નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કાળા વાદળો છવાઈ જતાં વિઝીબ્લીટી લો થતાં વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા છે. વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસાતા ગત રવિવાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકવાના ભયથી લોકો નોકરી જવાનું પણ ટાળી રહ્યા છે.
અમદાવાદમાં માત્ર 20 મિનિટના વરસાદમાં આશ્રમ રોડ, વાડજ, ઉસ્માનપુરા પર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સૌથી વધુ ચાંદખેડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ફરીએકવાર નીચાણવાળા વિસ્તારો પાણી ભરવાનું શરૂ થયું છે. ઉપરાંત રસ્તાઓ પાણીમાં ભરાતા સવારમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે. વહેલી સવારથી વરસતા વરસાદના કારણે પ્રહલાદનગર, જીવરાજપાર્ક, બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, ઇસ્કોન, SG હાઇવેના રસ્તાઓ પર પાણી ભરાયા છે.

અમદાવાદમાં વરસાદના કારણે શહેર DEOએ આદેશ આપ્યો છે કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને મુજબ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, વલસાડ, નવસારી, દમણ, નર્મદા સુરત, તાપી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.








