Saturday, March 15, 2025
HomeGujaratAhmedabadબાબરી ધ્વંસ: તત્કાલિન વડાપ્રધાન નરસિંહરાવનું આત્મમંથન

બાબરી ધ્વંસ: તત્કાલિન વડાપ્રધાન નરસિંહરાવનું આત્મમંથન

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બાબરી ધ્વંસમાં (Babri Demolition) તત્કાલિન વડા પ્રધાન નરસિંહરાવની (P. V. Narasimha Rao) ભૂમિકા પર પ્રશ્નો થતા રહ્યા છે. અગાઉથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવા છતાં નરસિંહરાવ બાબરી ધ્વંસને અટકાવવાના પૂરતા પ્રયાસ કર્યા નહોતા તેવા આરોપ તેમની પર થાય છે. આ ઘટના અંગે હિન્દી અખબારના જાણીતા પત્રકાર પ્રભાષ જોશીએ તેમની જીવની ‘લોક કા પ્રભાષ’માં એવો દાવો કર્યો છે કે નરસિંહરાવે જે કર્યું હતું તે ‘સમજી વિચારીને કર્યું હતું.’ આગળ આ અંગે પ્રભાષ જોશી લખે છે : “બાબરી ધ્વંસ બાદ નિખિલ ચક્રવર્તી નામના પત્રકાર સાથે તેઓ નરસિંહરાવને મળ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે 6 ડિસેમ્બરે તમે જે વલણ રાખ્યું હતું, તેનાથી બાબરી ધ્વંસને અટકાવી ન શકાયો. આવું તમે શું વિચારીને કર્યું?” નરસિંહરાવનો તે વખતનો જવાબ : “તમે શું સમજો છો કે મને રાજનીતિ નથી આવડતી? મેં જે કર્યું, તે વિચારી-સમજીને કર્યું છે. મારે ભાજપની મંદિરની રાજનીતિને ખત્મ કરવી હતી, જે મેં કર્યું.” નરસિંહરાવે પોતાના લાભ માટે જે વિચાર્યું તે ન થયું. ભાજપ ત્યાર બાદ વધુને વધુ મજબૂત પક્ષ બનતો ગયો અને વર્તમાન સમય તો ભાજપનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ઉપરની ઘટના પરથી એવું ફલિત થાય છે કે નરસિંહરાવે ભાજપની મંદિર રાજનીતિને ખતમ કરવા બાબરી મસ્જીદની સુરક્ષાને હોડમાં મૂકી. ત્યાર પછી દેશમાં જે કોમી દાવાનળ ફાટી નીકળ્યો તેનો ક્યાસ તો અલગથી કાઢવો રહ્યો.

P V Narasimha Rao
P V Narasimha Rao

પ્રભાષ જોશીની વાત સાચી માનીએ તો નરસિંહરાવ પણ આ પૂરી ઘટનામાં ગુનેગાર બને છે. પરંતુ ખુદ નરસિંહરાવે ‘અયોધ્યા : 6 દિસંબર 1992’ નામનું જે પુસ્તક લખ્યું છે તેમાં નરસિંહરાવનું વલણ બાબરી મસ્જીદને સુરક્ષિત રાખવાનુ જણાઈ આવે છે અને તે માટે તેમણે ખાસ્સી તડજોડ કરી હતી તેવા પુરાવા પણ તેઓ આપે છે. બાબરી ધ્વંસ થયાના બીજા દિવસે સંસદમાં આપેલા વક્તવ્યમાં તેમણે આ અંગે પૂરતી સ્પષ્ટતા કરી હતી. તે ભાષણના અંશો :

- Advertisement -
Ayodhya Narasimha Rao
Ayodhya Narasimha Rao

“રામજન્મભૂમિ-બાબરી મસ્જિદને લઈને કેન્દ્ર સરકાર સતત ચિંતિત હતી. ગૃહમંત્રી(એસ. બી. ચવ્હાણ)એ અગણિત બેઠકોમાં, ચર્ચાઓમાં અને પત્રો વગેરે દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (કલ્યાણસિંહ) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી કે તેના બાંધણીની પૂરતી સમીક્ષા કરવામાં આવે, જેમાં કેન્દ્રિય સંગઠનોના પ્રતિનિધિ પણ સામેલ હોય. પરંતુ અમારા તરફથી થયેલાં વારંવાર નિવેદનો છતાંય રાજ્ય સરકારે તે સૂચનાનો સ્વીકાર ન કર્યો. તે સિવાય રાજ્ય સરકારે સુરક્ષાની જે વ્યવસ્થા કરી હતી તેની મર્યાદા તરફ પણ અમે તેમનું ધ્યાન ખેંચ્યું હતું. અમે મુખ્યમંત્રીને એ પણ જાણકારી આપી હતી કે અમારા મતે અયોધ્યામાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાદળો સુરક્ષાની જરૂરીયાતને પૂરી નહીં કરી શકે. ખાસ કરીને કોઈ દુર્ઘટનાની સ્થિતિમા કે ધાર્મિક ઉન્માદમાં હિંસા ભડકે ત્યારે.”

“કેન્દ્ર સરકારે સાવચેત થઈને 24 નવેમ્બર, 1992ના દિવસે જ અયોધ્યા નજીક અનેક સ્થાનો પર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા હતા, જેથી વિવાદિત બાંધણીની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા રાજ્ય સરકારને જરૂરી લાગે, તો ઓછામાં ઓછા સમયમાં જ સુરક્ષા દળ ઉપલબ્ધ થઈ શકે. કેન્દ્રિય અર્ધસૈનિક બળોની અંદાજે 195 ટુકડી તૈનાત કરવામાં આવી હતી અને આકસ્મિક સ્થિતિને થાળે પાડવા માટે જરૂરી તમામ સુવિધાઓ જેમ કે ટીઅર ગેસ, રબરની ગોળીઓ, પ્લાસ્ટિકના છરા અને અંદાજે 900 વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ દળોમાં મહિલા કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળની ટુકડીઓ, સુરક્ષા ગાર્ડ કમાન્ડો, બોમ્બ નિરોધક દળ અને સ્નિફર ડોગ સામેલ હતા. અમારો વિચાર હતો કે રાજ્ય સરકાર સમય વેડફ્યા વિના આ દળોનો ઉપયોગ કરી શકે. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું કે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાના સંબંધમાં સુરક્ષા દળોને તૈનાત કરવા વિશે વિચાર કરવો જોઈએ. પરંતુ સુરક્ષા દળોના ઉપયોગને બદલે મુખ્યમંત્રીએ તેઓની તૈનાતી લઈને અમારી ટીકા કરી અને સુરક્ષા દળોને પાછા બોલાવાની માગ કરી હતી.”

“6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યાથી મળનારી પ્રાથમિક સૂચના હતી કે સ્થિતિ શાંતિપૂર્ણ છે. રામ કથા અને કુંજમાં જાહેર સભા માટે અંદાજે 70,000 કારસેવક એકઠા થયા હતા, જેને સંઘ પરીવારના વરિષ્ઠ નેતા સંબોધિત કરવાના હતા. ચબૂતરા પર અંદાજે પાંચસો સાધુ-સંત ભેગા થયા હતા અને પૂજાની તૈયારી થઈ કરી હતી. 11.45થી 11.50ના વચ્ચે, અંદાજે 150 કારસેવક વાડો તોડીને ચબૂતરા પર જઈ પહોંચ્યા અને પોલીસ દળ પર પથ્થરમારો કરવા લાગ્યા. અંદાજે 1000 કાર સેવક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદમાં પ્રવેશી ચૂક્યા હતા. અંદાજે 80 કાર સેવક મસ્જીદના ગુંબજ પર ચઢવામાં સફળ થયા અને તેને તોડવા લાગ્યા. આ દરમિયાન કારસેવકોએ બાંધણીની બહારની દિવાલ તોડી નાંખી. 2.20 વાગ્યે 75,000 લોકોની ભીડે પૂરા મસ્જીદના ભાગને ઘેરી લીધો, જેમાંથી ઘણાં તેને તોડવા મચી પડ્યા. 6 ડિસેમ્બર, 1992 સાંજ પડતા સુધીમાં તે ક્ષેત્રને પૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.”

- Advertisement -

“અયોધ્યાના ઘટનાચક્રના પરિણામસ્વરૂપ થયેલા વિવાદિત બાંધણીની ધ્વંસથી અમને સૌને ખૂબ પીડા થઈ અને ઊંડો આઘાત લાગ્યો. એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે કોઈ જવાબદાર રાજ્ય સરકાર આ રીતે પણ કાર્ય કરી શકે. આપણું સંઘીય સંગઠન છે અને આ તથ્યને સ્વીકાર કરીને આપણે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચન અને આશ્વાસનો પર વિશ્વાસ કર્યો. મને દુઃખ છે કે રાજ્ય સરકારે ન માત્ર આપણા, બલ્કે પૂરા રાષ્ટ્રના વિશ્વાસ તોડ્યો છે. તેણે દેશના સર્વોચ્ચ ન્યાયાલયના સાથે રાષ્ટ્રીય એકતા પરિષદ જેવા સંગઠનના સમક્ષ લીધેલા વચનનો અનાદર કર્યો છે. મારી જાણકારી મુજબ 6 ડિસેમ્બર, 1992ની સાંજે એક વિશેષ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયના માનનીય ન્યાયાધીશોએ પણ રાજ્ય સરકાર દ્વારા ન્યાયાલય સમક્ષ આપવામાં આવેલા પોતાના આશ્વાસનને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવાથી પોતાના દુઃખ અને પીડા વ્યક્ત કરી છે.”

“અનેક મૂક બલિદાનો દ્વારા પ્રાપ્ત આઝાદી બાદ રાષ્ટ્ર આ ક્રૂરતમ ઘટનાનો સાક્ષી બન્યો. જેમણે થોડા સમયથી આ દેશના લોકોના દિલોદિમાગ પર કાબુ બનાવી રાખ્યો છે, તેમના અંતિમ હમલામાં ભાગ લઈને અયોધ્યામાં બાબરી મસ્જીદને ધ્વસ્ત કરી દીધી. આપણા પ્રાચીન દેશમાં સદીઓથી અનેક મત અને સંપ્રદાય વસે છે, જેમણે વિવિધ ધર્મો અને માન્યતાઓના અસંખ્ય લોકોને પ્રેરીત કર્યા છે. એટલે ધર્મો, માન્યતાઓ અને સંપ્રદાયો પ્રત્યેની ઉદારતા ભારતની ઓળખ રહી છે. દરેક મંદિર પવિત્ર છે, દરેક મસ્જિદ પાક છે, દરેક ગુરુદ્વારા પ્રેરણાનો સ્ત્રોત છે અને દરેક ચર્ચ ઈશ્વર સાથે સંવાદ કરવાનું સ્થાન છે. સાંપ્રદાયિક તાકતોએ આ મુદ્દે ભાજપ-વિહિપ-આરએસએસ, સંયુક્ત રીતે આ પવિત્ર વિશ્વાસનું ખંડન કર્યું છે. વિનાશના આ ગાંડપણભર્યા દોટને અટકાવવાની દરેક સંભવ ઉપાય કરવામાં આવ્યો. દરેક રાજકીય અને બંધારણીય ઉપાયને સ્વીકારવામાં આવ્યો જેથી વિવેક અને બુદ્ધીથી આ અસાધ્યને સાધી શકાય. ”

“રાષ્ટ્રીય સંકટના આ સમયે હું સંસદગૃહના તમામ સભ્યોને એક થવાની અપીલ કરું છું કારણ કે ત્યારે જ આપણે બંધારણની બલ્કે આપણા દેશના ભવિષ્યની રક્ષા કરી શકીશું. આ પવિત્ર ભૂમિના ખૂણે-ખૂણે રહેનારા લઘુમતિઓને કહેવા ઇચ્છું છું કે કૉંગ્રેસ પક્ષ તેમના અધિકારો, જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે. તેમના સાથે કરવામાં આવેલા આ વાયદાઓનું અનુમોદન ન માત્ર બંધારણમાં કરવામાં આવ્યું છે બલ્કે દેશના આપણા મહાન નેતાઓ ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ કર્યું છે. તેને પૂર્ણ કરવાનો અમે દરેક જરૂરી ઉપાય કરીશું. કોઈ પણ સ્થિતિમાં અમારા ઉદ્દેશ્યનો ખોટા ન સમજવા જોઈએ. મસ્જીદને પાડવી તે બર્બર કૃત્ય હતું. સરકાર તેનું પુર્નનિર્માણ કરાવશે.”

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular