નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: આજથી ત્રણ દિવસ અગાઉ સિંધુભવન રોડ પર આવેલા સ્પા સંચાલક દ્વારા યુવતીને માર મારવાની ઘટના સામે આવી હતી. સંચાલક યુવતીને બેરહેમીપૂર્વક માર મારે છે તેનો વિડીયો વાયરલ (Video Viral) થતાં મોહસીન સામે નાટ્યાત્મક રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં પીડિત યુવતીની ઓળખ છતી થઈ ગઈ હોવાની વાત સાથે યુવતીની ઓળખ છતી કરનારા પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થઈ શકે કે નહીં તે બાબતની પોલીસને (Ahmedabad Police) પણ ખબર ન હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ત્રણ દિવસ અગાઉ સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના સંચાલક મોહસીનને તેની પાર્ટનર યુવતી સાથે મારામારી થઈ હતી. મોહસીને કરેલી પાર્ટનર યુવતી સાથેની મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ પીડિત યુવતી મોહસીન સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા પીડિત યુવતીની ફરિયાદ લેવામાં આવી ન હતી. બાદમાં સીસીટીવીમાં કેદ મારામારીનો વિડીયો વાયરલ થઈ જતાં ફરિયાદ ન નોંધવા બદલ પોલીસની ભારે ટીકાઓ થઈ રહી હતી. જેને પગલે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ નોંધી આરોપી મોહસીનની ધરપકડ કરી હતી. પણ આ ઘટનાની ખાસ વાત એ છે કે, ફરિયાદ નોંધ્યા બાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બેસાડી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં પીડિત યુવતી એવું કહેતી સંભળાય છે કે, પોલીસ દ્વારા મને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો. જો પોલીસે યુવતીને સપોર્ટ કર્યો હતો તો પછી યુવતીની ફરિયાદ કેમ લીધી ન હતી?
બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા જે નિવેદન આપવામાં આવે છે તેનાથી યુવતીની ઓળખ છતી થઈ જાય છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, કોઈપણ ઘટનામાં પીડિત યુવતીની ઓળખ જાહેર થવી ન જોઈએ. પણ આ વિડીયો થકી યુવતીને સૌ કોઈએ જોઈ. પીડિત યુવતીની ઓળખ છતી કરનારા સામે કાર્યવાહી કરવા બાબતે પૂછતાં બોડકદેવના પીઆઈ એ. આર. ધવન કહે છે, આ બાબતે મારે ઉચ્ચ અધિકારીને પૂછવું પડશે. જ્યારે ઉચ્ચ અધિકારી એસ. એમ. પટેલને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ એવું કહ્યું કે, આ વિડીયો યુવતીની સહમતિથી કરવામાં આવ્યો છે કે કેમ તે અંગેની તપાસ બાદ કાયદાકીય માર્ગદર્શન મેળવીને આગળની કાર્યવાહી કરવાની વાત કરી હતી. એનો અર્થ એ છે કે, પોલીસ ખુદ કાયદાથી અજાણ છે ત્યારે લોકોની રક્ષા કેવી રીતે કરશે તે પણ એક સવાલ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796