નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે. રાજેશની મોડી રાત્રે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 2011 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી કે રાજેશની ભ્રષ્ટાચારના આરોપ હેઠળ ધરપકડ કરી છે. હાલમાં કે રાજેશ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે. CBIએ લાંબી તપાસના અંગે ગઈકાલ મોડી રાત્રે IAS અધિકારીની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર પર પદનો દુરુપયોગ કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં જ IAS કે. રાજેશના નિવાસસ્થાને CBIએ દરોડા પાડ્યા હતા. સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરત ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત નિવાસસ્થાને CBIના દરોડો પડ્યા હતા. IAS અધિકારી સામે આરોપ છે કે તેમણે શસ્ત્ર લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે, અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા માટે, ગેરકાયદેસર/અધિક્રમણવાળી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નિયમિત કરવા માટે, અન્ય લોકો સાથે મિલીભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજુરી વિના સૌર ઊર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપવા કથિત રીતે લાંચ સ્વીકારી હતી.
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે પણ IAS કે. રાજેશ સામે આક્ષેપો કર્યા હતા. તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન 39 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને હથિયારના પરવાનગી ઈસ્યૂ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કાર્યકાળ દરમિયાન 200થી વધુ જેટલા શસ્ત્ર લાઇશન્સ માટે લાંચ લીધી હોવાનો આક્ષેપ છે. જેમાંથી 39 જેટલા SPની નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા.








