નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના સામાન્ય લોકો ગુનેગારોથી બચવા અને પોતાના રક્ષણ માટે પોલીસ પાસે જતાં હોય છે. પરતું ગુજરાતમાં ખાખીએ ખાખીને જ શર્મશાર કરી તેવો કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. જેમાં પોલીસ કર્મચારી જ ગુનેગાર બની ટુર એન્ડ ટ્રાવેલ્સના વેપારીનું પાર્કીગમાંથી દિન દહાડે ગાડીમાં હથકડી પહેરાવીને અપહરણ કર્યું છે. એટલું જ નહીં ટ્રાવેલ્સના વેપારી પાસેથી રૂપિયા 35 લાખની લૂંટ પણ કરી હોવાની ધટના પ્રકાશમાં આવી છે. આ લૂટની સમગ્ર ધટના CCTVમાં કેદ થઈ છે. જેમાં બે હાથ જોડી વિનંતી કરી રહેલા ટ્રાવેલ્સના વેપારી સંજય પટેલ છે. જે પોતાના ભાઈ અને મિત્ર મુકેશ પટેલ સાથે ઓફિસના પાર્કિગમાં બેઠા હતા તે સમયે આ ધટના બની હતી. હાલ પોલીસે (Ahmedabad Police) લુટ અને અપહરણનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
મળતી પ્રાથમિક માહીતી મુજબ, ગત 18 ઓગસ્ટના રોજ ગોતા ખાતે આવેલા બિઝનેસ હબના મની પ્લાન્ટમાં બપોરના સમયે દુકાન નંબર 413 આગળના પાર્કીગમાં ફરીયાદી સંજય પટેલ, તેમના ભાઈ અને મિત્ર મુકેશ પટેલ બેઠા હતા. તે સમયે ચાર અજાણ્યા વ્યક્તિઓ GJ 01 RS 5587નંબરની ગ્રે કલરની સિયાઝ કાર લઈને આવ્યા હતા. દરમિયાન તેઓએ પોતે ક્રાઇમ બ્રાંચના અધિકારી છે અને સંજયને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાંચ (Crime Branch)લઈ જવાના છે તેમ જણાવી બળજબરીપુર્વક તેમની ગાડીમાં સંજય પટેલને સરખેજ બાજુ લઈ જઈ જુની મેટરમાં ફરિયાદ કરવાની ઘમકી આપી બંદૂકની અણીએ 70 લાખની ખંડણીની માગણી કરી હતી. અંતે ડરેલા વેપારીએ 55 લાખમાં આંગડિયું કરવાનું નક્કી કરીને સીજી રોડ પર આવેલી એસ. જી. આંગડિયા પેઢીમાંથી 35 લાખ અને સરખેજમાં પી. એમ. આંગડિયા પેઢીમાં 20 લાખ આરેપીને આપ્યા હતા, ત્યાર બાદ આરોપોએ સંજય પટેલને ગાડીમાંથી ઉતારી દીધા હતા.
મુખ્ય આરોપી આકાશ પટેલ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મહત્વનું છે કે, પોલીસ કર્મચારી આકાશ પટેલનો આ પ્રથમ ગુનો નથી. અગાઉ પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કારની સેલ્ફ ડ્રાઇવ કંપની સાથે છેતરપીંડીનો તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આકાશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ અપહરણ કેસમાં આકાશ પટેલ સાથે જોવા મળતા અન્ય 3 આરોપીઓ પણ પોલીસમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અહિયાં સવાલ એ પણ થાય છે કે, ઘટના એક અઠવાડીયા પહેલાની હોવા છતાં હવે કેમ પોલીસ ફરીયાદ દાખલ થઈ ?








