પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આપણી સ્થિતિ એવી છે કે પોલીસને આપણે પસંદ કરતા નથી અને પોલીસ વગર આપણને ચાલતુ પણ નથી. પોલીસ અને પ્રજાનો સંબંધ મિત્રતા અને ધૃણાનું મીશ્રણ છે, પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર સહિત સિનિયર પોલીસ અધિકારીઓ છેલ્લાં કેટલાય મહિનાઓથી મંથન કરી રહ્યા છે કે, પોલીસ દળમાં રહેલા નાના મોટા તમામ અધિકારીઓ કઈ રીતે તણાવ મુકત રહે અને જયારે પણ પોલીસ અને પ્રજા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પોલીસનો વ્યવહાર સામાન્ય માણસ સાથે સાલસ હોય. આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ દ્વારા તા 20મીના જુનના રોજ એક દિવસના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે આ કાર્યક્રમમાં ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહેવાના છે, અમદાવાદના સીંઘુભવન રોડ ઉપર આવેલા ક્રેડાઈના હોલમાં યોજાઈ રહેલા એક દિવસીય કાર્યક્રમમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ઉપસ્થિત પોલીસ અધિકારીઓને જાણકારી આપશે કે શા માટે આ પ્રકારના મંથનની આપણને જરૂરિયાત ઊભી થઈ છે. તેની સાથે સતત ભાગદોડ ભરી નોકરી કરતી પોલીસને પોતાના ફરજની સાથે પરિવારના પ્રશ્નો પણ હોય છે, આ સ્થિતિ માનસીક તણાવ ઊભો કરે છે, જેના પરિણામે પોલીસમાં એક પ્રકારનો ઉશ્કેરાટ જોવા મળે છે અને તેનો સીધો ભોગ સામાન્ય માણસ અને નાના કર્મચારીઓ બને છે. તો કઈ રીતે તણાવ ઘટાડી શકાય અને કઈ રીતે વ્યવહાર બદલાઈ શકે તે વિષય ઉપર નિષ્ણાતો પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરશે.
પોલીસની સારી નરસી છાપ ઉભી કરવામાં માધ્યમોની મહત્વની ભુમીકા છે. પોલીસ અને માધ્યમના પ્રતિનિધિ સીધા સંપર્કમાં આવતા હોય છે, કયારેક પોલીસ અને માધ્યમના પ્રતિનિધિ વચ્ચે થતા શાબ્દીક એન્કાઉન્ટરને કારણે માધ્યમમાં પોલીસની એક નકારાત્મક છાપ ઊભી થાય છે. આ પ્રકારની ઘટના ટાળી શકાય અને પોલીસ અને માધ્યમો વચ્ચે કઈ રીતે સુમેળભર્યો સંબંધ રહે તે માટે માધ્યમના સિનિયર પ્રતિનિધિઓ પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરશે આ ઉપરાંત એક ખાસ પેનલ ડીસ્કશન પણ રાખવામાં આવ્યું છે જેમાં મધ્યમ, વકિલ, સામાન્ય માણસ અને મહિલા પોલીસ પાસે કેવા વ્યવહારની અપેક્ષા રાખે છે. આ પહેલ કાર્યક્રમના પહેલા પ્રયોગ માટે પોલીસ ઈન્સપેકટર અને ઉપરી અધિકારીઓ મળી કુલ 161 અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. ક્રમશ: પોલીસ કોન્સટેબલ સુધી આ કાર્યક્રમને લઈ જવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











