Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદનો આ પિતા એ ક્ષણોને ધિક્કારતો હશે, જ્યારે દીકરીની સગાઈ આ હત્યારા...

અમદાવાદનો આ પિતા એ ક્ષણોને ધિક્કારતો હશે, જ્યારે દીકરીની સગાઈ આ હત્યારા સાથે કરી

- Advertisement -

અમદાવાદમાં હેવાનિયત: સગાઈ તૂટતા પૂર્વ મંગેતરે સગીરાનું મોઢું પથ્થરથી છુંદી નાખ્યું, પિતાને ફોન કરી ઠંડા કલેજે કહ્યું- ‘તમારી દીકરીને પતાવી દીધી’!

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: શહેરમાં પ્રેમી કે મંગેતર દ્વારા પ્રેમિકાની હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલે રાત્રે (11 ફેબ્રુઆરી) અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના બની છે. માત્ર બે દિવસ પહેલા તોડેલી સગાઈનો ખાર રાખીને એક યુવકે 17 વર્ષીય સગીરાની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યારાની ક્રૂરતા એટલી હતી કે તેણે પથ્થરના ઘા મારીને યુવતીનો ચહેરો ઓળખાય નહીં તેવો કરી નાખ્યો હતો અને બાદમાં મૃતકના પિતાને ફોન કરી હત્યાની જાણ કરી હતી. કહ્યું કે, મેં તમારી દીકરીને પતાવી દીધી. આ ક્ષણે તમે પણ વિચારી શકો છો કે એક પિતા માટે કેવી સ્થિતિ હશે. હાલ આ પિતા સતત એ ક્ષણોને ધિક્કારી રહ્યો હશે જે સમયે દીકરીનો સંબંધ આ શખ્સ સાથે કરવાનું નક્કી કરાયું હતું.

- Advertisement -

વાત કરવાના બહાને લઈ ગયો અને મોતને ઘાટ ઉતારી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાની સગાઈ મહમંદ આવેઝ પઠાણ નામના યુવક સાથે નક્કી થઈ હતી. જોકે, કોઈ કારણસર બે દિવસ પહેલા જ આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. આ વાતનો રંજ રાખીને આવેઝ ગઈકાલે રાત્રે સગીરાની દુકાને પહોંચ્યો હતો અને ‘છેલ્લી વાર વાત કરવી છે’ તેમ કહી તેને કાંકરિયા ગેટ નંબર 7 પાસે લઈ ગયો હતો. રાત્રે 10:30 વાગ્યાના સુમારે બંને વચ્ચે બોલાચાલી થતાં આવેઝે આવેશમાં આવી ત્યાં પડેલા કોટા સ્ટોનના ભારે પથ્થર વડે સગીરાના માથા અને મોઢાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

હત્યા બાદ પિતાને ફોન: ‘તમારી દીકરીને પતાવી દીધી, હું સરેન્ડર કરું છું’
આ ઘટનાનું સૌથી ચોંકાવનારું પાસું આરોપીની માનસિકતા છે. યુવતીની હત્યા કર્યા બાદ તે ભાગી જવાને બદલે ત્યાં જ ઉભો રહ્યો અને મૃતક સગીરાના પિતાને ફોન કર્યો હતો. તેણે ફોન પર ઠંડા કલેજે કહ્યું હતું કે, “તમારી દીકરીને મેં પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં હાજર થવા જાઉં છું.” આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આરોપી સીધો મણિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ગુનો કબૂલ્યો હતો.

પરિવારનો આક્ષેપ: સગાઈ તોડી ત્યારથી ધમકીઓ આપતો હતો
મૃતક સગીરાના ભાઈ અને પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવેઝ શંકાશીલ સ્વભાવનો હતો અને અવારનવાર યુવતીને હેરાન કરતો હતો. કંટાળીને પરિવારે બે દિવસ પહેલા જ સગાઈ તોડી નાખી હતી. સગાઈ તૂટ્યા બાદ આવેઝે ધમકી આપી હતી કે તે ઘરમાં ઘૂસીને યુવતીને મારી નાખશે. મૃતકના પિતાએ રડતા રડતા કહ્યું હતું કે, “તેણે મારી દીકરીનું મોઢું પણ ઓળખાય નહીં તેવી રીતે છુંદી નાખ્યું છે. આવા નરાધમને ફાંસીની જ સજા મળવી જોઈએ.”

- Advertisement -

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ડીસીપી ઝોન-6 ભગીરથ ગઢવી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, આરોપી મહમંદ આવેઝ પઠાણની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં શંકા અને સગાઈ તૂટવી એ જ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular