જય અમીન (અરવલ્લી.નવજીવન ન્યૂઝ): ગુજરાતમાં ડ્રગ્સનો રાક્ષસ હવે ઘર કરી રહ્યો છે અને તેમાં સૌથી વધુ ભોગ બની રહ્યું છે આપણું યુવાધન. અરવલ્લી જિલ્લામાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ સૌને હચમચાવી દીધા છે. અહીં માત્ર યુવાનો જ નહીં, પણ યુવતીઓ પણ ડ્રગ્સની એવી લતનો શિકાર બની છે કે નશો મેળવવા માટે તેઓ પોતાના શરીરનો સોદો કરવા પણ મજબૂર બની રહી છે. ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયું છે. અરવલ્લી જિલ્લામાં ગાંજા અને ચરસ બાદ હવે ‘મ્યાઉ મ્યાઉ’ (MD Drugs) તરીકે ઓળખાતા પાર્ટી ડ્રગ્સનો ક્રેઝ યુવાધન અને ખાસ કરીને યુવતીઓમાં વધી રહ્યો છે. અરવલ્લી એસ.પી. મનોહરસિંહ જાડેજાની સૂચનાથી એસ.ઓ.જી. (SOG) પોલીસે ડ્રગ્સના આ માયાજાળનો પર્દાફાશ કરી અમદાવાદ અને મોડાસાના કુલ 4 મોટા માથાઓને દબોચી લીધા છે.

વર્ના કારમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, નશેડીઓએ ખોલ્યા રાજ
સમગ્ર ઘટનાની શરૂઆત મોડાસા રૂરલ પોલીસથી થઈ હતી. મેઘરજ ચોકડી પાસેથી પસાર થતી એક શંકાસ્પદ વર્ના કારને અટકાવી તલાશી લેતા તેમાંથી સોહેલ હુસેન મનસુરી (રહે. સરવણા) અને ફેજાન રહીમભાઈ સાબલીયા (રહે. ટીંટોઇ) ઝડપાયા હતા. તેમની પાસેથી એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવતા પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી.
SOGની એન્ટ્રી અને અમદાવાદ કનેક્શન
પોલીસની આગવી ઢબે પૂછપરછમાં નશેડીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ડ્રગ્સ અમદાવાદના જુહાપુરા અને મોડાસાના સ્થાનિક પેડલરો પાસેથી ખરીદતા હતા. એસ.ઓ.જી. પી.આઈ. રાઠોડ અને તેમની ટીમે તુરંત જ એક્શનમાં આવીને અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ તપાસમાં અમદાવાદના જુહાપુરાના સદ્દામ હુસેન સહિત મોડાસાના ફિરોજ સુથાર અને અકીબ ભાયલાના નામ ખુલ્યા હતા.
ઝડપાયેલા ડ્રગ સપ્લાયરોની યાદી:
૧. મોહમ્મદ સદ્દામહુસૈન અટવારી (રહે. જુહાપુરા, અમદાવાદ) ૨. અકીબ હનીફભાઈ ભાયલા (રહે. ડુઘરવાડા રોડ, મોડાસા) ૩. ફિરોજ મોયુદ્દીન સુથાર (રહે. સાબલિયા સ્ટેટ, મોડાસા) ૪. ફૈજાન યુનુસભાઈ સાબલીયા (રહે. સાબલિયા સ્ટેટ, મોડાસા)
ડ્રગ્સના રવાડે ચઢેલી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ડ્રગ્સ માફિયાઓ પહેલા યુવક-યુવતીઓને નશાના રવાડે ચઢાવે છે અને બાદમાં તેમને જ ડ્રગ પેડલર (વેચનાર) બનાવી દે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ડ્રગ્સની લત પૂરી કરવા માટે કેટલીક યુવતીઓ પોતાના શરીરનો સોદો કરવા પણ મજબૂર બની રહી હોવાના ગંભીર અહેવાલો પ્રાપ્ત થયા છે. અરવલ્લી પોલીસે હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








