Saturday, August 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ગુનેગારો બન્યા બેફામ, રાત્રિના સમયે પોલીસકર્મી પર જ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદમાં ગુનેગારો બન્યા બેફામ, રાત્રિના સમયે પોલીસકર્મી પર જ કર્યો જીવલેણ હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી રીતે અસામાજિક તત્વો (Anti Social Element) બેફામ બન્યા છે. સામાન્ય માણસો તો ઠીક પરંતુ પોલીસ પર પણ હુમલો થઈ રહ્યો હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. આજે સતત બીજા દિવસે અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police)પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ પોલીસકર્મી પર છરીના ઘા ઝીંક્યા હતા. પોલીસકર્મીને ઈજા પહોંચતા સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હાલ તેઓ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા શાહીબાગ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બે આરોપીઓ સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, માધુપુરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ શાહીબાગ વિસ્તાર ખાતે આવેલી રામદેવ પીર સોસાયટી રહે છે. તેઓ સોમવારે મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં પોતાની ડ્યૂટી પતાવી પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની સોસાયટી બહાર બે જેટલા વ્યક્તિઓ અડચણ ઉભી કરે તેવી રીતે બેઠા હતા. પોલીસકર્મીએ તેમને રસ્તો આપવા જણવતા તેઓ ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. પોલીસકર્મીએ તેમને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા અને તેની પાસે રહેલી છરી વડે પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. હુમલાને પગલે પોલીસકર્મીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને પોલીસકર્મીને તાત્કાલિક એમબ્યુલેન્સ મારફતે સારવાર માટે નજીકમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

ઘટનાની જાણ શાહીબાગ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બાબતે પ્રકાશભાઈની ફરિયાદ નોંધી આરોપીઓ સામે અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાબરમતી પોલીસની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમ વણઝારા વાસમાં રહેતા કુખ્યાત બુટલેગરને પકડવા માટે ગઈ હતી. આ દરમિયાન તેના સાગરિતો દ્વારા પોલીસ પર લાકડી તેમજ પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેના પગલે પોલીસને પરત ફરવાની ફરજ પડી હતી.આ ઘટના એક મહિલા PSI અને 2 કોન્સ્ટબેલને ઈજા પહોંચી હતી. જે ઘટના બાદ હવે સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ પર હુમલો કરવામાં ગુનેગારો જરાક પણ ખચકાઈ રહ્યા નથી. જેને લઈ કહી શકાય કે ગુનેગારો અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ઘોળીને પી ગયા છે. અમદાવાદમાં લોકોની સુરક્ષાની જવાબદારી જેના શિરે તેવી પોલીસ પર હુમલાની ઘટના બની રહી છે. તો સામાન્ય જનતા સાથે શું થતું હશે તે સવાલ વિચાર માગી લે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular