નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસ અગાઉ 77 અધિકારીઓની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અમદાવાદ ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુની બદલી અમદાવાદથી જામનગર કરી દેવામાં આવી છે. બદલીના ઓર્ડર આવતા જ લોકો ડીસીપી પ્રેમસુખ ડેલુને મળવા ઉમટી આવ્યા હતા. જે લોકોની મદદ તેમણે કરી હતી તે લોકો પ્રેમસુખ ડેલુને વિદાય સમયે મળીને ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં આંસુ હતા.

અમદાવાદમાં તેમનું પોસ્ટિંગ 2020ના ઓગસ્ટમાં થયું હતું. અમદાવાદના કેટલાક ગુનાખોરીમાં પંકાયેલા વિસ્તારો તેમની હદમાં હતા. આ વિસ્તારોમાં અસમાજિક તત્વોનો ત્રાસ અને કેટલાક માથાભારે લોકોની ગુંડાગીરીથી લોકો ત્રાસી ગયા હતા. ડીસીપી પ્રેમસુખ ડેલુએ ચાર્જ સાંભળ્યા બાદ એક પછી એક આ ગુંડાઓને સીધા કરવાનું શરૂ કર્યું અને એક પછી મોટા ભાગના ગુંડાઓને તેમણે જેલના સળિયા ગણતા કરી દીધા હતા. આ ઉપરાંત તેમણે તેમના વિસ્તારોમાં અસમજીક તત્વોનું દૂષણ ઘટાડવાના પણ પ્રયત્નો કર્યા હતા જેમાં તેઓ સફળ નીવડ્યા હતા.
છેલ્લા એક વર્ષ દરમિયાન તેમણે AMC સાથે મળીને તેમના વિસ્તારોમાં ગેરકાયદે જમીન કબ્જે કરી લીધી હોય તેવા ગુંડાઓને પકડીને તેમની સામે કાર્યવાહી કરી હતી, તેમજ આવા લોકોના ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડ્યા હતા. તેમના વિસ્તારમાં તેમનો એટલો ડર હતો કે ગુંડાતત્વો ડીસીપી ડેલુ આવે તે પહેલા જાતે જ પોતાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતા હતા. આમ પ્રેમસુખ ડેલુએ જે લોકોની મદદ કરી તે લોકો તેમની વિદાય વખતે ભાવુક થયા હતા અને તેમણે આગામી પોસ્ટિંગ માટે શુભકામનાઓ અને આંસુ સાથે વિદાય આપી હતી.
અમદાવાદ ઝોન 7 ડીસીપી ઓફિસ આગળ મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે પ્રેમસુખ ડેલુએ બહાર આવીને દરેકનો આભાર માન્યો હતો અને લોકોને તેમની તકલીફ દૂર થઈ કે નહીં તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાક સમાજના આગેવાનો પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા, ડીસીપીએ તેમને સમાજને દારૂ અને નાશાથી દૂર રાખવા માટે સલાહ સૂચનો આપ્યા હતા.

ડીસીપી પ્રેમસુખ ડેલુની વિદાય વખતે તેમના સ્ટાફ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, વિદાયના આગળના દિવસે સ્ટાફ દ્વારા સ્ટાફ માટે એક ગેટ ટુ ગેધર રાખવામાં આવી હતી. જેમાં પ્રેમસુખ ડેલુ તેમના પત્ની સાથે હજાર રહ્યા હતા. ત્યાર બાદ તેમની વિદાય સમયે સ્ટાફ દ્વારા ડીસીપી પ્રેમસુખ ડેલુ ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
વિદાય વખતે પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, “પોલીસ હંમેશા લોકોની મદદ માટે હોય છે, મેં અહિયાં રહીને જે કઈ પણ કર્યું તે લોકો માટે જ કર્યું છે. નવા જે અધિકારી આવશે તે પણ તમારા માટે જ કામ કરશે. પોલીસની તો ફરતી નોકરી હોય છે આજે અહિયા તો કાલે બીજે ક્યાંક, પણ અમે જ્યાં રહીએ છે ત્યાં લોકો માટે કામ કરીએ છે.”
છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલા જામનગર એસપીના પદનો આજે પ્રેમસુખ ડેલુએ ચાર્જ સાંભળ્યો છે. આજે સવારે જામનગર એસપી ઓફિસમાં પણ તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે તેમના પત્ની પણ હજાર રહ્યા હતા.
જુહાપુરાના ગુંડાઓની કમર સીધી કરી, પીડિતોએ આશીર્વાદ અને આંસુ સાથે આપી વિદાય, DCP ડેલુએ જામનગર SPનો ચાર્જ સંભાળ્યો pic.twitter.com/MOqqjAgNjb
— Navajivan News (@NavajivanNews) April 6, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











