Retired IPS officers of Gujarat were felicitated in Gandhinagar : ગુજરાત પોલીસે પોતાની પરંપરાને જાળવી રાખતા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે ‘સેલ્યુટ અવર મેન્ટર્સ’ (We Salute Our Mentors) કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (G S Malik) આ પ્રસંગે જણાવ્યું હતું કે, વરિષ્ઠ માર્ગદર્શકોને વંદન અને તેમના સન્માનના ઉદ્દેશ્ય સાથે આ અનોખા કાર્યક્રમની શરૂઆત પૂર્વ ડીજીપી વિકાસ સહાય (Vikas Sahay) દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ પોલીસ અધિકારીની સમગ્ર કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો ગાળો પાયારૂપ હોય છે તે સમયે મેન્ટર્સ પાસેથી મળેલી શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને છે. ખાખી વર્દીની ગરિમાને ઉજ્જ્વળ બનાવવામાં જેમની ભૂમિકા છે તેવા નિવૃત્ત DGP અને ADGP રેન્કના 30થી વધુ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) ખાતે આયોજિત કાર્યક્રમમાં ડીજીપી સહિતના સિનિયર પોલીસ અધિકારીઓએ નિવૃત્ત અધિકારીઓને પુસ્તક આપી સન્માન કર્યું હતું. સાબરકાંઠાના હિંમતનગર ખાતેના પોતાના પ્રોબેશન સમયગાળાનો ઉલ્લેખ કરતા મલિકે વરિષ્ઠ અધિકારી રાજન પ્રિયદર્શી (Rajan Priyadarshi IPS) અને પી. બી. ગોંદીયા (P B Gondia IPS) ના યોગદાનને વિશેષ રૂપે બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્ડ તાલીમ દરમિયાન નિયમિત અંગ્રેજીમાં વીકલી ડાયરી લખવાનો આગ્રહ, નાઈટ પેટ્રોલિંગ, ગેરહાજર કર્મચારીઓના જાતે નિવેદનો લેવા તેમજ લોક ફરિયાદોનું સંવેદનશીલ નિવારણ કરવા જેવી પદ્ધતિઓ તેમને આ મેન્ટોર્સ પાસેથી શીખવા મળી હતી.
આ ઉપરાંત, જૂનાગઢ ખાતે ટ્યુનિક યુનિફોર્મ અને તત્કાલિન આઈજી ગુરદયાલ સિંહ (Gurudayal Singh IPS) ની ઇન્સ્પેક્શન પરેડથી શિસ્ત અને લાઇન તપાસનું મહત્વ સમજાયું હતું. જ્યારે પ્રાંતિજ ખાતે એએસપી તરીકે પોલીસ સ્ટેશન સંચાલન અને પંચાયત ચૂંટણી દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનની મહત્વપૂર્ણ તાલીમ મળી હતી. બાદમાં પોરબંદર ખાતે રાજન પ્રિયદર્શીના ઇન્સ્પેક્શન વખતે ક્ષતિરહિત પરેડ આપીને તેમની પ્રશંસા મેળવ્યાની યાદ પણ તેમણે તાજી કરી હતી.
આ સમારોહમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે (Anupam Singh Gahlaut) જણાવ્યું કે, પોલીસના સર્વિસ રેકોર્ડમાં પોસ્ટિંગ અને પ્રમોશન જેવી બાબતો નોંધાય છે, પરંતુ તેઓ રાત્રે મોડા ઘરે પહોંચે છે, બાળકો જાગે તે પહેલાં ફરી ફરજ પર પહોંચી જાય છે, તહેવારોમાં રસ્તા પર ઊભા રહીને પ્રજાની સુરક્ષા કરે છે કે સામાજિક પ્રસંગો છોડવા પડે છે—આ ત્યાગ અને સંઘર્ષ ક્યારેય રેકોર્ડમાં નથી લખાતો.








