નવજીવન ન્યૂઝ, અમદાવાદ : સમગ્ર રાજ્ય આજે કાળઝાળ ગરમીની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election Gujarat) ને લઈને લોકશાહીનો પર્વ ઊજવી રહ્યું છે. ક્યાંક રાજ્ય સ્તરના નેતાઓ, ક્યાંક સાધુ સંતો તો ક્યાંક આજે જ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલાં યુવક–યુવતીએ મતદાન કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. બીજી બાજુ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સ્વેચ્છાએ ચૂંટણીનો બહિષ્કાર (Election boycott) કર્યો હોવાને કારણે 9 વાગ્યા સુધી EVM માં એકપણ મત નહીં પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં 15 મહાનગર પાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત પર કુલ 9263 બેઠકો માટે 25537 ઉમેદવારોનું ભવિષ્ય આજે EVM માં કેદ થવાનું છે, પરંતુ કેટલાક નાગરિકો આ લોકશાહીના મહાપર્વમાં ભાગ નહીં લઈ શકે. પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. કારણ કે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં મળીને કુલ 736 બેઠકો પર એક કરતાં વધારે ઉમેદવાર ન ઊભા રહેતા. આ બેઠકો બિનહરીફ જાહેર (736 seats unopposed) કરવામાં આવી છે.








