બિનીત મોદી (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પરિણામ આવવા સાથે સંપન્ન થઈ. નવા રાષ્ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની શપથવિધિ સાથે તેમના પાંચ વર્ષના કાર્યકાળનો આરંભ થઈ ગયો છે. હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. છ ઑગસ્ટે સવારે દસથી સાંજે પાંચ સુધી સંસદભવન ખાતે મતદાન યોજાશે અને એ જ સાંજે છ વાગ્યા પછી મતગણતરી કરી પરિણામ જાહેર કરી દેવાશે.
નવી ચૂંટણી પછી પદભાર સંભાળનાર ભારતના ચૌદમા ઉપરાષ્ટ્રપતિ કહેવાશે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને બારમા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારીએ બે–બે વખત ચૂંટાઈને કાર્યભાર સંભાળ્યો હોઈ સોળમા ક્રમની આ ચૂંટણીમાં ચૂંટાઈ આવનારા ઉમેદવાર ભારતના ચૌદમા ઉપરાષ્ટ્રપતિ કહેવાશે.
રાજ્યસભામાં ચૂંટાયેલા 233 અને નિમણૂક પામેલા 12 એમ કુલ 245 સંસદસભ્યો તેમજ લોકસભામાં ચૂંટાયેલા 543 સંસદસભ્યો એમ કુલ 788 મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જેમ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ લેવાનો હોતો નથી. રાજ્યોની વિધાન પરિષદના સભ્યો પણ મતદારમંડળ ઉર્ફે ‘ઇલેક્ટોરલ કોલાજ’નો હિસ્સો હોતા નથી. આથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવારોએ પ્રચાર કરવા માટે નવી દિલ્લીની બહાર રાજ્યોના પ્રવાસે જવું પડતું નથી. નવી દિલ્લીમાં ઘરે બેઠાં જ ફોન કરવાથી પ્રચારનું કામ થઈ જાય છે.
ગુજરાતના લોકસભાના છવ્વીસ અને રાજ્યસભાના અગિયાર સંસદસભ્યો ઉપરોક્ત ચૂંટણીમાં મતદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ રાજકીય પક્ષોના રાજકારણથી પર હોય છે. રાજકીય પક્ષો તેના સંસદસભ્યોને મતદાન સંબંધી કોઈ આદેશ આપી શકતા નથી. માત્ર ચૂંટણી–મતદાન પ્રક્રિયા સંબંધી માર્ગદર્શન, તાલીમ આપી શકે. રાજ્યસભા, લોકસભા, રાજ્યોની વિધાનસભા અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ભારતનું ચૂંટણી પંચ / Election Commission of India હાથ ધરે છે. શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ ઉપરાંત રાજદ્વારી સંબંધો સારા હોય ત્યારે પાકિસ્તાન પણ ભારતના ચૂંટણી પંચની વ્યવસાયી ધોરણે કન્સલ્ટન્સી સેવાઓ મેળવે છે. ભારતના ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને વિશાળ કામગીરીનો આલેખ આપવા માટે કદાચ આ એક જ હકીકત પુરતી છે.
ચૂંટણી ભારતના ઉપરાષ્ટ્રપતિની છે પરંતુ અહીં આપણે માત્ર કઈ ચૂંટણીમાં ગુજરાતથી કઈ લોકસભાના સભ્યોએ મતદાનમાં ભાગ લીધો એટલા પુરતી જ વાત કરીશું. રાજ્યસભાના ગુજરાતના સંસદસભ્યોએ પણ ઉપરાષ્ટ્રપતિ પદની દરેક ચૂંટણીમાં મતદાનમાં ભાગ લીધો હોય છે પરંતુ તેમની મુદત છ વર્ષની હોઈ તેમની તારવણી કરવી મુશ્કેલ તો નથી પરંતુ અહીં એ વિગતની જરૂર નથી.
આ ક્રમમાં ઉપરાષ્ટ્રપતિ પદની પહેલી ચૂંટણીનું મતદાન 12 મે 1952ના રોજ અને બીજી ચૂંટણીનું મતદાન 11 મે 1957ના રોજ યોજાવાનું હતું. એ સમયે અલગ ગુજરાત રાજ્યનું અસ્તિત્વ નહોતું. એટલે મુંબઈ રાજ્યની લોકસભા બેઠકોમાં સમાવિષ્ટ ગુજરાત પ્રાંતના લોકસભા સભ્યોએ મુંબઈ સ્ટેટના સંસદસભ્યો લેખે જ મતદાનમાં હિસ્સો લેવાનો હતો. જો કે તેમના ભાગે મતદાન કરવાની ભૂમિકા આવી જ નહીં. કેમ કે ઉપરાષ્ટ્રપતિ પદની પહેલી બન્ને ચૂંટણીઓમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પહેલી વાર ઉમેદવારી કરી ત્યારે ડૉ. રાધાકૃષ્ણન માત્ર ઉમેદવાર હતા પરંતુ 1957માં બીજી વાર ઉમેદવારી કરી ત્યારે તેઓ ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિના હોદ્દા પર બિરાજમાન હતા.
1952ની પહેલી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની વિશેષતા એ હતી કે તેના બન્ને ઉમેદવારો આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લાના નાંદયાલ ગામમાંથી આવતા હતા – ડૉ. એસ. રાધાકૃષ્ણન અને શેખ ખાદિર હુસૈન. શેખ ખાદિર હુસૈનનું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઑફિસરે રદ કરતા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 25 એપ્રિલ 1952ના રોજ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. 13 મે 1952ના રોજ તેઓએ પહેલા ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો. નાંદયાલ ગામ, લોકસભા બેઠક મત વિસ્તારને બીજી રીતે પણ યાદ કરવું જોઇશે. 1991માં વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવ આ બેઠક પરથી પેટાચૂંટણીમાં ગંજાવર મત તફાવત સાથે ચૂંટાઈ આવ્યા હતા.
1957ની બીજી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે હોદ્દો સંભાળતા ડૉ. એસ. રાધાકૃષ્ણન એકમાત્ર ઉમેદવાર હતા. આથી 23 એપ્રિલ 1957ના રોજ તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. 13 મે 1957ના રોજ તેમણે નવેસરથી હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો. સતત બે મુદત અને દસ વર્ષ માટે હોદ્દા પર રહેનારા તેઓ પહેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવાતો શિક્ષક દિવસ તેમના માનમાં, યાદગીરીમાં ઉજવાય છે.
સ્વતંત્રપણે ગુજરાતના સંસદસભ્યોને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરવાનો પહેલો અવસર ઉપરાષ્ટ્રપતિ પદની ત્રીજી ચૂંટણીમાં એટલે કે મે 1962માં મળ્યો – મતદાન તારીખ 7 મે 1962. ત્રીજી લોકસભા-1962ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના બાવીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીની વિશેષતા એ હતી કે તેના મતદાર સંસદસભ્યો એક મહિના પહેલા જ એપ્રિલ 1962માં ત્રીજી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. આ ચૂંટણીમાં ડૉ. ઝાકિર હુસૈનને 568 અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર ડૉ. એન. સી. સામન્તસિન્હરને માત્ર ચૌદ મત મળ્યા હતા. ડૉ. એન. સી. સામન્તસિન્હર 1957ની બીજી લોકસભામાં ઓરિસ્સાના ભુવનેશ્વરથી કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય રહ્યા હતા. બન્ને ઉમેદવારો અપક્ષ ઉમેદવારો હતા એ નોંધવું રહ્યું. ડૉ. ઝાકિર હુસૈને 13 મે 1962ના રોજ ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો.
ઉપરાષ્ટ્રપતિ પદની ચોથી ચૂંટણી માટે 6 મે 1967ના રોજ મતદાન યોજાયું. ચોથી લોકસભા-1967ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના ચોવીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીની વિશેષતા એ હતી કે તેના મતદાર સંસદસભ્યો બે મહિના પહેલા જ માર્ચ 1967માં ચોથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. વી. વી. ગિરિ ઉર્ફે વરાહગિરિ વેંકટગિરિને 483 અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર પ્રોફેસર મોહમ્મદ હબીબને 193 મત મળ્યા હતા. પ્રોફેસર મોહમ્મદ હબીબ ઇતિહાસકાર હતા તેમજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા. સ્વતંત્રતા આંદોલન સમયે ગાંધીજી અને જવાહરલાલ નેહરૂ સાથે જોડાયા હતા. ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી તેમના સસરા થાય. પ્રોફેસર મોહમ્મદ હબીબના એકમાત્ર પુત્ર ઇરફાન હબીબ હાલના વીસમી-એકવીસમી સદીના સમયગાળાના જાણીતા ઇતિહાસકાર છે. વિજેતા ઉમેદવાર વી. વી. ગિરિ ઉર્ફે વરાહગિરિ વેંકટગિરિએ 13 મે 1967ના રોજ ભારતના ત્રીજા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો.
વી. વી. ગિરિએ ઉપરાષ્ટ્રપતિ પદે પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી નહીં. કેમ કે એ સમયે રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનનું હોદ્દા પર રહેતા 3 મે 1969ના રોજ અવસાન થતા તેમણે કાર્યકારી રાષ્ટ્રપતિ પદનો હોદ્દો સંભાળવાનો થયો. આ હોદ્દા પર રહેતા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી ન કરી શકાય એવો નિયમ હોવાથી તેઓએ કાર્યકારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બન્ને હોદ્દા પરથી રાજીનામું આપ્યું.
ઉપરાષ્ટ્રપતિ પદની પાંચમી ચૂંટણી માટે 30 ઑગસ્ટ 1969ના રોજ મતદાન યોજાયું. આ સમયે ચોથી લોકસભા-1967-1970 જ કાર્યરત હતી એટલે તેના સભ્યોને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરવાનો અવસર બીજી વાર મળ્યો. ચૂંટણીમાં છ ઉમેદવારો હતા. ગોપાલ સ્વરૂપ પાઠક ઉર્ફે જી. એસ. પાઠકને પ્રથમ પસંદગીના 400 મત મળી જતા તેમને 30 ઑગસ્ટ 1969ના રોજ વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ સમયે હોદ્દો ખાલી હોવાથી બીજે જ દિવસે 31 ઑગસ્ટ 1969ના રોજ તેમણે ભારતના ચોથા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળી લીધો. ગોપાલ સ્વરૂપ પાઠક પહેલા એવા ઉપરાષ્ટ્રપતિ કહેવાયા કે જેમને તેમના ત્રણ પુરોગામીઓની જેમ રાષ્ટ્રપતિ પદના હોદ્દા પર બઢતી મળી નહીં.
ઉપરાષ્ટ્રપતિ પદની છઠ્ઠી ચૂંટણી માટે 27 ઑગસ્ટ 1974ના રોજ મતદાન યોજાયું. પાંચમી લોકસભા-1971-1977ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના ચોવીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. ઉપરાષ્ટ્રપતિ પદની છઠ્ઠી ચૂંટણીથી રૂપિયા અઢી હજાર (2,500 રૂપિયા)ની સિક્યોરિટી ડિપૉઝિટ જમા કરાવવાનો નિયમ અમલમાં આવ્યો. એ ઉપરાંત આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગનારનું ઉમેદવારી પત્ર ઓછામાં ઓછા પાંચ પ્રસ્તાવકો અને પાંચ ટેકેદારો ધરાવતું હોવું જોઇએ એવો નિયમ પણ અમલમાં આવ્યો. પ્રસ્તાવકો, ટેકેદારો સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય હોવા જોઇએ એ નિયમ તો ખરો જ. બી. ડી. જત્તી ઉર્ફે બસપ્પા દાનપ્પા જત્તીને 521 મત અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર એન. ઈ. હોરોને 141 મત મળ્યા. મતદાનના દિવસે જ ચૂંટણી પરિણામ જાહેર થયું હતું. પરાજિત ઉમેદવાર એન. ઈ. હોરો ઉર્ફે નિરલ ઇનમ હોરો ચોથી અને પાંચમી લોકસભામાં બિહાર રાજ્યની ખૂંટી લોકસભાના સંસદસભ્ય રહ્યા હતા. બિહાર સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજિત થયા પછી તેઓ સાતમી લોકસભા-1980માં ચૂંટાઈ આવ્યા હતા. ખૂંટી લોકસભા બેઠક હવે નવા રચાયેલા ઝારખંડ રાજ્યનો હિસ્સો છે. બી. ડી. જત્તી ઉર્ફે બસપ્પા દાનપ્પા જત્તીએ 31 ઑગસ્ટ 1974ના રોજ ભારતના પાંચમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. તેમના કાર્યકાળની વિશેષતા એ છે કે આ દરમિયાન રાષ્ટ્રપતિ ડૉ. ફકરૂદ્દીન અલી અહમદનું 11 ફેબ્રુઆરી 1977ના રોજ અવસાન થયું. આથી બી. ડી. જત્તીને કાર્યકારી રાષ્ટ્રપતિનો પદભાર સોંપવામાં આવ્યો. પાંચ મહિના માટે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા એ દરમિયાન માર્ચ 1977માં છઠ્ઠી લોકસભાની ચૂંટણી યોજાઈ. વડાપ્રધાન પદે સુરત લોકસભા બેઠકના સંસદસભ્ય મોરારજી દેસાઈની વરણી થઈ. વડાપ્રધાનને હોદ્દાના શપથ અપાવી શકે એ રાષ્ટ્રપતિનું પદ ખાલી હતું. આથી કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જત્તીએ વડાપ્રધાન પદે મોરારજી દેસાઈની શપથવિધિ સંપન્ન કરાવી. ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હોય તેવો આ પ્રકારનો પહેલો અને 2021 સુધીનો એકમાત્ર દાખલો છે.
ઉપરાષ્ટ્રપતિ પદની સાતમી ચૂંટણી માટે 27 ઑગસ્ટ 1979ના રોજ મતદાન યોજાવાનું હતું. એ પહેલા 22 ઑગસ્ટે છઠ્ઠી લોકસભા રાજકીય અસ્થિરતાને પગલે ભંગ કરવામાં આવી હતી. આમ છઠ્ઠી લોકસભા-1977ના સંસદસભ્યોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અવસર મળ્યો નહીં. ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણીમાં મોહમ્મદ હિદાયતુલ્લાહ એકમાત્ર ઉમેદવાર હોવાથી તેમને મતદાનની તારીખ પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. 1968થી 1970 વચ્ચે ભારતની સર્વોચ્ચ અદાલતના અગિયારમા મુખ્ય ન્યાયાધીશ રહેલા નિવૃત્ત જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહે 31 ઑગસ્ટ 1979ના રોજ ભારતના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. નિવૃત્ત જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ 1969માં વી. વી. ગિરિના અનુગામી તરીકે એક મહિના માટે કાર્યકારી રાષ્ટ્રપતિ થયા હતા. આમ એક સમયે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળી ચુકેલા તેઓ દસ વર્ષ પછી 1979માં ઉપરાષ્ટ્રપતિ થયા એમ પણ કહેવાય.
ઉપરાષ્ટ્રપતિ પદની આઠમી ચૂંટણી માટે 22 ઑગસ્ટ 1984ના રોજ મતદાન યોજાયું. સાતમી લોકસભા-1980-1984ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. રામાસ્વામી વેંકટરામનને 508 મત અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર બાપુ ચંદ્રસેન કામ્બલેને 207 મત મળ્યા. ટુંકાક્ષરી નામમાં બી. સી. કામ્બલે તરીકે ઓળખાતા તેઓ બીજી લોકસભાના સભ્ય રહ્યા હતા અને આ સમયે સાતમી લોકસભા-1980ના સંસદસભ્ય હતા. એટલે એમ કહી શકાય કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી Vice President electionના મતદાર તરીકે કામ્બલેએ ખુદને જ મત આપ્યો હશે. વિજેતા ઉમેદવાર રામાસ્વામી વેંકટરામન ઉર્ફે આર. વેંકટરામને 31 ઑગસ્ટ 1984ના રોજ ભારતના સાતમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. આર. વેંકટરામને ઉપરાષ્ટ્રપતિ પદે પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી નહીં. કેમ કે જુલાઈ 1987માં તેઓ ભારતના આઠમા રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ Vice President પદની નવમી ચૂંટણી માટે 7 સપ્ટેમ્બર 1987ના રોજ મતદાન યોજાવાનું હતું. આ ચૂંટણીમાં કુલ સત્તાવીસ ઉમેદવારી પત્રો દાખલ થયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન રિટર્નિંગ ઑફિસરને છવ્વીસ નામાંકન અધુરા, અયોગ્ય જણાઈ આવ્યા. માત્ર ડૉ. શંકર દયાળ શર્માનું ઉમેદવારી પત્ર નામાંકનની તમામ શરતો પુરી કરતું હતું. આથી ડૉ. શંકર દયાળ શર્માને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા જેઓ આ સમયે મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. આમ આઠમી લોકસભા-1984-1989ના સંસદસભ્યોને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરવાનો અવસર મળ્યો નહીં. ડૉ. શંકર દયાળ શર્માએ 3 સપ્ટેમ્બર 1987ના રોજ ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. ઉપરાષ્ટ્રપતિ પદે ડૉ. શર્મા છેલ્લા બિનહરીફ વિજેતા ગણાય છે. એ પછી વર્ષ 2022 સુધી આ પદ માટે ચૂંટણીઓ યોજાતી આવી છે.
આ પછી નવમી લોકસભા-1989-1991ના સમયગાળા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો કોઈ અવસર આવ્યો નહોતો. આ લોકસભાનો કાર્યકાળ રાજકીય અસ્થિરતાનો કારણોસર અત્યંત ટુંકો રહ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ પદની દસમી ચૂંટણી માટે 19 ઑગસ્ટ 1992ના રોજ મતદાન યોજાયું. દસમી લોકસભા-1991-1996ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં મતદારોની સંખ્યા 790 હતી જેમાંથી 711 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દસ મત રદ ઠરતા કુલ 701 મત માન્ય રહ્યા. કોચેરીલ રામન નારાયણન ઉર્ફે કે. આર. નારાયણનને 700 મત મળ્યા જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવારને મળ્યો માત્ર એક મત. ઉમેદવારનું નામ કાકા જોગિન્દરસિંઘ ઉર્ફે ‘ધરતીપકડ’. એનો અર્થ એ થયો કે તેમની ઉમેદવારીના પાંચ પ્રસ્તાવક અને પાંચ ટેકેદારોએ પણ તેમને મત નહોતા આપ્યા. કાકા જોગિન્દરસિંઘ ઉર્ફે ‘ધરતીપકડ’ દેશભરમાં એકથી વધુ લોકસભા, રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે જાણીતા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પરાજિત થયા એ અગાઉ ગયા મહિને જુલાઈ 1992માં ધરતીપકડ રાષ્ટ્રપતિ પદની દસમી ચૂંટણીમાં માત્ર 1,135 મત મેળવીને ચાર ઉમેદવારોમાં ચોથા ક્રમે પરાજિત થયા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના વિજેતા ઉમેદવાર કે. આર. નારાયણને 21 ઑગસ્ટ 1992ના રોજ ભારતના નવમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો.
ઉપરાષ્ટ્રપતિ પદની અગિયારમી ચૂંટણી માટે 16 ઑગસ્ટ 1997ના રોજ મતદાન યોજાયું. અગિયારમી લોકસભા-1996-1997ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ સમયે કેન્દ્રમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ હતી. મતદાનના આગલા દિવસે, આમ તો 14 ઑગસ્ટ 1997ની મધરાતે ભારતે સંસદભવનમાં તેની સ્વતંત્રતાના પચાસ વર્ષની ઉજવણી કરી હતી. ઇન્દર કુમાર ગુજરાલ આ સમયે વડાપ્રધાન હતા જેઓ રાજ્યસભાના ત્રીજી મુદતના સભ્ય લેખે બિહારથી જનતા દળના પ્રતિનિધિ હતા. કૃષ્ણ કાન્તને 441 મત અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર સુરજીત સિંઘ બરનાલાને 273 મત મળ્યા. સુરજીત સિંઘ બરનાલાએ આ સમયે ઉમેદવારી કરી ત્યારે અગિયારમી લોકસભા-1996ના સંસદસભ્ય હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાર તરીકે ખુદને જ મત આપ્યો હશે એમ કહી શકાય. સુરજીત સિંઘ બરનાલા વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકારમાં 1977-1979 દરમિયાન કૃષિ મંત્રી રહ્યા, 1985-1987 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી, 1990-1993માં કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પરાજય પછી 1998-1999માં બારમી લોકસભામાં ચૂંટાઈ આવ્યા અને વડાપ્રધાન વાજપેયીની સરકારમાં રસાયણ અને ખાતર વિભાગના મંત્રી થયા. એ પછી ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના રાજ્યપાલ તેમજ પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર થયા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના વિજેતા ઉમેદવાર કૃષ્ણ કાન્તે 21 ઑગસ્ટ 1997ના રોજ ભારતના દસમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. ઉપરાષ્ટ્રપતિ પદે તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરી શક્યા નહીં. હોદ્દા પર રહેતા જ 27 જુલાઈ 2002ના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સાથે તેમણે માત્ર બે જ દિવસ કામગીરી કરી એમ કહેવાય. છોંતેર વર્ષની વયે કૃષ્ણ કાન્ત અવસાન પામ્યા ત્યારે તેમના અઠ્ઠાણુ વર્ષના માતા સત્યવતી દેવી હયાત હતા. કૃષ્ણ કાન્તના માતા તેમજ પિતા લાલા અચિંત રામ બન્ને સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીવાદી હતા તેમજ લોકસભાના સભ્ય રહ્યા હતા. હોદ્દા પર રહેતા અવસાન પામનારા એકમાત્ર ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણ કાન્ત તેમની યુવાનીમાં કૉંગ્રેસજનોમાં ‘યંગ ટર્ક’ તરીકે જાણીતા હતા. યંગ ટર્ક ત્રિપુટીના બે અન્ય સભ્યો તે ચંદ્રશેખર અને મહારાષ્ટ્રના મોહન ધારિયા. ચંદ્રશેખર 1990-1991માં ટુંકા સમય માટે વડાપ્રધાન થયા હતા.
આ પછી બારમી લોકસભા-1998-1999ના સમયગાળા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો કોઈ અવસર આવ્યો નહોતો. આ લોકસભાનો કાર્યકાળ રાજકીય અસ્થિરતાના કારણોસર અત્યંત ટુંકો રહ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ પદની બારમી ચૂંટણી માટે 12 ઑગસ્ટ 2002ના રોજ મતદાન યોજાયું. તેરમી લોકસભા-1999-2004ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષો દ્વારા સમર્થિત ઉમેદવાર ભૈરો સિંહ શેખાવતને 454 મત અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર સુશીલ કુમાર શિંદેને 305 મત મળ્યા. ભૈરો સિંહ શેખાવત આ સમયે રાજસ્થાન વિધાનસભામાં વિરોધપક્ષના નેતા હતા. અગાઉ ત્રણ વાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા હતા. પરાજિત ઉમેદવાર સુશીલ કુમાર શિંદે આ પછી 2003-2004માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થયા. 2004થી 2006 આંધ્ર પ્રદેશના રાજ્યપાલ થયા. પુનઃ સક્રિય રાજકારણમાં દાખલ થયા અને 2006થી 2012 કેન્દ્ર સરકારમાં વીજળી મંત્રી અને 2012-2014 દરમિયાન ગૃહ મંત્રી થયા. વિજેતા ઉમેદવાર ભૈરો સિંહ શેખાવતે 19 ઑગસ્ટ 2002ના રોજ ભારતના અગિયારમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. ઉપરાષ્ટ્રપતિ પદે રહેતા તેમણે જુલાઈ 2007માં રાષ્ટ્રપતિ પદની તેરમી ચૂંટણીમાં ઉમેદવારી કરી અને પરાજિત થયા. આ રીતે પરાજિત થનારા તેઓ પહેલા ઉપરાષ્ટ્રપતિ ગણાય છે. ઉલ્લેખનીય છે કે ભૈરો સિંહ શેખાવત જેમની સામે ચૂંટણીમાં પરાજિત થયા એ પ્રતિભા દેવીસિંહ પાટીલ રાજસ્થાનના પુત્રવધૂ અને આ ઉમેદવારી સમયે રાજસ્થાનના રાજ્યપાલ હતા.
ઉપરાષ્ટ્રપતિ પદની તેરમી ચૂંટણી માટે 10 ઑગસ્ટ 2007ના રોજ મતદાન યોજાયું. ચૌદમી લોકસભા-2004-2009ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો સ્પર્ધામાં હતા. મોહમ્મદ હામિદ અન્સારીને 455 મત, પ્રતિસ્પર્ધી ઉમેદવારો ડૉ. નજમા અકબર અલી હેપતુલ્લાને 222 મત અને રશીદ મસૂદને માત્ર 75 મત મળ્યા. મોહમ્મદ હામિદ અન્સારીએ 11 ઑગસ્ટ 2007ના રોજ ભારતના બારમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. ઉમેદવારી સમયે મોહમ્મદ હામિદ અન્સારી વર્ષ 2006થી રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ચેરમેન હતા. ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી રહ્યા. ડૉ. નજમા અકબર અલી હેપતુલ્લા ઉમેદવારી સમયે રાજસ્થાનથી પાંચમી મુદતના રાજ્યસભાના સભ્ય હતા. 1985-1986 તેમજ 1988થી 2004 દરમિયાન એમ બે વાર રાજ્યસભાના ઉપસભાપતિ રહ્યા હતા. આ પરાજય પછી 2014થી 2016 વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના મંત્રીમંડળમાં લઘુમતી બાબતોના મંત્રી થયા. 2017માં નવી દિલ્લીની જામિયા મીલિયા યુનિવર્સિટીના કુલપતિ થયા. વર્ષ 2016થી 2021 સુધી મણિપુર રાજ્યના રાજ્યપાલ રહ્યા. રશીદ મસૂદ કુલ નવ મુદત માટે સંસદસભ્ય રહ્યા. કૉંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા તેઓ ચાર મુદત રાજ્યસભાના અને પાંચ મુદત માટે લોકસભાના સભ્ય હતા. ઉપરાષ્ટ્રપતિ પદની તેરમી ચૂંટણી માટે ઉમેદવારી કરી ત્યારે ચૌદમી લોકસભા-2004-2009ના સભ્ય હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાર તરીકે ખુદને જ મત આપ્યો હશે એમ કહી શકાય. આ પરાજય પછી સપ્ટેમ્બર 2013માં તેમની પર ભ્રષ્ટાચારના આરોપો ઘડાયા હતા અને ચાર વર્ષની જેલ સજા જાહેર થઈ હતી. તેમણે યોગ્ય લાયકાત વગરના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોટી રકમો મેળવી તેમને તબીબી વિદ્યાશાખામાં ખોટી રીતે પ્રવેશ અપાવ્યો હોવાનો આરોપ ઘડવામાં આવ્યો હતો. આ ચૂંટણીના વિજેતા ઉમેદવાર મોહમ્મદ હામિદ અન્સારીએ 11 ઑગસ્ટ 2012ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો બીજી વાર સંભાળ્યો. બે મુદત માટે હોદ્દા પર રહેનાર ઉપરાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણન પછીના તેઓ બીજા વ્યક્તિ બન્યા.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૌદમી ચૂંટણી માટે 7 ઑગસ્ટ 2012ના રોજ મતદાન યોજાયું. પંદરમી લોકસભા-2009-2014ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષ દ્વારા સમર્થિત ઉમેદવાર અને ઉમેદવારી સમયે ઉપરાષ્ટ્રપતિ એવા મોહમ્મદ હામિદ અન્સારીને 490 મત અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર જસવંત સિંઘને 238 મત મળ્યા. મોહમ્મદ હામિદ અન્સારીને ઉપરાષ્ટ્રપતિ પદે બીજી મુદત મળી અને તેઓએ 11 ઑગસ્ટ 2012ના રોજ કાર્યભાર સંભાળ્યો. જસવંત સિંઘ આ ઉમેદવારી સમયે ભારતીય જનતા પક્ષમાં સક્રિય હતા. કેન્દ્ર સરકારમાં નાણા, વિદેશ અને સંરક્ષણ મંત્રી રહી ચુક્યા હતા. ઉમેદવારી સમયે પાંચ મુદત માટે રાજ્યસભાના અને ચાર મુદત માટે લોકસભાના સભ્ય રહ્યા હતા. આ ઉમેદવારી સમયે પંદરમી લોકસભા-2009માં ચોથી મુદતના સભ્ય હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાર તરીકે ખુદને જ મત આપ્યો હશે એમ કહી શકાય. આ ચૂંટણી પરાજય પછી જસવંત સિંઘ મોહમ્મદ અલી ઝીણા વિશે તેમણે લખેલા એક અંગ્રેજી પુસ્તકને કારણે ભારતીય જનતા પક્ષમાં જ અળખામણા થઈ ગયા. સોળમી લોકસભા ચૂંટણી-2014માં ભાજપ દ્વારા ઉમેદવારીથી દૂર રાખવામાં આવતા બાડમેર લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી પરાજિત થયા. એ પહેલા માર્ચ 2014માં તેમને ભારતીય જનતા પક્ષે બરતરફ કર્યા.
ઉપરાષ્ટ્રપતિ પદની પંદરમી ચૂંટણી માટે 5 ઑગસ્ટ 2017ના રોજ મતદાન યોજાયું. સોળમી લોકસભા-2014-2019ના સભ્યોએ મતદાન કર્યું જેમાં ગુજરાતના છવ્વીસ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં એમ. વેંકૈયા નાયડુ ઉર્ફે મુપ્પાવારાપુ વેંકૈયા નાયડુને 516 મત અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને 244 મત મળ્યા. વિજેતા ઉમેદવાર એમ. વેંકૈયા નાયડુએ 11 ઑગસ્ટ 2017ના રોજ ભારતના તેરમા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. ઉમેદવારી સમયે તેઓ રાજ્યસભાના સભ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ મંત્રીમંડળમાં 2014-2017 દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી હતા. 2002-2004 દરમિયાન ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. એમ. વેંકૈયા નાયડુ સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો હોય એવા પહેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી સગપણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્ર અને ભારતના છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી ઉર્ફે રાજાજીના દોહિત્ર (પુત્રીના પુત્ર) હતા. 1968થી 1985 સુધી તામિલનાડુ રાજ્યમાં સનદી સેવાના અધિકારી રહ્યા. 1985થી 1987 તેઓ ઉપરાષ્ટ્રપતિના સચિવ અને 1987થી 1992 સુધી રાષ્ટ્રપતિના સહસચિવ રહ્યા. આમ તેઓએ આઠ વર્ષ માટે આર. વેંકટરામન સાથે કામગીરી કરી. ગોપાલકૃષ્ણ ગાંધી 2004થી 2009 દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહ્યા હતા. વર્ષ 2022માં રાષ્ટ્રપતિ પદની સોળમી ચૂંટણી યોજાવાની હતી ત્યારે તેમનું નામ ભારતીય જનતા પક્ષ સિવાયના વિપક્ષો દ્વારા ઉમેદવારી માટે વિચારણામાં લેવાયું હતું. પરંતુ ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉમેદવારી કરવા માટે સામેથી જ ઇનકાર કરી દીધો હતો.
ઉપરાષ્ટ્રપતિ પદની સોળમી ચૂંટણી માટે 6 ઑગસ્ટ 2022ના રોજ મતદાન યોજાશે. સત્તરમી લોકસભા-2019ના ગુજરાતના છવ્વીસ સંસદસભ્યો અને રાજ્યસભાના અગિયાર સંસદસભ્યો મતદાન કરશે. સાડત્રીસ મતદારોમાંથી ભારતીય જનતા પક્ષના સમર્થિત ઉમેદવાર જગદીપ ધનખડને સંખ્યાબળ પ્રમાણે ગુજરાતમાંથી ચોત્રીસ મત મળશે એ નક્કી છે. જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, લોકસભાના સભ્ય, કેન્દ્રિય મંત્રી તેમજ રાજસ્થાનના ધારાસભ્ય રહી ચુક્યા છે. સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરી ચુક્યા છે. પ્રતિસ્પર્ધી ઉમેદવાર માર્ગારેટ અલ્વા પણ લાંબો સંસદીય અનુભવ ધરાવતા નેતા છે. લોકસભા, રાજ્યસભાના સભ્ય હોવા ઉપરાંત કેન્દ્રિય મંત્રી રહ્યા છે. જુલાઈ 2014માં દસ દિવસના ટુંકા સમયગાળા માટે ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ રહ્યા હતા. ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગોવાના પણ રાજ્યપાલ રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવનાર વ્યક્તિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કહેવાય છે. રાજ્યસભાનું સંચાલન જવાબદારી વાળું કામ છે. એટલું જવાબદારી વાળું કે કાયદા, નીતિ-નિયમોના જાણકાર સભ્યો ચર્ચા કરતી વખતે નિયમો, પેટાનિયમો અને કાયદાની, બંધારણની જોગવાઈઓને ટાંકીને સભાપતિની ભૂમિકાને, ગૃહની કાર્યવાહીને પડકારજનક સ્થિતિમાં મુકી શકે, ખોરવી પણ શકે. એટલે આ પદ માટે ગૃહની કાર્યવાહીના તેમજ કાયદાના જાણકાર હોય એવા અભ્યાસી વ્યક્તિઓને રાજકીય પક્ષો દ્વારા પસંદ કરવામાં આવે છે. એ માપદંડો અનુસાર આ ચૂંટણીના બન્ને ઉમેદવારો જગદીપ ધનખડ અને માર્ગારેટ અલ્વાની પસંદગી યોગ્ય ઠરે છે.
રાજ્યસભાની કામગીરી ક્યારેક એક જમાનામાં, 1988માં એ હદે ખોરવાઈ હતી કે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માની આંખમાં સભ્યોએ આંસુ લાવી દીધા હતા. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ માટે પણ એવો જ યોગ 2020માં એક ચર્ચા દરમિયાન થયો હતો.
ભારતના ચૌદમા ઉપરાષ્ટ્રપતિ માટે સોળમી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સ્પર્ધાના બન્ને ઉમેદવારોને ‘નવજીવન’ પરિવારની શુભેચ્છાઓ.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)








