નવજીવન ન્યૂઝ, સુરેન્દ્રનગર : નેતા અને અધિકારીઓના આર્શીવાદથી સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District) માં દસકાઓથી ગેરકાયદે ખનન ચાલતું આવ્યું છે. જો કે, છેલ્લાં કેટલાંક સમયથી તેના પર બ્રેક વાગી છે, પરંતુ સંપૂર્ણપણે તે બંધ થયું નથી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા (Deputy Collector H T Makwana) અને તેમની ટીમને થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામે આવેલી કેશવ કૉલ ઇન્ડસ્ટ્રીઝની ઑફિસમાંથી મળેલા દસ્તાવેજોએ એક મોટા ખનીજ રૉયલ્ટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કબજે લેવાયેલા 774 રૉયલ્ટી પાસ પરથી જાદવ બંધુઓ કાયદાના સકંજામાં આવી ગયા છે. તપાસ ટીમે JCB, લૉડર મશીન, ક્રશર પ્લાન્ટ, 200 મેટ્રિક ટન કાર્બૉસેલ સહિત 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કેવી રીતે ગેરકાયદે ખનનથી મેળવેલો કોલસો વેચાતો હતો ?
ચોટીલાના નાયબ મામલતદાર એચ. ટી. મકવાણા અને મામવતદાર થાનગઢની ટીમે ગુગલીયાણા ગામે કેશવ કૉલ ઇન્ડસ્ટ્રીઝની ઑફિસ પર દરોડો (Raid on Keshav Coal Industries Office) પાડ્યો હતો. દરોડા દરમિયાન ઑફિસમાં મળેલા દસ્તાવેજોની ચકાસણીમાં બોગસ રૉયલ્ટી પાસનું એક રેકેટ સામે આવ્યું હતું. વર્ષ 2021માં મૃત્યુ પામેલા હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવની લીઝ પર કેશવ કૉલ ઇન્ડસ્ટ્રીઝે રૉયલ્ટી પાસ ઇસ્યુ કર્યા હતા. પાંચ-દસ નહીં પરંતુ 774 રૉયલ્ટી પાસ પર ગેરકાયદે ખનનથી મેળવેલો કરોડો રૂપિયાનો કોલસો સત્તાવાર રીતે વેચી દેવામાં આવતો હતો.

સાયલા તાલુકામાંથી ગેરકાયદે કોલસાનું ખનન કરાયું
ગેરકાયદે રૉયલ્ટી પાસ (Illegal Royalty Pass) થકી વેચવામાં આવતો કોલસો સાયલા તાલુકાના જુદાજુદા ગામોમાં થતાં ગેરકાયદે ખનનથી મેળવવામાં આવતો હતો. સાયલાના ચોરવીરા, ઈશ્વરીયા, ચિત્રલાંક જેવા ગામોમાંથી ગેરકાયદેસર કુવામાં કોલસાનું ખનન કરવામાં આવે છે. ગેરકાયદેસર ખનનથી મેળવાયેલા કોલસાને રૉયલ્ટી પાસ થકી કાયદેસરનો કરી દેવામાં આવતો હતો.
આગામી દિવસોમાં જાદવ બંધુઓ સામે થશે FIR
થાનગઢના સર્વે નંબર 209 પૈકીમાં હસમુખભાઈ સચદેવ લીઝ ધરાવતા હતા. હસમુખભાઈનું કોરોનાકાળમાં વર્ષ 2021 ખાતે મૃત્યુ થયું હતું. આમ છતાં તેમના નામની લીઝનો ઉપયોગ કરીને કેશવ કૉલના માલિક કૌશિક ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશ ઘનશ્યામભાઈ જાદવ રૉયલ્ટી પાસ બનાવતા હતા. બોગસ રૉયલ્ટી પાસ બનાવવા માટે જાદવ બંધુઓ સરકારી સિક્કા અને સાહિત્ય ક્યાં તૈયાર કરાવ્યું હતું તથા અન્ય કોની સંડોવણી હતી તે આગામી દિવસોમાં સામે આવશે. આ ગંભીર મામલામાં સરકાર તરફે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવનારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








