નવજીવન ન્યૂજ. બારડોલી: Bardoli Mob lynching : સુરતના (Surat) બારડોલી (Bardoli) નજીક ગતરોજ રાત્રિના સમયે ચોરીના શકના કારણે કેટલાક લોકોએ શ્રમિકોને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં 5 જેટલા શ્રમિકો લોકોએ ભયંકર રીતે માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે કે એક રાજકીય પક્ષના આગેવાન પણ આ માર મારવાની ઘટનામાં આગેવાની લેતા જોવા મળ્યા હતા.
ગતરોજ રાત્રિના સમયે બારડોલી નજીક આવેલા તેન ગામ નજીકથી 5 શ્રમિકો પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક લોકોએ તેમને રોક્યા હતા અને લોકોનું ટોળું એકત્ર થયું હતું. બાદમાં એકત્રિત થયેલા ટોળાએ શ્રમિકોને ચોર હોવાની શંકાએ ઢોરમાર માર્યો હતો. સ્થાનિકો બેરહેમી પૂર્વક શ્રમિકોને પાઈપ અને ધોકા વડે ફટકારી રહ્યા હતા ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વધુ માર મારવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા. સદનસિબે મામલાની જાણ પોલીસને થતા પોલીસ (Bardoli Police) ઘટના સ્થળે પહોંચી જતા શ્રમિકોના જીવ બચી ગયા હતા. હાલ તમામ પાંચેય શ્રમિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે.
લોકમુકે ચર્ચાઓ ચાલી રહી છે કે, માર મારવાની આ ઘટનામાં એક રાજકીય પક્ષના આગેવાન પણ આગેવાની લેતા જોવા મળ્યા હતા. સાથે જ બારડોલી પી.આઈ. વી.એલ ગાગીયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, ગતરોજ રાત્રિન સમયે તેનના ચાણક્યપુરી વિસ્તારની આ ઘટના છે. જેમાં ટોળાએ ચોરીની શંકાથી 5 શખ્સોને માર માર્યો હતો. પોલીસને મામલાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી પરંતુ ત્યારે પીડિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડી જવામાં આવ્યા હતા અને એક શખ્સને હોસ્પિટલ પોલીસ પહોંચ્યા બાદ ખસેડવામાં આવ્યો હતો. તેઓ ઉમેરે છે કે, આ મામલે હાલ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી પીડિતો સારવારમાંથી બહાર આવે બાદમાં તપાસ કરવામાં આવશે કે તેઓ ચોરી સાથે સંકળાયેલા છે કે કેમ? જો તેઓ ચોરીના ગુના સાથે સંડોવાયેલા હશે તો તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ જ્યારે પી.આઈ.ને સવાલ કરવામાં આવ્યો કે, જે લોકોના ટોળાએ માર માર્યો છે તેમાના કોઈની ધરપકડ કે અટક કરવામાં આવી છે? ત્યારે તેઓ જણાવે છે કે હાલ પીડિતો સારવાર હેઠળ હોય તેઓને હોસ્પિટલમાંથી રજા મળ્યે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો પોલીસે ટોળામાં રહેલા શખ્સો વિરૂધ્ધ કોઈ કાર્યવાહી હાલ સુધી કેમ નથી કરે તે શંકા પેદા કરે તેવી બાબત છે. વળી એક વખત માની લઈએ કે શ્રમિકો ચોરીની ઘટનામાં સંડોવાયેલા હતા તો પણ લોકોએ તેને પકડી પોલીસને સોંપવાના હોય નહીં કે ઢોરમાર મારી અધમૂઆ કરી દેવાના. આમ કાયદો હાથમાં લઈ લોકોએ ચોરીની શંકા માત્રથી 5 લોકોને ઢોરમાર્યો તે મામલે પણ કાર્યવાહી થવી જોઈતી હતી તે પોલીસ દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનયી છે કે રાજ્યમાં થોડા મહિના પહેલા ચોરીની શંકાથી પરપ્રાંતિયો અને શ્રમિકોને લોકોના ટોળાએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાનો સિલસિલો શરૂ થયો હતો. ત્યારે પોલીસ જો આ મામલે ગંભિરતાથી પગલા લેતી નહીં થાય તો શંકાના આધારે લોકોના ટોળા નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલવા લાગશે જે ખુબ ગંભીર બાબત છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








