નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: શું તમે તમારા સગીરવયના દિકરાને સવલત માટે વાહનની વ્યવસ્થા આપો છો? તો તમારે જેલની હવા ખાવાનો અને બાળક ગુમાવવાનો વારો પણ આવી શકે છે. રાજ્યમાં સગીરવયના બાળકો (Minor)વાહનો લઈને નીકળ્યા બાદ અકસ્માતમાં જીવ ગુમાવતા (Accidental Death) હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેમ છતાં વાલી દ્વારા આ પ્રકારની બેદકારી દાખવવામાં આવતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસે આવા વાલીઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત અમદાવાદમાં સગીરનું બાઈક અકસ્માતમાં મોત થતાં ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) તેના પિતા સામે ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા પ્રકાશ અને તેના બે મિત્ર ભાવેશ અને રવિ શાસ્ત્રીનગર ત્રિપદા સ્કુલ નજીક આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા માટે જવાના હતા. જેથી ભાવેશે તેના પિતાનું બાઈક લઈને આવતા ત્રણેય મિત્રો બાઈક પર ગ્રાઉન્ડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાણક્યાપુરીથી પ્રભાતચોક ત્રણ રસ્તા પાસે બાઈકની આગળ અચાનક શ્વાન આવી ગયું હતું.
રસ્તામાં અચાનક શ્વાન આવી જતાં ભાવેશે બાઈકની બ્રેક મારતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ત્રણેય બાઈકસવાર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં રવિ અને પ્રકાશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે ભાવેશને ભાથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માત અંગે ટ્રાફિક પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં ભાવેશ સગીર વયનો હોવાનું સામે આવતા પોલીસે તેના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જો ગુનો સાબિત થાય તો વાહનમાલિકને બે વર્ષની સજા અને 25 હજારનો દંડ પણ થઈ શકે છે.








