નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: એરલાઈન Air India એ આજે સવારે ઘણી ફ્લાઈટો રદ (Flights cancelled) કરવાનો એકાએક નિર્ણય લીધો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ અંગેની જાણ પેસેન્જર્સને પણ કરવામાં આવી નહોતી. જેના કારણે એરપોર્ટ પર પહોંચી ગયેલા પેસેન્જર્સ Air India ના મેનેજમેન્ટ પર ભડક્યાં હતા અને હોબાળો મચાવ્યો હતો.
કંપનીએ જે ફ્લાઈટ કેન્સલ કરી તેમાં તિરુપતિ, બેંગ્લોર અને મૈસુરની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. સમયસર ફ્લાઈટ ન મળતા મુસાફરો અટવાયા હતા અને ફ્લાઈટ રદ કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. એરલાઈન દ્વારા પેસેન્જર્સને અગાઉથી ફ્લાઈટ કેન્સલ કર્યાના કોઈ સંદેશ નહીં મોકલ્યા હોવાથી મોટી સંખ્યામાં એરપોર્ટ પર પેસેન્જર્સ સમયસર પહોંચી ગયા હતા. એરપોર્ટ પર એકઠાં થયેલા પેસેન્જર્સ એરલાઈન પર રોષે ભરાયા હતા અને મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવતા હંગામો કરતા નજરે ચઢ્યા હતા.
મહત્વની વાત છે કે ભૂતકાળમાં પણ આવી ઘટના કેટલીક વાર બની ચૂકી છે. જેમાં ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લેવો પડ્યો હોય તેનું તાજું જ ઉદાહરણ છે કે, જાન્યુઆરી 2023માં ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે વારાણસી એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ત્યારે એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો. પરંતુ બાદમાં વિસ્તારા એરલાઈને એ ટ્વીટ કરીને ફ્લાઈટ કેન્સલ કરવા અંગેના કારણો જણાવ્યા હતા. જેમાં જણાવ્યુ હતું કે, વારાણસી એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીને કારણે એક મુંબઈ-વારાણસી ફ્લાઈટને રાયપુર અને એક દિલ્હી-વારાણસી ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.
પરંતુ આ વખતે એર ઈન્ડિયા દ્વારા અચાનક ફ્લાઈટ કેન્સલ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે અંગે એરલાઈન Air India એ કોઈપણ માધ્યમથી કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. જેથી મુસાફરો અટવાયા હતા અને રોષે ભરાયા હતા. ત્યારે અનેક સવાલોના મારા સામે કંપનીએ ફ્લાઈટ રદ કરવા પાછળનું કારણ ટેકનિકલ ઈશ્યુ જણાવ્યો હતું. ત્યારે ખરેખર શું આ જ કારણ છે કે, કંઈ બીજુ તે હજી સ્પષ્ટ થયું નથી.








