નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)ના શાહપુરમાં ન્યૂ એચ. કોલોનીમાં એક મકાનમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. જેમાં નિંદ્રામાં રહેલા પરિવારના આઠ વર્ષના બાળક સહિત ત્રણ સભ્યોના મૃત્યુ થયા છે. વહેલી સવારના સમયે લાગેલી આગના કારણે ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેથી ગુંગળામણના કારણે બંને વ્યક્તિના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આજરોજ વહેલી સવારે પૂર્વ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે 4:55 વાગ્યે અમદાવાદ ફાયર વિભાગને ઈમરજન્સી કોલ આગની ઘટનાની જાણકારી મળી હતી. જાણ થતા જ ફાયરબ્રિગેડના ચાર ફાયર ફાઈટર વાહનોના કાફલા સાથે ટીમ શાહપુર દરવાજા નજીક માસ્ટર પેટ્રોલ પંપ પાસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે ત્યાં પહોંચી ત્યારે મકાનની અંદર ગાદલામાં આગ લાગેલી જોવા મળી હતી. સાથે જ મકાન આગના કારણે ઘૂમાડાના ગોટાથી ભરાયેલું હતું અને ઘરમાં 8 વર્ષના બાળક સહિત પરિવારના ત્રણ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, એચ કોલોની ખાતે જયેશભાઈ વાઘેલાના ઘરમાં લાગેલી આગમાં પરિવારના ત્રણેય સભ્યો ઊંઘમાં જ મોતને ભેટ્યા હતા. કારણ કે ફાયર વિભાગને જાણકારી મળી અને તેઓ આગ લાગેલા મકાન સુધી પહોંચ્યા ત્યારે ધુમાડાથી ભરેલું ઘર અને આગ લાગેલું ગાદલું જોવા મળ્યું હતું. જેથી પ્રાથમિક તારણ સામે આવ્યું હતું કે, ઘરમાં સૂઈ રહેલા પરિવારને ઘરમાં આગ લાગતા ધુમાડાએ ગૂંગળામણ સર્જી મોતના મુખમાં ધકેલી દીધા હતા. આ ઘટનામાં જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને 8 વર્ષનો દિકરો રેહાન વાઘેલાનું મોત નિપજ્યું છે. હાલ આ મામલે ફાયરબ્રિગેડ અને પોલીસે તપાસ હાથ ધરી આગ લાગવાનું કારણ અને મૃત્યુનું કારણ સમજવા કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS પાસે આવેલી મોદી આઈ કેર હોસ્પિટમાં પણ ભેદી આગ લાગી હતી. આ આગની ઘટનામાં પણ રાજસ્થાન મૂળના હોસ્પિટલના ચોકીદાર પતિ-પત્નીના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં પણ ભેદી આગમાં ગૂંગળાઈ દંપતિના મોત થયા હોવાનું તારણ સામે આવ્યું છે. ત્યારે શાહપુર વિસ્તારમાં આ જ પ્રકારની બીજી ઘટના સામે આવતા શહેરીજનોમાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








