Wednesday, December 11, 2024
HomeGujaratઆ માણસને પ્રેમ કરવા જેવો છે, એક વખત તેની સાથે પ્રેમ કરી...

આ માણસને પ્રેમ કરવા જેવો છે, એક વખત તેની સાથે પ્રેમ કરી જુવો

- Advertisement -

હું 1990ના દસકમાં જયારે પત્રકાત્વમાં પ્રવેશ્યો ત્યારના દિવસો યાદ કરતા મને કેટલાંક મીત્રો આજે પણ કહે છે અમને તે દિવસનો પ્રશાંત બરાબર યાદ છે, ખાદીના કપડા, એક થેલો અને પગમાં કોલ્હાપુરી ચંપ્પલ પહેરી રીપોર્ટીંગમાં નિકળતો હતો.. પણ પછી મેં ખાદી કયારે છોડી તેને યાદ કરૂ ત્યારે મને તે દિવસો બરાબર યાદ આવે છે, ગાંધી સાથે મને લગાવ કયારે થયો તેની મને આજે પણ ખબર નથી, મે ગાંધીને ખાસ વાંચ્યા પણ નથી છતાં કયા કારણસર હું ગાંધીના પ્રેમમાં પડયો તે ચોક્કસ રીતે કહી શકુ તેમ નથી, આમ પણ પ્રેમને કોઈ કારણ હોતુ નથી, છતાં તમે જેને પ્રેમ કરો તેની બધી જ વસ્તુઓ તમને ગમવા લાગે તેમ ગાંધીને ખાદી ગમતી એટલે હું તે પહેરવા લાગ્યો.

પત્રકારત્વમાં રહ્યા પછી મને સતત એવુ લાગતુ કે ગાંધીનું પત્રકારત્વ અને અને હું જે પત્રકારત્વ કરી રહ્યો છુ, તેમાં મોટુ અંતર છે, વાસ્વીકતા એવી પણ હતી કે ગાંધીજીનું પત્રકારત્વ અને આજનું પત્રકારત્વનો મેળ પડી શકે તેમ ન્હોતો, કારણ જયારે હું પત્રકાર થયો ત્યારે જે પત્રકારત્વને માલિકો અને પત્રકારોના મીશન સમજતા હતા તે યુગનો અંત આવવાની તૈયારી હતી, હવે સમાચાર વંચિતો-શોષીતો માટે નહીં પણ કોલમ સેન્ટીમીટરના ભાવના આધારે નક્કી થવાના હતા. હું એક સામાન્ય માણસ મને ખબર હતી કે હું કઈ તેમાં મોટો ફેરફાર કરી શકવાનો ન્હોતો, છતાં આતંરિક સંઘર્ષ બહુ થયો, નેતાઓ અને તંત્રીઓની સાથે ઝઘડતો રહ્યો.. હવે શુ થઈ શકે તેવો એક પ્રશ્ન ઉભો થયો.

- Advertisement -

સૌથી પહેલા મેં નક્કી કર્યુ કે હું જાતને છેતરીશ નહીં, હું ખાદી પહેરૂ અને મારા વ્યવહાર અને કામમાં ગાંધી ના હોય તો તેવી ખાદી પહેરવાનો કોઈ અર્થ ન્હોતો, હું ખાદી પહેરૂ અથવા ના પહેરૂ તેનાથી મારી ગાંધી તરફની શ્રધ્ધા-પ્રેમમાં કોઈ ઘટાડો થવાનો ન્હોતો, પણ મને ખબર હતી કે હવે વ્યવસાયના નામે મારે જે વ્યવહાર અને કામ કરવાનું છે તેમાં એક ખાદીધારી વ્યકિત પાસે જે અપેક્ષા ના હોય તેવુ બધુ જ થશે, ગાંધીને મેં કરેલો પ્રેમ એક અત્યંત વ્યકિતગત બાબત હતી, કોઈ પણ માણસ પોતાના ઈશ્વરમાં શ્રધ્ધા રાખે એટલી જ. મને ગાંધી ગમે છે તેવુ મારે કોઈને કહેવાની જરૂર ન્હોતી અને મેં ખાદીનો ત્યાગ કર્યો..

સમય બદલાયો… વ્યવહાર પણ બદલાયો.. પોલીટીકસ અને ક્રાઈમ રીપોર્ટીંગ કરતા દેખાવ અને વ્યવહારમાં પણ હું તેમના જેવો જ રૂક્ષ થવા લાગ્યો… છતાં મારી અંદરના ગાંધીએ મારામાં રહેલા માણસ અને પત્રકારને મરવા દીધો નહીં તેવુ આજે ચોક્કસ કહી શકુ, પત્રકારત્વના ત્રઁણ દાયકાઓમાં અનેક ઉથલપાથલો થઈ, દેખાવ બદલાયો હોવા છતાં હું મારી અંદરના માહલ્યાના ખાસ બદલી શકયો નહીં, કયારેક સમાધાનો પણ કર્યા છતાં પોતાની જાત સાથે અને બીજા માટે તે લડતો રહ્યો, ત્યાં સુધી તે લડયો કિમંત ચુકવવા નોકરી પણ ગુમાવી

- Advertisement -

2015માં પચાસી વાટવી ગયા પછી કોઈને કામ જોઈએ છે તેવુ કહેવા માટે પહેલા પોતાના ફેફસામાં શ્વાસ ભરી લેવો પડે. હ્રદયના વધી રહેલા ધબકારાને નિયંત્રણમાં લાવવા પડે પણ કદાચ હવે હ્રદય અને ફેફસા ટેવાઈ ગયા તેવુ લાગે છે.. આ દરમિયાન મને વિવેક મળી ગયો, વિવેક દેસાઈ મારો જુનો મીત્ર પત્રકાર થયો તે પહેલાનો પછી અમે દિવ્ય ભાસ્કરમાં સાથે નોકરી પણ કરી, તેની પત્ની શીલ્પા મારી સાથે સ્કુલમાં ભણતી હતી, હવે વિવેક નવજીવન ટ્રસ્ટનો મેનેજીંગ ટ્રસ્ટી છે. તેણે મને એક દિવસ બોલાવીને કહ્યુ.. તુ મારી સાથે નવજીવન પ્રેસમાં કામ કરીશ, તારૂ પત્રકાર તરીકેનું કામ ચાલુ રાખ તેમાં પણ મને વાંધો નથી…. મને વિચાર આવ્યો આખી જીંદગી લુંટ-બળાત્કાર પોલીસના સાચા ખોટા એન્કાઉન્ટરો અને નેતાઓના ભ્રષ્ટાચાર લખ્યા પછી ગાંધીજીએ શરૂ કરેલા નવજીવનના પ્રેસમાં હું શુ કામ કરી શકુ.. તેણે કહ્યુ આપણે પોલીસ અને જેલમાં રહેલા કેદીઓ વચ્ચે ગાંધીજીને લઈ જવાના છે.. હું વિચારતો રહ્યો મને કામ ફાવશે કે નહીં. વિવેકે મને કહ્યુ આમ ખાસ કરી કરવાનું નથી, કારણ આપણી પ્રોડકટ ગાંધી છે અને પ્રોડકટનો બ્રાન્ડ એમ્બેસેડર પણ ગાંધી જ છે એટલે ત્યાં સુધી જવામાં ખુદ ગાંધીજી જ આપણને મદદ કરશે.

મેં મારા મનમાં રહેલી અનેક શંકાઓ સાથે હા પાડી, વિવેકે એક સ્પષ્ટતા કરી, તને કામ આપીને હું કોઈ ઉપકાર કરતો નથી, અમારે તારા જેવા માણસની જરૂર છે તેની સાથે તુ એક સારો માણસ પણ છે. મેં પહેલી વખત માણસ સારા માણસનું રોકડમાં રૂપાતરણ થતા જોયુ, બાકી તમે બહુ સારા, તમે બહુ બહાદુર , કોઈની પણ સાડાબારી રાખો નહીં તેવુ અનેક વખત સાંભળ્યુ પણ કદાચ તેના કારણે જ મને કોઈ કામ આપતુ નથી તેનું જ્ઞાન બહુ મોડે થયુ.

- Advertisement -

અને મેં નવજીવન પ્રેસમં જવાની શરૂઆત કરી દીધી છે… ખબર નહી પણ નવજીવનમાં જઉ ત્યારે મનને સારૂ લાગે છે… કદાચ મંદિરમાં ગયા પછી ઈશ્વર હોવાનો અહેસાસ અથવા તેનો ભ્રમ હોવાના ભાસને કારણે જેવુ લાગે કદાચ તેવુ જ. મંદિરમાં ઈશ્વર હતો કે નહી તેની ખબર નથી પણ નવજીવનમાં ગાંધી હતા અને છે તેની મને ચોક્કસ ખબર છે. હું નવજીવનમાં જોડાયો તેની બહુ ઓછાને ખબર છે.. પણ જેમને ખબર પડી તેમના ચહેરા ઉપર હે શુ વાત કરો છો તેવુ ભાવ હતો, તેઓ કઈ બોલતા નહીં. પણ એક ક્રાઈમ રીપોર્ટર-ગાંધી અને નવજીવન પ્રેસ કઈ રીતે શકય છે, કઈક મીસમેચ થઈ રહ્યુ હોય તેવુ તેમનો ચહેરો વાંચીને લાગતુ હતું. મેં આ અંગે મારા મિત્ર ઉર્વીશ કોઠારીને વાત કરી અને કહ્યુ હું ગાંધીના પ્રેમમાં છુ તે મારે કોઈને કહેવાની જરૂર નથી, પણ હું નવજીવનમાં છુ તે વાત કોઈને હજમ થતી નથી, નોકરી તો બાજુ ઉપર રાખો પણ કઈ રીતે મારા જીવનમાં ગાંધી કેટલો મહત્વનો છે તે સમજાવી પણ શકતો નથી.

તેણે કહ્યુ તારી પાસે ભલે તેનો ઉત્તર ના હોય પણ મને ખબર છે કે તારી અંદર ગાંધી જીવે છે અને એટલે જ તો કાયમ બીજા માટે લડતો રહ્યો, તુ બીજા માટે ઉભો રહ્યો અને લડયો તે તારી અંદરનો ગાંધી જ હતો. ભાજપના મારા મિત્ર નિમેષ જોષીને જયારે ખબર આપ્યા કે નવજીવનમાં જોડાયો ત્યારે તેણે એક મઝાની વાત કરી કે એક કમનસીબ બાબત એવી છે કે ગાંધીને સમજવા માટે આપણને લગે રહો મુન્નાભાઈ ફિલ્મ જોવી પડે, અને સદ્દનસીબ બાબત એવી છે કે હવે મુન્નાભાઈઓમાં જ ગાંધી જીવી ગયો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular