કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમેરિકા સ્થિત ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’[Pew Reserch Centre] તેના સંશોધનથી દર વખતે ચર્ચા જગાવતું રહે છે. આ વખતે તેનું સંશોધન અખબારોની હેડલાઈન બની રહ્યું છે. આ સંશોધનનો વિષય સ્થળાંતર (migration) છે. વિશ્વમાં એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતરિત થનારા લોકો વિશે સંશોધન અગાઉ પણ થયા છે; પરંતુ ‘પ્યૂ રિસર્ચ’માં આ વખતે સ્થળાંતર સાથે ધર્મને (Religion)સ્થાન અપાયું છે. કયા ધર્મના લોકો ક્યાં અને કેવી રીતે સ્થળાંતર કરે છે; તે વિશે સંશોધનમાં વિસ્તૃત આંકડા આપવામાં આવ્યા છે. આ પૂરો વિષય સમજીએ તે પહેલાં ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’ની થોડી વિગત સમજી લેવી જોઈએ. આ સંસ્થા મૂળે અમેરિકાની છે અને સામાજિક, આંતરરાષ્ટ્રિય મુદ્દા, મીડિયા, ઇન્ટરનેટ અને ટેક્નોલોજી અંગેના વિવિધ વિષય પર તે સંશોધન કરે છે. બે દાયકાથી કાર્યરત આ સંસ્થાના કેટલાંક સંશોધન વિવાદમાં પણ આવ્યા, તેમ છતાં તેમની સંશોધનની પ્રક્રિયા વિશ્વાસપાત્ર છે, એટલે તેના સંશોધનનાં આંકડા જાહેર થાય ત્યારે તેના પર ચર્ચા થાય છે.
‘પ્યૂ રિસર્ચ સેન્ટર’ને ટૂંકમાં ‘પ્યૂ’ના નામથી પણ ઓળખાય છે અને 2024માં પ્રકાશિત થયેલા તેના સંશોધિત અહેવાલનો વિષય છે : ‘ધ રિલિજિયન કમ્પોઝિશન ઑફ ધ વર્લ્ડ્સ માઇગ્રન્ટ્સ’ એનો અર્થ થાય છે; ‘વિશ્વમાં સ્થળાંતરણ કરનારાઓની ધાર્મિક સંરચના’. આ વિષયને સરળતાથી ધર્મ આધારીત સ્થળાંતરણ એ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. સૌથી પહેલાં તો સ્થળાંતરિત કોને ગણવા તેનો માપદંડ નિર્ધારીત કરવામાં આવ્યો. ‘સંયુક્ત રાષ્ટ્ર’ના માપદંડ મુજબ સ્થળાંતરિત એ છે જે પોતાનો જન્મ દેશ છોડીને અન્ય દેશમાં વસતો હોય. આ સ્થળાંતરણ અભ્યાસમાં વ્યક્તિનો ઉદ્દેશ્ય, તેનો નિવાસનો સમય કે કાયદાકીય રીતે વસવાની સ્થિતિ જોવામાં આવતી નથી. બસ, તે વિદેશમાં હોય તેટલું પૂરતું છે. ‘પ્યૂ રિસર્ચ’ મુજબ હાલમાં વિશ્વના 28 કરોડ લોકો સ્થળાંતરિત થયેલા છે. આ આંકડો વિશ્વ વસતીનો 3.5 ટકા થાય છે. સ્થળાંતરિત થયેલાં 28 કરોડમાં પોતાનું જન્મસ્થાન છોડીને અન્ય દેશોમાં જઈ વસ્યાં છે, તેમાં સૌથી વધુ ખ્રિસ્તી ધર્મી છે. કુલ સ્થળાંતરિત થયેલાં લોકોમાં અડધોઅડધ એટલે કે 47 ટકા ખ્રિસ્તી છે. તે પછી જે ધર્મના લોકો સૌથી વધુ સ્થળાંતરિત થયા છે તેમાં મુસ્લિમો આવે છે. કુલ સ્થળાંતરીતમાં અન્ય દેશોમાં વસનારાં મુસ્લિમોની ટકાવારી 29 ટકાની આસપાસ છે. આ યાદીમાં ત્રીજા ક્રમે એવાં લોકો છે, જેઓનો ધર્મ વ્યાખ્યાયિત થયો નથી. મતલબ કે તેઓ કોઈ ધર્મને અનુસરતાં નથી. સ્થળાંતરણ કરનારાઓમાં ચોથા ક્રમે હિંદુઓ આવે છે. પોતાનું જન્મ સ્થાન છોડીને અન્ય દેશોમાં વસનારાં હિંદુઓની સંખ્યા પાંચ ટકા છે. એ પછી બૌદ્ધ ધર્મ પાળનારા આવે છે અને આખરે એક ટકા યહૂદી આવે છે, જેઓ પોતાનું જન્મસ્થાન છોડીને અન્ય દેશમાં વસ્યા છે.
આમ તો ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને એવું સમજાવાની જરૂર નથી કે લોકો સ્થળાંતરણ કયા ઉદ્દેશ્યથી કરે છે. પણ આ અભ્યાસથી પ્રકાશમાં આવેલા મુદ્દા જોઈ લેવા જોઈએ, જેમાં મુખ્ય કારણ નોકરી-ધંધો અને શિક્ષણ છે અને ત્રીજું કારણ છે પરિવાર સાથે રહેવા માટે. અત્યાર સુધી ધર્મ અને સ્થળાંતરણને એક સાથે જોવામાં આવ્યા નહોતા. પરંતુ ધર્મ અને સ્થળાંતરનો ગાઢ સંબંધ છે. જેમ કે, સ્થળાંતર કરતી વેળાએ લોકો એ વાતને ધ્યાનમાં રાખે છે કે તેઓ જે દેશમાં જઈ રહ્યા છે ત્યાં તેમનો ધર્મ પ્રચલિત હોય. જેમ કે, ઘણાં મુસ્લિમ સાઉદી અરેબિયામાં સ્થળાંતર કરવાનું પસંદ કરે છે અને એ રીતે યહૂદીઓ ઇઝરાયેલમાં. ખ્રિસ્તી અને ધર્મને ન અનુસરનારાંઓ માટે અમેરિકા, રશિયા અને જર્મની પ્રથમ વિકલ્પ છે.
સ્થળાંતરીત થવામાં ઘણી વાર રાજકીય અને આર્થિક ઘટનાઓ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે; અને તેવાં સ્થળાંતરોમાં કોઈ એક ધર્મને મૂકીને જોઈએ તો ખ્યાલ આવે કે આ સ્થળાંતરનું સ્વરૂપ કેવું છે. ઉદાહરણ તરીકે, 1991ના અરસામાં સોવિયટ યુનિયન તૂટી પડ્યું એટલે ત્યાં વસતાં યહૂદીઓ લાખોની સંખ્યામાં ઇઝરાયેલ અને અમેરિકા જઈને વસ્યાં. એ રીતે ‘નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ’ થયો જેના પરિણામે મેક્સિકોમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી આવી. આ બેકારીના કારણે લાખોની સંખ્યામાં ખ્રિસ્તીધર્મી અમેરિકા આવ્યાં. 2011માં સિરિયામાં શરૂ થયેલા સિવિલ વૉરના કારણે લાખો મુસ્લિમો તુર્કી અને લેબનોનમાં રેફ્યૂજી તરીકે આવ્યા. ઇતિહાસમાં 1990ના પહેલાંની પણ આવી અનેક ઘટનાઓને ધ્યાનમાં લઈ શકાય, જેના કારણે કોઈ એક ધર્મના લોકોએ સ્થળાંતરણ કર્યું હોય. હિંદુસ્તાનનું વિભાજન થયું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમો પાકિસ્તાનના વિસ્તારમાં હિજરત કરી ગયા. આમાંથી મોટા ભાગના હિજરત કરનારા 1990થી 2020માં તેમના જીવનના અંતિમ વર્ષોમાં છે. એટલે હવે પાકિસ્તાનમાં ભારતમાંથી આવેલા મુસ્લિમોની સંખ્યા સતત ઘટી રહી છે.
આ પૂરા અભ્યાસમાં ઘણાં રસપ્રદ આંકડા મળે છે અને તેમાં એક વિભાગ હિંદુ ધર્મીઓના સ્થળાંતર વિશે છે. વિશ્વમાં હાલમાં સ્થળાંતરનો કુલ આંકડો જોઈએ તો તેમાં હિંદુઓની ટકાવારી પાંચ ટકાની છે; એટલે એક કરોડ ત્રીસ લાખ હિંદુઓ જે ભારતમાં જન્મ્યા છે, તે અત્યારે વિદેશમાં વસ્યાં છે. સરેરાશ હિંદુ જે સ્થળાંતર કરે છે તે અન્ય કોઈ ધર્મીના કરતાં આ બાબતમાં લાંબુ અંતર કાપે છે. હિંદુઓ સ્થળાંતર થયા બાદ સામાન્ય રીતે સરેરાશ 3100 માઇલ પોતાના દેશથી દૂરના દેશાવર જાય છે. વિશ્વના કુલ સ્થળાંતર કરનારાઓમાં સરેરાશ આ અંતર 2,200 માઇલનું છે. હવે એ જોઈએ કે આટલું લાંબુ અંતર હિંદુ સ્થળાંતરિત કાપે છે તેનું કારણ શું હોઈ શકે. હિંદુઓ સૌથી વધુ સ્થળાંતરીત થયા તે ક્ષેત્ર એશિયા-પેસિફીક છે. ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, તેની આસપાસના દેશો અને ઓસ્ટ્રેલિયા ખંડ સુધ્ધા એશિયા-પેસિફીકમાં આવે છે. તે પછી કુલ સ્થળાંતરિતમાં ચોથા ભાગના હિંદુઓ મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકામાં જવાનું પસંદ કરે છે. અમેરિકા જનારાઓનો કુલ હિંદુઓનો આંકડો 22 ટકાની આસપાસ છે. જ્યારે ભારતમાં જન્મેલા માત્ર આઠ ટકા હિંદુઓ યુરોપવાસી બની શકે છે. ‘પ્યૂ રિસર્ચ’માં એક વાત એ પણ ટાંકવામાં આવી છે કે સામાન્ય રીતે ભારતીયો અન્ય દેશમાં જાય છે ત્યાં તેઓ લઘુમતિ તરીકે હોય છે. બીજું કે હિંદુ સ્થળાંતરિતોમાં ભારતમાંથી થતું સ્થળાંતર 57 ટકા છે. બાકીના 43 ટકા અન્ય દેશોમાંથી હિંદુઓ અલગ દેશમાં જઈ વસે છે. જેમ કે, બાંગ્લાદેશમાં જન્મેલા 16 લાખ હિંદુઓ હાલમાં અન્ય દેશોમાં વસી રહ્યા છે. કુલ હિંદુ સ્થળાંતરીતોમાં બાંગ્લાદેશની ટકાવારી 12 ટકાની આસપાસ થાય છે. બાંગ્લાદેશના મોટા ભાગના હિંદુઓ ભારતમાં આવીને વસ્યાં છે. એ રીતે નેપાળના હિંદુઓ પણ રોજગારી અર્થે ભારતમાં જ પોતાનું નિવાસ જુએ છે. નેપાળથી આ રીતે સ્થળાંતરીત થયેલાં હિંદુઓની સંખ્યા પંદર લાખની આસપાસ છે.
આ રિસર્ચમાં કેટલાંક એવાં આંકડા છે, જેમાં એક જાગ્રત નાગરિક તરીકે આપણે ખાસ નજર નાંખવી જોઈએ. કુલ મુસ્લિમ સ્થળાંતરિતોના આંકડાઓ જોઈએ તો ખ્યાલ આવે કે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો સ્થળારિત થઈને વિદેશમાં વસ્યાં હોય તેમાં પ્રથમ દેશ સિરીયા આવે છે. સિરિયાના 81 લાખ લોકો અન્ય દેશોમાં જઈને વસ્યાં છે. આ યાદીમાં બીજા ક્રમે ભારત છે, એટલે ભારતમાંથી સાઠ લાખ મુસ્લિમો વિદેશમાં વસવાટ કર્યો છે. તે પછી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, પેલેસ્ટાઇન અને ઇજિપ્ત પણ છે. આ તમામ દેશો મુસ્લિમ બહુમતિ ધરાવે છે, પણ આ તમામ ક્ષેત્રો રાજકીય રીતે અસંતુલિત રહ્યા છે. અને તે કારણે અહીંયાથી અનેક લોકો પોતાનું જીવન સુધારવા માટે અથવા તો સિરીયા જેવા કિસ્સામાં જીવન ટકાવી રાખવા સ્થળાંતરણ કરે છે. મુસ્લિમો પોતાનો દેશ છોડીને વિદેશમાં જઈને વસ્યાં છે, તે યાદીમાં તેમને સ્વીકારનારા દેશોમાં પ્રથમ પાંચ સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી, જર્મની અને અમેરિકા છે. અમેરિકાનું નામ આ યાદીમાં ઘણાંને આશ્ચર્યકારક લાગે, પરંતુ આજે પણ અમેરિકામાં મુસ્લિમો આવે છે, અને વસે છે. ભારતના મુસ્લિમો સૌથી વધુ સાઉદી અરેબિયા અને યુએઈમાં જઈ વસ્યાં છે. મુસ્લિમો માટે જેમ આ દેશો સુરક્ષિત હોવાનો ખ્યાલ ઊભો કરે છે, તેમ યહૂદીઓ માટે ઇઝરાયેલ પછી સૌથી સુરક્ષિત દેશ તરીકે અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ છે.
પ્યૂ રિસર્ચના આ પ્રાથમિક આંકડા છે. આ રિસર્ચની એકેએક વિગત જાણીએ તો ખ્યાલ આવે કે ઘણાં કિસ્સામાં આપણી ધારણાઓ કેટલી ખોટી હોઈ શકે. આવાં રિસર્ચ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે અને તેનાથી એક અંદાજો આવી શકે કે સમાજની ગતિ કઈ દિશામાં છે. આ આંકડાથી આપણા સમાજની ગતિ જાગ્રત નાગરીક તરીકે આપણે નક્કી કરવી રહી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796