્તર પ્રદેશના બરેલી (bareilly) જિલ્લામાં છેલ્લા સવા વર્ષમાં નવ મહિલાઓની હત્યા થઈ છે. આ હત્યાઓમાં એક જ રીત જોવા મળતી હતી. હત્યાઓ થઈ તે વિસ્તાર પણ નિશ્ચિત હતો. 45થી 65 વર્ષની મહિલાઓ આ ક્રૂર ઘટનામાં ભોગ બની અને મોટા ભાગની મહિલાઓ ગ્રામિણ વિસ્તારની હતી. ઉત્તર પ્રદેશની પોલીસ (UP Police) છેલ્લા વર્ષથી આ હત્યારાની શોધ કરી રહી હતી. આખરે તે હત્યારાની ધરપકડ થઈ છે. સતત એક વર્ષ સુધી આ હત્યારાનો બરેલી જિલ્લામાં આંતક પ્રસર્યો હતો. આ આંતકનો હવે અંત આવ્યો છે. પણ આટલા લાંબા કાળ સુધી કેવી રીતે તે પકડાયો નહીં, અને એક પછી એક મહિલાઓની હત્યા કરતો રહ્યો.
ઉત્તર પ્રદેશના પૂર્વીય વિસ્તારમાં બરેલી વસેલું છે. વીસેક લાખની વસતી ધરાવતા બરેલીના વિસ્તારનો મોટો ભાગ શેરડીના ખેતરોથી છવાયેલો છે. શેરડીના ઊંચા ઊંચા ખેતરોમાંની પગદંડીમાંથી સાંજે કે રાતરે અવરજવર કરવામાં કોઈનેય ક્યારેય ડર લાગ્યો નથી. પ્રાણી કે સાપસૃપનો પણ નહીં. પરંતુ છેલ્લા સવા વર્ષથી શેરડીના આ ખેતરોમાં જાણે એક ભય પ્રસરેલો રહેતો. આ ભય છેલ્લા મહિનામાં એટલો વધ્યો કે દિવસમાં પણ ખેતરોમાં સન્નાટો છવાઈ જતો. તેમાં પણ મહિલાઓ ખાસ ખેતરોના આ માર્ગથી દૂર રહેતી. બરેલીમાં પ્રસરેલા આ ખોફને દૂર કરવામાં પોલીસ જમીન-આસમાન એક કરી રહી હતી, આખરે તેમને સિરીયલ કિલરને પકડવામાં સફળતા મળી છે.
પણ આ હત્યાઓનું રહસ્ય ઉકેલવા પોલીસે ખાસ્સી મશક્કત કરવી પડી છે. આ હત્યારાને પકડવા માટે સો પોલીસકર્મીઓની 22 ટીમો ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવી હતી. 1500 સીસીટીવી કેમેરાનું સતત નિરીક્ષણ થતું હતું અને દોઢ લાખથી વધુ મોબાઈલ ડેટાની તપાસ કરવામાં આવી હતી. આ ક્રાઇમ વિસ્તાર અંદાજે 25 કિલોમીટરની આસપાસ હતો, જેનું સતત મોનિટરીંગ થતું હતું. હત્યારાના અનેક સ્કેચ પણ બન્યા. આખરે તે ઉત્તર પોલીસના હાથે ઝડપાયો. પણ આશ્ચર્યની વાત એ છે કે ધરપકડના એક દિવસ પહેલાં પોલીસ દ્વારા રજૂ કરાયેલો સ્કેચ અને આરોપીના ચહેરામાં ઘણું સામ્ય છે. જાણે તેને સામે બેસાડીને સ્કેચ બનાવ્યો હોય તે પ્રકારનું. ઉપરાંત આરોપી માનસિક રીતે બીમાર હોય તેમ દેખાય છે અને તેના પૂર્વ જીવનની કેટલીક માહિતી પણ આવી છે, હત્યાઓનું તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આરોપીએ પોલીસ સામે નિવેદન આપ્યું છે કે તેની સાવકી માતાએ તેનાં પર જુલ્મ ગુજાર્યો, જે કારણે તે આ રીતે તેના માતાની ઉંમરની મહિલાઓની હત્યા કરતો હતો. બરેલીમાં શેરડીનો પાક થાય છે તેની આસપાસ એણે આ તમામ મહિલાઓની હત્યા કરી છે. મહિલાઓની જ સાડી કે દુપટ્ટાથી ગળું દબાવતો અને તેમના મૃતદેહને એવી જગ્યાએ લઈ જતો કે મૃતદેહ શોધવામાં મુશ્કેલી થાય.
બરેલીમાં આતંક મચાવનારા આ સિરિયલ કિલરનું નામ કુલદિપ કુમાર ગંગવાર છે. હજુ તો કુલદિપની પૂછપરછ થઈ રહી છે અને તેણે કરેલાં ગુનાહોની તપાસ થઈ રહી છે. પોલીસે હત્યાઓ કરવાનું અત્યારે પ્રાથમિક કારણ જાણ્યું છે, પણ તે ઉપરાંત તેણે કરેલી એકેએક હત્યાના ભેદ ઉકેલાશે. કુલદિપ કરેલી તમામ હત્યાઓ સિરીયલ કિલિંગની જેમ થઈ છે. અમેરિકામાં એક સમયે આ પ્રકારના સિરીયલ કિલિંગ ખૂબ થયા છે; અને તેથી અમેરિકાની તપાસ એજન્સી ‘એફબીઆઈ’એ સિરીયલ કિલર્સ કેમ આ પ્રકારે હત્યાઓ કરે છે, તેના કારણો જણાવ્યા છે. તે કારણોમાં મુખ્યત્વે ગુસ્સો છે. આ પ્રકારે હત્યા કરવામાં જાણે થ્રિલ આવતી હોય છે- તેવું પણ ઘણાં કિસ્સામાં જોવા મળે છે. કેટલાંક કિસ્સામાં સિરીયલ કિલર્સ આર્થિક લાભ અને ઘણાં કિસ્સામાં એટેન્શન મેળવવા માટે પણ હત્યાઓ કરતાં હોય છે.
બરેલી સિરીયલ કિલરના કિસ્સામાં પ્રાથમિક તારણોમાં એ વાત પ્રકાશમાં આવી છે કે, હાલમાં કુલદિપના પરિવારમાં બે બહેન છે. તેની માતાનું અવસાન થઈ ચૂક્યું છે. કુલદિપે પોલીસ તપાસમાં કહ્યું કે, તેના પિતા બાબુરામે તેની માતા જીવિત હતી ત્યારે જ બીજા લગ્ન કર્યા હતા. અને બીજી પત્નીના કહેવાથી તેના પિતા બાબુરામ તેની સગી માને ખૂબ મારતા હતા. આ કારણે તેને સાવકી મા પ્રત્યે ગુસ્સો આવતો, પણ તે પિતાના કારણે કશુંય કર્યો શક્યો નહીં. આ માટે તેણે તેના સાવકી માના ઉંમરની મહિલાઓની હત્યા કરી છે. 2014માં કુલદિપનું લગ્ન થયા હતા. પરંતુ તે તેની પત્નીને ખૂબ મારતો અને તે કારણે તેની પત્ની પણ તેનાથી અલગ થઈ. તે પછી તે હંમેશા નશામાં રહેતો અને બરેલીના ગામે-ગામ ફરતો. અહીં ફરવામાં જ તેને ખેતરોની એકેએક જગ્યાનો ખ્યાલ હતો. તે નિર્જન સ્થળે એકલી મહિલાઓ પર હુમલો કરતો. હુમલો કર્યા પહેલાં તે એ સુનિશ્ચિત કરતો કે કોઈએ તેને મહિલાની પાછળ જતા તો જોયો નથી. જો કોઈ એકલી મહિલાનો પીછો કરતી વેળાએ કોઈ અન્ય વ્યક્તિ તેને મળી જાય તો તે દિવસ પૂરતો પોતાની જાતને રોકી દેતો. એ રીતે તેણે એકેએક હત્યા તેણે સભાન રીતે કરી છે.
અત્યાર સુધી કુલદિપની જે વિગતો આવી છે તે માહિતી પોલીસ પ્રકાશમાં લાવી છે. પોલીસે કુલદિપની રજેરજની માહિતી મીડિયા સમક્ષ આપી છે. પરંતુ કુલદિપને જાણનારા અને આસપાસના ગામમાં તેની છબિ સાવ અલગ છે. તે આ રીતે સિરીયલ કિલિંગ કરી શકે તે કોઈ કલ્પી શકતું નથી. પોલીસે તેનું નામ સિરીયલ કિલર તરીકે રજૂ કર્યું ત્યારે પણ ગામના ને તેને ઓળખનારા લોકોને આશ્ચર્ય થયું. કેટલાંકનું તો એવું માનવું છે કે, તે કોઈ પણ રીતે હત્યારો ન હોઈ શકે. તે માનસિક રીતે અસંતુલિત છે અને તેનું વર્તન નિર્દોષ જેવું લાગે છે. તેનો શારીરિક બાંધો જોઈને પણ એવું લાગતું નથી કે તે તેનાથી સશક્ત મહિલાઓને તેણે હત્યા કરી હોય. કુલદિપના પરિવારનું એવું પણ માનવું છે કે તે પોતાની જાતને બચાવ કરી શકે એમ નથી, એટલે પોલીસે તેને આરોપી બનાવ્યો છે. બીજું કે આજદિન સુધી તેણે કોઈ મહિલા સાથે ગેરવર્તન કર્યું છે તે પણ બહાર આવ્યું નથી. એટલું જ નહીં હૌસપુર ગામની 46 વર્ષીય અનિતા દેવીની પણ હત્યા થઈ છે, તેમના પરિવારજનો પણ એવું માનતા નથી કે આ હત્યા કુલદિપે કરી હોય.
પણ પોલીસ આ બાબતે સુનિશ્ચિત છે કે કુલદિપે જ હત્યાઓ કરી છે. પોલીસ મુજબ હત્યાઓની વાત તેણે કબૂલી લીધી છે. તે કલ્પનામાં રાચતો હતો અને તેણે એવું માની લીધું છે કે તેણે જે કર્યું છે તે બરાબર કર્યું છે. ઘણી વખત તેણે આ હત્યા અંગે સ્થાનિક દુકાનવાળાઓને પણ મહિલાઓ વિશે હત્યાઓ અંગે વાત કરી હતી, પરંતુ તેને માનસિક રીતે અસંતુલિત માનીને તેની વાત પર કોઈએ ધ્યાન ન આપ્યું. પોલીસે કુલદિપના ઘરેથી હત્યા બાદ તે મહિલાઓની વસ્તુઓ લઈ જતો, તે પણ જપ્ત કરી છે. તેમાં કેટલીક મહિલાઓના કપડાં છે, ચાંલ્લો, લિપસ્ટિક, વોટર આઈડી અને ખેતરના ઓજારો પણ છે.
પોલીસે આ પૂરા કેસમાં સાંયોગિક પુરાવા રજૂ કર્યા છે, પણ કુલદિપને કેવી રીતે પકડ્યો તે વિગત પ્રકાશમાં આવી નથી. પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કુલદિપ જે પ્રકારનો ગુનો કર્યો છે તે સંબંધિત કોઈ ઠોસ પુરાવા આપી શકી નથી. આ પૂરા કેસમાં તો હવે પડદો પડી ચૂક્યો છે અને બરેલીના લોકો એવું માનવા લાગ્યા છે કે સિરીયલ કિલર પકડાઈ ચૂક્યો છે. પરંતુ કુલદિપના પકડાવવાથી હજુ પણ બરેલીના લોકોને એવી દહેશત છે કે તેમના જાનને જોખમ છે, અને હજુ પણ કેટલાંક સમય સુધી તેઓ ડર વિના ઘરમાંથી બહાર નિકળશે નહી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796