નવજીવન ન્યૂઝ, સુરત : સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આવેલા ભોરીયા ગામની સીમમાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માત (Surat Fatal Accident) માં પતિ-પત્ની અને માતાનું સ્થળ પર મોત થયું છે. જ્યારે 7 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. કારની ટક્કર એટલી ભયંકર હતી કે, મહિલા હવામાં પંદરેક ફૂટ ઉછળીને ઈંટના ભઠ્ઠા પર પટકાઈ હતી.
અંબિકા તાલુકાના સાંબા ગામે રહેતા આશિષ પટેલ (ઉ.31) તેમના પત્ની પારુલબહેન (ઉ.29), પુત્ર વેદ (ઉ.7) અને 60 વર્ષીય માતા ઉષાબહેન ડોલવણ તાલુકાના પાટી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન સમારંભમાંથી આખો પરિવાર એક જ બાઈક પર સવાર થઈ ઘરે પરત ફરી રહ્યો હતો. આ સમયે વલવાડા-ભોરીયા રોડ પર ઈંટના ભઠ્ઠા પાસે સામેથી પૂર ઝડપે આવતી કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માતમાં આશિષભાઈ, પારૂલબહેન અને ઉષાબહેનના સ્થળ પર મોત નીપજ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો.








