હાલમાં ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ ઉજવાઈ રહ્યા છે, ત્યારે શનિવારના રોજ સમાચાર મળ્યા કે મુંબઈ સમાચાર માલિક મંચેરજી કામાનું નિધન થયુ.સામાન્ય રીતે માલિક અને કર્મચારીના સંબંધમાં આત્મીયતા કરતા એકબીજાની જરૂરીયાતનો ભાવ વધુ હોય છે, પણ મંચેરજી કામાનો ઉલ્લેખ થતાં મારી નજર સામે તેમનો હસમુખો ચહેરો, વિશાળ કદ આવી ગયુ મંચેરજીની પારસી લઢણની ગુજરાતી કાનને સાંભળવી ગમે તેવી હતી. આમ તો કોઈ કર્મચારીને પોતાના માલિકની સારી બાબત અંગે બોલવાનું કહો તો પરસેવો પડી જાય કારણ માલિક સારો કેવી રીતે હોઈ શકે તેવો પ્રશ્ન તરત થાય પરંતુ પત્રકારત્વના મારા 35 વર્ષમાં 20 માલિકો પૈકી એકાદ બે માલિકો મને એવા મળ્યા કે જેમના અંગે હું પાના ભરી લખી શકુ.
વાત 1994-95ની છે મને જાણકારી મળી કે મુંબઈથી પ્રસિધ્ધ થતુ દેશનું સૌથી જુનુ અખબાર મુંબઈ સમાચાર અમદાવાદમાં આવી રહ્યુ છે મેં કાયમ પ્રમાણે મારી અરજી મોકલી, નોકરી મળે તેવી કોઈ અપેક્ષા પણ ન્હોતી કારણ હજી મને પત્રકારત્વમાં આવી થોડા વર્ષો જ થયા હતા. એટલે મોટા અખબાર મારા જેવા નવોદીતને કામ આપવાનું પસંદ કરતા ન્હોતા, પણ મારા આશ્ચર્ય વચ્ચે થોડા દિવસ પછી એક ફોન આવ્યો ફોન કરનાર મહિલા પારસી હતી, જે મને તેના પારસી ઉચ્ચરણોથી સમજાઈ ગયું અને મહિલા મને સુચના આપી તે મુંબઈ સમાચારના માલિક મંચેરજી કામા આમદાવાદ આવી રહ્યા છે, જેઓ તમને અમદાવાદની કામા હોટલમાં મળશે.
ખુદ મુંબઈ સમાચારનો માલિક મારા જેવા પત્રકારને કામ આપતા પહેલા મળવા માંગે તેનું પણ આશ્ચર્ય હતું, મને આપેલા સમય પ્રમાણે હું મારી છપાયેલી સ્ટોરીના કટીંગની ફાઈલ લઈ કામા હોટલમાં શેઠની રૂમમાં પહોંચી ગયો, પણ જેવો હું રૂમમાં દાખલ થયો તેની સાથે કામા હોટલની પાછળ આવેલી સાબરમતી નદી તરફ ચહેરો રાખી બારીની બહાર જોતા કામા શેઠ મારા જન્મ સ્થળ, મારૂ વતન, મારો અભ્યાસ અને અનુભવ અંગે બોલી ગયા, મને મળતા પહેલા મારા અંગે તેમણે બારીક જાણકારી મેળવી લીધી હતી. પછી એકદમ મારી તરફ ફરતા પુછયુ એવન આ જ તારો બાયોડેટા છેને કઈ રહી જતુ તો નથી. કામા શેઠ મને એક પછી એક આધાત આપી રહ્યા હતા. તેઓ મારી સામેની ખુરશીમાં ગોઠવાયા, તેમનું શરીરનું કદ તેમની માણસાઈના કદ જેટલુ વિશાળ હતુ.
મેં મારી સ્ટોરી કટીંગની ફાઈલ તેમની તરફ ધરી, તેમણે કહ્યુ એવન મારે તારી સ્ટોરી જોવી નથી બસ એમ જ વાત કરવી છે, પછી તેઓ ગુજરાતના પ્રશ્ન અંગે વાત કરવા લાગ્યા, મને બહુ વર્ષો પછી સમજાયુ કે આ જ તેમની ઈન્ટરવ્યુ લેવાની સ્ટાઈલ હતી, ઈન્ટરવ્યુ આપનારને કોઈ પણ પ્રકારનો માનસીક ભાર લાગે નહીં, અને શેઠ જેને નોકરી આપવા માંગે છે તેનો કયાસ કાઢી લે, ત્યાર પછી અમારી મુલાકાત ત્રણ વખત થઈ અને ત્રીજી મુલાકાતમાં તેમણે મને ઓફર લેટર આપ્યો, મને મોટા અખબારમાં મળેલી આ પહેલી નોકરી હતી, મારા એડીટર તરીકે ત્યારે ગીરીશ ત્રીવેદ્દી અને ચીફ રીપોર્ટર તરીકે મયંક વ્યાસ હતા,. મારા સાથી પત્રકારોમાં દક્ષેશ પાઠક, ધીમંત પુરોહીત, પંકજ દેસાઈ, સતીષ મોરી સહિત બધા યુવાનો ટીમ હતી,. મારા સ્વભાવ તોફાની, મયંક વ્યાસ ધીર ગંભીર, હું ઓફિસમાં પણ તોફાન કરતો, મયંક વ્યાસ જાણે મારા તોફાનને અવગણી રહ્યા છે તેમ મારી તરફ જોયા વગર કોપી ચેક કરતા મરક મરક હસી લેતા પછી મને એકલામાં કહે અરે પ્રશાંત તારા કામમાં તો કહેવા જેવુ કઈ નથી, પણ જરા તોફાન ઓછુ કરે તો સારૂ.
મુંબઈ સમાચારની અમદાવાદની ઓફિસ પંચવટી પાંચ રસ્તા સુર્યરથ બીલ્ડીંગમાં ઓફિસ શરૂ થયા પછી દર મહિને સાત તારીખે મંચેરજી ખાસ અમદાવાદ આવે અને પોતાના હાથે દરેક કર્મચારી બોલાવી પગારનો ચેક આપે, દર ચાર મહિને એક પગાર બોનસ પેેટે પણ આપે મંચેરજી કહેતા કે ઈન્કમટેકસવાળાને આપુ તેના કરતા મારા કર્મચારીને આપુ તો શુ વાંધો છે, 1995માં ચુંટણીનું પરિણામ આવ્યુ ત્યારે મતદાન બેલેટથી થતુ એટલે પરિણામ જાહેર થતાં બે ત્રણ દિવસ લાગતા હતા, પરિણામના દિવસે તમામ સ્ટાફે ઓફિસમાં સ્ટેન્ડ ટુ રહેવાનું હતું, જમવાની વ્યવસ્થા પણ ઓફિસમાં જ હતી, તે દિવસે તારીખ છ હતી, રાત્રે જમવાનું આવ્યુ અમે બધા સાથે જમવા બેઠા, અમારી સાથે ઓફિસ રીસેપ્સન ટેબલ સંભાળતો મુસીર શેખ પણ હતો, અમે મઝાક કરતા કરતા જમી રહ્યા હતા.
કોઈ મને ટીખળ કરી રહ્યુ અરે પ્રશાંત કામા શેઠની મીમીક્રી કરને અને હું ટેવ પ્રમાણે મુડમાં આવી ગયો, મેં કામા શેઠ કઈ રીતે બોલે છે તેની મીમીક્રી કરી, બધા હસી પડયા, ત્યારે મને ફરી મયંક વ્યાસે ટોકયો તુ કયારે સુધરીશ, મેં મનમાં કહ્યુ હું સુધરવાનો નથી, વહેલી સવાર સુધી કામ કરી હું ઘરે આવ્યો અને બીજા દિવસે બપોરે પાછો ઓફિસ પહોંચ્યો. મયંક વ્યાસે આંગળી વડે ઈશારો કરી મને તેમને ટેબલ ઉપર બોલાવ્યો પછી ટેવ પ્રમાણે મારા કાન પાસે મોંઢુ લાવી ધીમા અવાજે કહ્યુ મેં તને અનેક વખત કહ્યુ કે શેઠની મીમીક્રી કરીશ નહીં, પણ તુ માનતો જ નથી, મારા ચહેરા ઉપર ભાવ હતો કે શુ થયુ, મયંક વ્યાસે એડીટર ગીરીશ ત્રીવેદ્દીની ચેમબર તરફ ઈશારો કરતા કહ્યુ સાહેબ કહે છે કે તુ કાલે રાત્રે શેઠની મીમીક્રી કરતો હતો ત્યારે ખુદ કામા શેઠ ઓફિસમાં આવી ગયા હતા, અને તેમણે જાતે બધુ સાંભળ્યુ હતું.
મને આશ્ચર્ય થયુ કે કામા શેઠ ઓફિસમાં આવી જાય અને કોઈને ખબર પડે નહીં શેઠ થોડા મચ્છર છે કે ગુપચુપ આવી જતા રહે, મને મયંક વ્યાસની વાત ઉપર ભરોસો બેઠો નહીં, સાતમી તારીખ હતી એટલે આજે તો શેઠ જાતે જ પગાર આપવા આવ્યા હશે તેની ખબર હતી,. પટાવાળા બધાને એક પછી એક પગાર લઈ જવાની સુચના આપી, મારો વારો આવતા હું શેઠની ચેમ્બરમાં ચેક લેવા ગયો, કાયમ મુજબ તેમના ચહેરા ઉપર સ્મીત હતું, તેમણે મને ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો હું બેઠો અને તેમણે મને ચેક આપ્યો,. હું રજીસ્ટ્રરમાં સહી કરી રહ્યો હતો, ત્યારે મારા કાને મારા જ સંવાદ સંભળાયા, મે શેઠની મીમીક્રી કરી હતી, તે બધા જ સંવાદ કામા શેઠ બોલી રહ્યા હતા, મારા હોશ ઉડી ગયા, મારો જેવો નાનો પત્રકાર શેઠની મીમીક્રી કરે તો હવે તો નોકરીનો છેલ્લો દિવસ જ હતો.
હું ઉપર જોઈ શકયો નહીં કારણ મારી હિમંત જ ન્હોતી કે કામા શેઠની આંખોમાં જોઉ, મને મયંક વ્યાસની વાત યાદ આવુ ગઈ તેઓ સાચુ કહેતા હતા, કે મારી મીમીક્રી વખતે જ શેઠ આવી ગયા હતા, હું કઈ બોલી શકુ તેવી સ્થિતિમાં ન્હોતો, કામા શેઠના સ્વરમાં જરા પણ ઉગ્રતા ન્હોતી, તેમણે મને કહ્યુ એવન તને તો નોકરીમાંથી કાઢી જ મુકવો જોઈએ.. પણ તેવુ હુ નહીં કરૂ. હું કઈ બોલ્યો નહીં તેમણે મને કહ્યુ પુછ કેમ નહીં કાઢુ, મેં તેમની સામે નજર ફેરવતા ડર સાથે પુછયુ કેમ.. શેઠની આંખોમાં ચમક આવી તેમણે કહ્યુ તુ મારી મીમીક્રી કરતો હતો ત્યારે જ હું ઓફિસમાં દાખલ થયો મેં જોયુ તો તુ અને પટાવાળો એક જ થાળીમાં જમતા હતા.
તુ પત્રકાર છે છતાં તુ પટાવાળા સાથે જમી રહ્યો હતો, મને લાગ્યુ કે તારી અંદર એક સારો માણસ જીવે છે, કદાચ તારી અંદરનાએ જ સારા માણસે તારી નોકરી બચાવી છે, પણ યાદ રાખજે તારી અંદરનો એ સારો માણસ દર વખતે તારી મદદે આવી શકશે નહીં કઈ વાંધો નહીં જા હવે મારી મીમીક્રી કરતો નઈ તેવુ કહેતા તેમના ચહેરા ઉપર ફરી સ્મીત આવ્યુ, હું ઉતાવળે ચેમ્બરની બહાર નિકળ્યો અને મને લાગ્યુ કે વર્ષો પછી શ્વાસ લીધો છે, આવો શેઠ..હું તુકારે એટલા માટે લખુ છુ કારણ મને મંચેરીજી અનેક રીતે પોતાના લાગ્યા, શેઠ તરીકે અને માણસ તરીકે પણ ખેર હવે તે આપણી વચ્ચે નથી, પરંતુ બહુ ઓછા શેઠ એવા હોય છે કે જેમની વિદાય પછી તેઓ પોતાના કર્મચારીના હ્રદયમાં જીવતા હોય છે મંચેરજી કામા ગુડબાય તેવુ કહીશ નહીં કારણ તમે કયાં ગયા નથી અમારી સાથે અમારી વચ્ચે જ છો.