નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ હાલ અમદાવાદ શહેરના રોડની પરિસ્થિતિ જાણે ગામડાથી પણ ખરાબ થઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. અમદાવાદમાં વરસાદની સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં તો શહેરમાં એક બે નહીં પણ 22થી વધુ ભૂવાઓ પડી ગયા છે. ગઈ કાલે વસ્ત્રાલમાં પડેલા ભૂવાના દૃશ્યો જોઈને લાગશે કે આ રોડ છે કે તળાવ?
અમદાવાદ શહેરની ઓળખ હવે સ્માર્ટ સિટીની સાથે ભૂવા સિટી તરીકે પણ ઓળખાય તો નવાઈ નહીં રહે! વરસાદની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારમાં જાણે ભૂવા પાડવાની પણ સિઝન શરૂ થઈ ગઈ હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ઉપરાંત દર વર્ષે જે જગ્યા પર ભૂવા પડતાં હોય છે તે જગ્યા પણ આ વર્ષે ભૂવા પડતાં તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદીઓ હવે શહેરના રસ્તા પર જતાં પણ ડરે છે કારણે કે ભૂવા રાજને કારણે અનેક અકસ્માતોના બનાવ બની રહ્યા છે તેમાં ક્યાંક તેમનો નંબર પણ ન આવી જાય.
અમદાવાદમાં ગઈ કાલે વસ્ત્રાલ વિસ્તારના મેટ્રો રૂટ પર ભૂવો પાડવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ રોડ એક મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો હતો. તે જ રોડ પર મેટ્રો પિલર નંબર 129 નજીક એક મોટો ભૂવો પડ્યો છે. સેકન્ડોની અંદર રોડ જાણે તળાવની અંદર બેસી ગયો હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ તો એક ભૂવાની વાત થઈ શહેરમાં હાલ 22થી વધુ ભૂવાઓ પડ્યા છે. આ જગ્યાએ તંત્ર બેટીકેટ્સ ઉભા કરીને સંતોષ માની રહી છે. જ્યારે AMCની બેદરકારીના કારણે શહેરીજનો મુશેકેલીઓનો સામનો કરી રહી છે.








