પ્રશાંત દયાળ (શતરંજ-20, નવજીવન ન્યૂઝ): દિનેશ નાયરને અમદાવાદથી સૂચના આવી. તે સોલાપુરમાં બેસી રાહ જોઈ રહ્યા. તેમણે બે વખત ડીસીપી વછરાજાનીને ફોન કરીને પૂછ્યું હતું. તેમણે એટલો જ જવાબ આપ્યો હતો કે : “પ્લીઝ વેઇટ ફૉર સમ ડે.” નાયરનું આ પહેલું ઑપરેશન હોવાને કારણે કંઈ સમજ પડતી ન હતી. બીજી તરફ ઇન્સ્પેક્ટર મહેશ રાવ હોટલમાં બેસી રોજ નવી બ્રાન્ડની સ્કૉચ પીવા સિવાય કંઈ કરતો ન હતો. ઇન્સ્પેક્ટર વિનય તોમર ટીવી ઉપર ઇંગ્લિશ ફિલ્મો જોઈ રહ્યો. જ્યારે નાયર વછરાજાનીને બીજા આદેશ વિશે પૂછતો ત્યારે વછરાજાનીને પોતાની ઉપર ગુસ્સો આવતો હતો. ખરેખર તેમને પણ ખબર ન હતી, કે ક્યાં અને ક્યારે શું કરવાનું છે, કારણ કે આખા ઑપરેશનનો કમાન્ડ તેમના કરતાં જુનિયર એટીએસમાં બેઠલો ઇન્દ્રસિંહ જાડેજા સંભાળી રહ્યો હતો અને તે ડે ટુ ડેની માહિતી સીધી મંત્રી અમર ઠાકોરને આપી રહ્યો હતો.
કોઈને ખબર ન હતી કે, રામબાબુ પણ સોલાપુરમાં જ હતો, સિવાય કે ઇન્દ્રસિંહ જાડેજા. એટલું જ નહીં, રામબાબુ ઇન્દ્રસિંહના સંપર્કમાં પણ હતો. નિઝામ અને રામ ઉપર પાંચ વર્ષમાં સાઠ કરતાં વધુ કેસ નોંધાઈ ચૂક્યા હતા. આમ તો ૧૯૯૯માં ઇન્દ્રસિંહ જ્યારે ડીવાયએસપી હતા, ત્યારે અમદાવાદના એક ફાયરિંગ કેસમાં તેમણે જ નિઝામ અને રામની ધરપકડ કરી હતી. ત્યારથી બંને જાડેજાના પરિચયમાં આવ્યા હતા. ગુજરાતમાં જ્યારે રિયલ એસ્ટેટનું માર્કેટ ઉપર જઈ તૂટી ગયું, ત્યારે ઇન્વેસ્ટર્સના કરોડો રૂપિયા ફસાયા હતા. જ્યારે ઇન્વેસ્ટર્સ પોલીસ પાસે આવતા ત્યારે ઇન્દ્રસિંહ સિવિલ મૅટરમાં પોલીસ કંઈ ના કરી શકે તેવું પહેલાં કહેતા, પણ પછી ‘કોઈ રસ્તો બતાવો’ તેવી વિનંતી કરે તો પોતે નિઝામ અને રામબાબુનો સંપર્ક કરાવી દેતા. નિઝામનું નામ મોટું થઈ ગયું હતું. તેના એક ફોન ઉપર ઉઘરાણી નીકળી જતી. જરૂર પડે તો એકાદ ગોળીબાર પણ કરી દેતો, જે પેટે ઑબ્વિઅસલી જાડેજાને મોટી રકમ નિઝામ પોતાની કમાણીમાંથી આપતો હતો. એક આઇપીએસ અધિકારી પોતે ખંડણીનું નેટવર્ક ચલાવે તેવો કોઈને વિચાર સુધ્ધાં ન હોતો આવ્યો. માણસ આખરે તો લાલચુ પ્રાણી છે તે ઇન્દ્રસિંહ સારી રીતે જાણતા હતા. રામને સતત એવું લાગતું કે તે ખૂબ કામ કરે છે, તેનામાં ગજબની હિંમત છે, છતાં જ્યારે અંડરવર્લ્ડમાં વાત નીકળે ત્યારે બધા નિઝામને તેના કરતાં મોટો માને છે. રામની આ લાલસાનો ઇન્દ્રસિંહ ફાયદો લઈ રહ્યા હતા. જ્યારે પણ વાત નીકળે ત્યારે તે નિઝામ કરતાં શક્તિશાળી છે તેવું યાદ કરાવતા હતા. તેના મનમાં તેમણે પોતાની ગૅંગ ઊભી કરવી જોઈએ તેવું એક સ્વપ્ન બતાવી દીધું હતું.
રામ અને નિઝામ સારા મિત્રો હોવા ઉપરાંત એકબીજા માટે જીવ પણ આપી શકતા હતા. ખરેખર રામ સાથેની મિત્રતાને કારણે નિઝામ ગુનાખોરીની દુનિયા તરફ વળ્યો હતો. જ્યારે પહેલી વખત નિઝામે ગોળી ચલાવી ત્યારે તેની ઉંમર અઢાર વર્ષની હતી. મુસ્તાકે તેમને અજમેરમાં શેઠ રહીમ શેખ ઉપર ગોળીબાર કરી ડરાવવાની સોપારી આપી હતી. તે બંનેની પાછળ ઇરફાન પહોંચ્યો હતો, જ્યાં તેણે તેમને એક પિસ્તોલ અને મોટરસાઇકલ આપી હતી. તે પોતે રહીમ શેખનો બંગલો બતાવી નીકળી ગયો હતો. તેણે સૂચના આપી કે ગોળીબાર કરી મોટર સાઇકલ રસ્તામાં છોડી સીધા બાડમેર જતા રહેવાનું. અને તેમણે તેવું જ કર્યું. જેવા રહીમ શેખ બંગલાની બહાર નીકળ્યા, એટલે તરત રામે મોટર સાઇકલ ચાલુ કરી. પાછળની સીટમાં નિઝામ બેઠો હતો. રહીમ શેખ જેવા કારમાં બેઠા તેની સાથે તેમની કારની ડેકી ઉપર ગોળી છોડી ભાગી છૂટ્યા. મોટર સાઇકલ એસટી સ્ટૅન્ડ ઉપર છોડી, સીધી બાડમેરની બસ પકડી લીધી. પહેલી વખત બહુ ડર લાગ્યો હતો. કોઈ સામે જુએ તો એવું જ લાગતું કે કદાચ તે પોલીસ હશે. પહેલા કામના મુસ્તાકે પાંચ લાખ ચૂકવ્યા હતા. બસ પહેલી કમાણીનો ચટકો એવો લાગી ગયો કે, તેમણે ક્યારેય પાછું વળીને જોયું જ નહીં. બે વર્ષ પહેલાં હાર્ટઍટેકને કારણે મુસ્તાક ગુજરી ગયો. બસ પછી ગૅંગની કમાન નિઝામે સંભાળી લીધી હતી.
નિઝામ ગુનેગાર હતો, પણ ચાલાક હતો. એટીએસના ઇન્દ્રસિંહ જાડેજા ઉપર તેની શંકા જવા લાગી હતી. તેણે જ્યારે પણ વાત ઇન્દ્રસિંહ સાથે કરી ત્યારે તે તેને ગુજરાત ક્યારે આવે છે તેવો પ્રશ્ન પૂછતા હતા. નિઝામ પાસે શંકા કરવાનું ચોક્કસ કારણ પણ હતું, ઇન્દ્રસિંહે જ નિઝામને એક સોપારી આપી હતી, જેમાં એક બિલ્ડરને માત્ર ડરાવવાનો હતો, તે કામ લઈ એક વર્ષ પહેલાં નિઝામ અને રામ અમદાવાદ આવ્યા હતા અને બોપલમાં આવેલી બિલ્ડરની ઑફિસમાં જઈ તેમણે દરવાજામાં બે ગોળીઓ છોડી હતી. તેઓ ત્યાંથી તરત નીકળી ગયા હતા. તેમને કોઈએ જોયા ન હતા અને તેમને કોઈ ઓળખતુંયે નહોતું, છતાં બનાવના એક કલાક પછી બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવી. તેમાં નિઝામના નામનો ઉલ્લેખ હતો. ગોળીબાર કોણે કર્યો છે તે વાત નિઝામ, રામ અને ઇન્દ્રસિંહ વચ્ચે જ હતી. તો પછી બિલ્ડરને તેનું નામ કેવી રીતે મળ્યું? તે પ્રશ્નનો ઉત્તર એવો હતો કે ઇન્દ્રસિંહ કોઈ મોટી રમત રમવા જઈ રહ્યા હતા જેની ગંધ નિઝામને આવી ગઈ હતી.
વારંવાર બોલાવવા છતાં નિઝામ ગુજરાત આવતો ન હતો, એટલું જ નહીં, તે પોતાના ફોન નંબર પણ સતત બદલતો રહેતો હતો. જ્યારે ઇન્દ્રસિંહને ખાતરી થઈ કે નિઝામ તેના હાથમાં નહીં આવે ત્યારે તેણે રામને હાથ ઉપર લીધો હતો. રામને એટલું જ કહેલું કે જો નિઝામ જેલમાં જાય તો ગૅંગનો વડો તું બનીશ. અને રામ ઇન્દ્રસિંહ જાડેજાની મેલી રમતનો ભાગ બની ગયો. હજી તે જાડેજાની રમત સમજી શક્યો ન હતો. ઇન્દ્રસિંહ માનતા હતા કે સોલાપુરમાં રામ અને નિઝામ જ છે. જોકે એક ત્રીજી વ્યક્તિ રૂપા પણ તેમની સાથે હતી. રૂપા નિઝામની પત્ની હતી. રૂપાની મુલાકાત જયપુરમાં જ થઈ હતી. નિઝામ જ્યારે મોટરસાઇકલ ઉપર નીકળતો ત્યારે હીરો જેવો લાગતો હતો. રૂપા મારવાડી પરિવારમાંથી આવતી હતી. છોકરીઓને વધુ ભણાવવાની જરૂર નથી તેવું માનતા રૂપાના પિતાએ તેને દસમા ધોરણ પછી ઉઠાડી મૂકી હતી. જ્યારે રૂપાએ નિઝામ સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો ત્યારે નિઝામે સ્પષ્ટતા કરી કે પોતે મુસ્લિમ છે. જોકે તેની સામે રૂપાને કોઈ વાંધો ન હતો. નિઝામ ગુનેગાર છે તેવી ખબર પડી ત્યારે તેને એક ઝાટકો જરૂર લાગ્યો પણ તેને વિશ્વાસ હતો કે એક દિવસ તેને તે આ રસ્તેથી પાછો વાળશે. રૂપા તેને ખૂબ પ્રેમ કરતી હતી, એટલે જ તો નિઝામે પણ તેને ક્યારેય ધર્મપરિવર્તન કરવાનું કહ્યું ન હતું. રૂપાનો ભરોસો તેની ઉપર બન્યો રહે તે માટે તેણે શિવ મંદિરમાં જઈ રૂપાના ગળામાં મંગળસૂત્ર બાંધી તેને પત્નીનો દરજ્જો આપ્યો હતો. આ પ્રસંગનો રામ સાક્ષી હતો.
રૂપાના પરિવારે તેની સાથે સંબંધો કાપી નાખ્યા હતા. બીજી તરફ નિઝામના ભાઈ નૂરુને બાદ કરતાં કોઈ સાથે ખાસ સંબંધ રહ્યો ન હતો, માટે જ્યારે પણ તે બહારગામ જાય ત્યારે અપવાદરૂપ કિસ્સાને બાદ કરતાં તેની સાથે રૂપા રહેતી જ હતી. રામ ઉપર તેને અખૂટ ભરોસો હતો. તેના કારણે રામને પણ તે પોતાની સાથે રાખતો હતો. નિઝામને જરા પણ શંકા ગઈ ન હતી કે હવે રામ તેનો રામ રહ્યો નથી. જેનાથી દૂર જઈ રહ્યો હતો તે ઇન્દ્રસિંહ સાથે રામ સંપર્કમાં હોવાની તે કલ્પના પણ કરી શકતો ન હતો.
ગુજરાત એટીએસમાં બેઠેલા ઇન્દ્રસિંહની મોબાઇલ ફોનની ઘંટડી રણકી ત્યારે સાંજના પાંચ વાગી ગયા હતા. સામે છેડે રામ હતો. ‘હા રામ, બોલ, હં હં, ઓકે, કોઈ ગરબડ તો નહીં થાય ને! મારી ટીમ ત્યાં જ છે… ચિંતા કરતો નહીં, મારા ઉપર વિશ્વાસ રાખ. તને કહ્યું છે તે પ્રમાણે જ થશે, થૅંક્સ, હવે બધું તારું જ છે.’ — ફોન ઉપર વાત કરતી વખતે ઇન્દ્રસિંહના ચહેરા ઉપર અનેરો આનંદ હતો. જાણે માણસ ઇચ્છતો હોય તેવું બધું તેની ઇચ્છા પ્રમાણે થઈ રહ્યું હતું. ફોન ઉપર વાત કરતા કરતા ઇન્દ્રસિંહ કાગળ ઉપર કંઈક નોંધી રહ્યા હતા. ફોન પૂરો થતાં તરત ઇન્દ્રસિંહે પોતાના સરકારી નંબર ઉપરથી ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોરને ફોન ડાયલ કર્યો. ઘણી વખત ઇન્દ્રસિંહને પણ કયા ફોન ઉપરથી વાત કરવી તે પ્રશ્ન થતો હતો કારણ કે તેઓ અલગ અલગ લોકો સાથે વાત કરવા અને ખાનગી ઑપરેશન માટે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અને અલગ સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા. સામે છેડે ફોન રિસીવ થતાં ‘જયહિંદ સર, સર સર’… ખબર નહીં કેટલી વખત ‘સર’ ‘સર’ બોલ્યા હશે. તેમણે સમાચાર આપવા ફોન કર્યો હતો, પણ ત્યાંથી એક કામ પૂરું થાય તે પહેલાં બીજું કામ સોંપાઈ ગયું હતું. મંત્રી તરફથી સૂચના પૂરી થતાં ઇન્દ્રસિંહે પોતાની વાત કરી. કદાચ મંત્રીએ તેમને અભિનંદન આપ્યા હશે. તેમણે ‘થૅંક્સ’ અને ‘જયહિંદ’ કહી ફોન મૂકી દીધો.
ઇન્દ્રસિંહે પોતાના ટેબલ ઉપર પડેલા પાંચ-સાત ફોન તરફ નજર કરી અને યાદ કરી તેમણે ફોન ઉપાડ્યો. તે ખાનગી નંબર હતો. તે આ ઑપરેશન માટે ડીસીપી જે. કે. વછરાજાની સાથે વાત કરવા માટે રાખ્યો હતો. વછરાજાનીએ ફોન ઉપાડતાં તેમના અવાજમાં નારાજગી હોય તેનો અંદાજ ઇન્દ્રસિંહને આવ્યો છતાં તે પોતાના સિનિયર હોવાને કારણે તે વાતને પૂરી કરી. અદબથી તેણે તેમને પણ ‘જયહિંદ’ કહી વાતની શરૂઆત કરી. વછરાજાની મોટેથી બોલી ઇન્દ્રસિંહ જે લખાવી રહ્યા હતા તેની નોંધ કરતા હતા. ‘એમએચ ૦૯-૨૩૫૬ ચૌધરી ટ્રાવેલ્સ, સોલાપુરથી હૂબલી, રાત્રે નવ વાગે ટિકિટ નંબર ૧-૨ અને ૮ ઓકે. હું નાયર સાથે વાત કરી લઉં છું.’ વછરાજાનીએ ફોન મૂક્યો અને તરત તે જ ફોનથી નાયરને ફોન જોડ્યો. પોતાના મોબાઇલ ફોન ઉપર રિંગ વાગતાં નાયરે પોતાના ડિસ્પેલ સ્ક્રીન ઉપર વછરાજાનીનો નંબર જોયો અને જાણે કરોડોની લૉટરી લાગી હોય તેવો આનંદ થયો. તેણે પણ તરત ફોન ઉપાડ્યો અને વછરાજાની જે જે બોલતા ગયા તેની નોંધ કરવા લાગ્યો. તેને લાગ્યું કે હવે જલદી સાહેબ ફોન મૂકે તો હમણાં તે ત્યાંથી રવાના થાય. વછરાજાનીનો ફોન પૂરો થતાં, નાયરે સૌથી પહેલો ફોન વિનય તોમરને કર્યો અને કહ્યું : “ઇન્ફર્મેશન આ ગઈ હૈ, ઑપરેશન કે લિયે રેડી રહના. અભી કહાં?, હૂં, કબ નિકલના હૈ…” ફોન પૂરો કરી તોમરે મહેશ રાવ સામે જોયું તો તેનું પીવાનું ચાલુ હતું. તેણે તેની પાસે પડેલી બૉટલ ઉપાડી લેતાં કહ્યું : “બંધ કર હવે. તારા બાપાનો ફોન હતો, નીકળવું પડશે.” મહેશ રાવે પોતાના ગ્લાસમાં રહેલો પૅગ એક જ ઝાટકે મોઢે માંડી પૂરો કરી દીધો અને ઊભો થતાં કહ્યું : “ચલ હું નાહીને ફ્રેશ થઈ જઉં.” વિનય તોમરે બીજા રૂમમાં રહેલા પોતાના કૉન્સ્ટેબલોને પણ તૈયાર રહેવાની સૂચના આપી. તેમના રૂમમાં પણ મહેફિલ ચાલી રહી હતી. તેમણે પણ તરત તે સમેટી લીધી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારને રોજ દારૂ મળે છે. આમ છતાં જે રાજ્યોમાં દારૂબંધી નથી, ત્યાં પીવાની કંઈક ઓર જ મજા આવતી હોય છે.
દિનેશ નાયરે સોલાપુર પોલીસમાં ફરજ બજાવતા પોતાના બૅચમેટ નયન કુલકર્ણીને ફોન કરી વિનંતી કરી : “અરે એક હેલ્પ ચાહિયે, હમ જિસે લેને આયે હૈં ઉસકા ઇન્ફર્મેશન મિલ ગયા હૈ, ઑપરેશન તો હમ હી કરેંગે, લેકિન તેરે દો-તીન બંદે હમારે સાથ હો તો અચ્છા રહેગા, ક્યોંકિ હમ સબ સિવિલ ડ્રેસ મેં હૈં, ઓર કાર ભી પ્રાઇવેટ હૈ. સોલાપુર કે બંદે યુનિફૉર્મ મેં રહેંગે તો ઝંઝટ નહીં રહેગા.” નયને કહ્યું : “ક્યા બાત કરતા હૈ. યે કહાં બડા કામ હૈ. હો જાયેગા. તૂ દોસ્ત નહીં હોતા તો ભી મેરી યહ ડ્યૂટી હૈ… બોલ કહાં ભેજું? મેસમેં?” નયન કુલકર્ણીએ ફોન મૂકતાં જ તરત બૂમ પાડી (મરાઠીમાં) : “સાળુકે… સબ-ઇન્સ્પેક્ટર લોખંડેલા બોલવા.” (મતલબ- સાળુકે, સબ-ઇન્સ્પેક્ટર લોખંડેને બોલાવો.) તરત એક લગભગ પચીસ વર્ષનો સબ-ઇન્સ્પેક્ટર રાજુ સાળુકે ત્યાં આવ્યો અને સલામ કરી ઊભો રહ્યો. તરત નયને સૂચના આપી : “લોખંડે તુમ્હી તુમચા દોન માણસાન બરોબર પોલીસ મૅસના જા, તીથે માજે બૅચમેટ અને ગુજરાત પોલીસચે આઇપીએસ ઑફિસર આહે, મિસ્ટર દિનેશ નાયર તેનાલા રિપોર્ટ કરા અને જે કાંઈ હેલ્પ પાઈઝે તી દ્યા.” (લોખંડે, તમે તમારા બે માણસો સાથે પોલીસ-મૅસમાં જાવ, ત્યાં મારા બૅચમેટ અને ગુજરાત પોલીસના આઇપીએસ અધિકારી દિનેશ નાયર હશે. તેમને રિપોર્ટ કરો અને જે કંઈ મદદ માંગે તે આપજો.) ‘જયહિંદ’ કહી સાળુકે પોલીસ-મૅસ જવા રવાના થયા, ત્યારે સાંજના સાત વાગ્યા હતા. જોકે દિનશ નાયરને મદદ કરી રહેલા સોલાપુરના આઇપીએસ અધિકારી નયન કુલકર્ણી કે તેમના સ્ટાફને કંઈ જ ખબર ન હતી કે અમદાવાદ પોલીસ કોને અને શું કામ પકડવા આવી છે. તે એક પોલીસ તરીકે બીજા રાજ્યની પોલીસને મદદ કરી રહ્યા હતા. સાળુકે પોલીસ-મૅસ ઉપર પહોંચતાં, દિનેશ નાયરે તેની પાસેથી સોલાપુર-હુબલી હાઇવેની ભૂગોળ સમજી લીધી અને તેનું પ્લાનિંગ પણ કરી લીધું હતું.
(ક્રમશ:)








