Thursday, April 23, 2026
HomeGujaratપોલીસ પરિવારની સામૂહિક આત્મહત્યા: અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે 12માં માળેથી પત્ની અને બાળક...

પોલીસ પરિવારની સામૂહિક આત્મહત્યા: અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે 12માં માળેથી પત્ની અને બાળક સાથે કૂદકો મારી જીવનનો અંત આણ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કુલદીપસિંહ યાદવએ પોતાની પત્ની અને બે વર્ષની દીકરી સાથે મંગળવારે રાત્રે દોઢ વાગ્યે ગોતામાં આવેલા દિવા હાઇટ્સ નામના ટાવર ઉપરથી કૂદકો મારી જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે હજી સુધી સામૂહિક આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

વસ્ત્રાપુર પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવ તેમની પત્ની રિધ્ધી અને બે વર્ષની દીકરી આકાંગશી સાથે ગોતા વિશ્વાસસિટીમાં આવેલા દિવા હાઇટ્સ નામની બહુમાળી ઇમારતમાં રહેતા હતા. રાત્રે દોઢ વાગ્યાના સુમારે કુલદીપસિંહ અને તેમની પત્ની રિધ્ધીએ બાળકી સાથે 12માં માળેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તેમણે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.

- Advertisement -

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમની પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.

કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમના પત્ની સિહોરની બાજુમાં આવેલા વડીયાના રહેવાસી હતા. સિહોરના સ્થાનિકોનું કહેવું છે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે હજી સમજાતું નથી. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ અંદાજ ન હતો કે કુલદીપસિંહ અને તેમના પત્ની આવું પગલું ભરશે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ) આ ઉપરાંત પોલીસનો પણ સંપર્ક કરવો હિતાવહ છે.]

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular