નવજીવન ન્યૂઝ, અમદાવાદ : છેલ્લાં કેટલાંક મહિનાઓમાં બાળકો હિંસક બની રહ્યાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. શાળા/ટ્યૂશનમાં ભણતા વિદ્યાર્થી તેના જ સાથી પર હિંસક હુમલો કર્યો હોવાની રાજ્યભરમાં ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલ (Isanpur Public School AMC) માં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થી પર તેના જ સહાધ્યાયીએ જીવલેણ હુમલો (Violent Attack by Student) કર્યો છે. પરિક્ષા પૂર્ણ થયા બાદ થયેલી નજીવી બોલચાલ બાદ બનેલી હિંસક ઘટનામાં એક નિર્દોષ વિદ્યાર્થીને પોતાની આંખ ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
20 એપ્રિલના રોજ ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 ની પરીક્ષા સવારે સાડા અગિયાર કલાકે પેપર પૂરું થયા બાદ તેના બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો. આથી 14 વર્ષીય કિશોર તેના મિત્રને બચાવવા તેમજ ઝઘડો શાંત પાડવા બંને વિદ્યાર્થીઓની વચ્ચે પડ્યો હતો. દરમિયાનમાં ઉશ્કેરાયેલા હુમલાખોર વિદ્યાર્થીએ કંઈ પણ વિચાર્યા વિના કંપાસ બોક્સમાંથી તીક્ષ્ણ પરિકર કાઢી કલાસરૂમની બેન્ચ પર ચઢી ગયો હતો અને 14 વર્ષીય સગીરની આંખમાં પરિકર મારી દીધું હતું. આ ઘટના બનતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં એલ. જી. હૉસ્પિટલ અને તે પછી વધુ સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાના પગલે નારોલ પોલીસે વિદ્યાર્થી સામે ગુનો નોંધી (Narol Police registered FIR against attacking student) કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોરની સામે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હાલ સ્થળ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.








