જયંત દાફડા(નવજીવન.અમદાવાદ): અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે કોર્પોરેશન દ્વારા ગઇકાલથી બીઆરટીએસ અને એએમટીએસમાં 50% સિટિંગ કેપેસિટી સાથે બસ દોડવવા નિર્ણય કરવામાં આવ્યો છે. પંરતુ આજે વહેલી સવારથી બીઆરટીએસના અનેક સ્ટેશન પર ખાલી બસો જતી હોવા છતાં મુસાફરોને ટિકિટ આપવામાં આવી ન હોવાનો મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ બીઆરટીએસ સ્ટેશનનોમાં મુસાફરોનો રઝળપાટ જોવા મળ્યો હતો. ટિકિટ બારી પરથી મુસાફરોને ટિકિટ ફાળવવામાં આવતી ન હોવાથી નોકરી-ધંધા, ભણવા સહિતના કામે નીકળેલા લોકો ચિંતિત બન્યા હતા. ઉપરાંત બસ સ્ટેશનની અંદર ચકલું પણ ફરકતું ન હોવા છતાં નિયમના નામે મુસાફરોને સ્ટેશનમાં અંદર જવા પણ દીધા ન હતા. ઉલ્લેખનીય છે કે નિયમો બનાવતા બનાવી દેવાયા પરંતુ ગ્રાઉન્ડ પર તેનું સુનિયોજીત માળખું જોવા મળ્યું ન્હોતું.
અમદાવાદના મેમનગર સ્ટેશન ઉપર ટિકિટ ન આપતા હોવાની લોકોની ફરિયાદ ઉઠી હતી. આ મામલે એક મહિલા મુસાફર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સ્ટેશનના પ્રવેશ દ્વારા પાસે જ બાઉંન્સર સહિત અન્ય સ્ટાફ ઊભો રહ્યો હતો અને મુસાફરોને સ્ટેશન બંધ છે કહી પાછા ધકેલતા હતા. ઉપરથી ઓર્ડર છે કહી કોઈને પણ ટિકિટ આપતા ન હતા. ઉપરાંત સ્ટેશન ખાલી હોવા છતાં ઓર્ડરનું રટણ કરીને સ્ટેશનની અંદર પણ જવા દેવામાં આવતા ન હતા.
વધુમાં જણાવતા કહ્યું ટિકિટ બારી પર ઓર્ડર બતાવા અંગે કહ્યું તો ટિકિટ બારી પર બેઠેલી મહિલાએ ઉપરથી આવેલો ઓર્ડર બતાવવાની ના કહીને ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પૂછી લો ટિકિટ કેમ નહીં મળે તેવું જણાવ્યું. વધુ એક મુસાફરે કહ્યું હતું કે, અમે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવીએ છે. મજૂરી કામે જવા માટે રોજબરોજ બસનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આજે અમને બસ સ્ટેશનની અંદર પણ જવા દેવામાં આવ્યા ન હતા. અમે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં અમને ટિકિટ આપવામાં ન આવી. બસ સિવાય અમને રિક્ષામાં જવું પરવળે તેમ નથી. ઉલ્લેખનીય છે કે ટિકિટના ધાંધિયાને પગલે બસ સ્ટેશનની બહાર લાઈન અને ભીડ લગાવતા જોવા મળ્યા હતા.
સમગ્ર બાબતે AMCના આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામા સાથે વાતચિત કરતાં જણાવ્યુ હતું કે 50% સિટિંગ કેપેસિટી સાથે બસ દોડાવવામાં આવતી હોવાથી બસમાં ભીડ ન થાય તે માટે ટિકિટ ન આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો કે ખાલી બસ હોવા છતાં ટિકિટ આપવામાં ન આવતી હોવાનો સવાલ પૂછતાં કહ્યું હતું. મુસાફરને લાગે છે કે તેમણે સ્ટેશન પર એકલા ઊભા છે પરંતુ આગળથી બસ ફૂલ આવતી હોવાથી મેનેજ કેવી રીતે કરી શકાય? જેથી કોરોના દરમિયાન બીઆરટીએસ બસમાં મુસાફરી કરતાં લોકો સહકાર આપવા આગ્રહ કરું છું. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિ પ્રમાણે લોકોને ફરી હાલાકીનો ભોગ બનવું પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
Ahmedabad BRTS: ઉપરથી ઓર્ડર છે ટિકિટ નહીં મળે..!!, ખાલી બસો છતાં મુસાફરો રજળ્યા#Ahmedabad #BRTS #Passengers pic.twitter.com/tA3KWAUXTq
— Navajivan (@NavajivanNews) January 7, 2022
![]() |
![]() |
![]() |











