પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-9): Nadaan Series : લગભગ પંદરેક મિનિટ થઈ હશે. ગોપાલ અને સાથે બેઠેલા દાદાના કાનમાં એક કારના હોર્નનો અવાજ પડ્યો. એક સાથે બંનેની નજર દુકાન બહારના રસ્તા ઉપર ગઈ. એક કાર આવીને અટકી. કાર જોતા જ ગોપાલ તો સમજી ગયો હતો. તેણે ત્રાંસી આંખે દાદા સામે જોયું. ગોપાલ મનોમન ઇચ્છતો હતો કે, કારમાંથી કોઈ ઉતરે જ નહીં અને કાર ત્યાંથી જ પાછી જતી રહે. પણ ગોપાલની ઇચ્છા ફળીભૂત થઈ નહીં. એક જ ક્ષણમાં કારનો દરવાજો ખુલ્યો અને સલીમ કારની બહાર આવ્યો.
ગોરો રંગ, સાડા પાંચ ફૂટની ઉંચાઈ અને પાતળો બાંધો. આમ તો એની સ્ટાઇલ કોઈ ફિલ્મી હિરો જેવી હતી. સલીમને ફિલ્મ જોવાનો ઘણો શોખ, એટલે તે ફિલ્મ જોઈ આવે પછી હિરોએ પહેર્યા હોય તેવા જ કપડાં એક અઠવાડિયામાં સીવડાવી લેવાનો એનો નિયમ પાક્કો હતો. સલીમ ઘણી વખત ગોપાલને કહેતો, “અરે ભાઈ દારૂ કે ધંધે મેં નહીં આતા તો કોઈ ફિલ્મ મે હિરોગીરી કરતા. લેકીન તકદીર ભી કમબખ્ત હે.”
સલીમ જમણા હાથની પહેલી આંગળીમાં કારની ચાવી ફેરવતો ફેરવતો દુકાન તરફ આવ્યો. દાદાએ ગોપાલ સામે જોયું. તેણે માત્ર હકારમાં માથું હલાવ્યું. સલીમ આવતા જ દાદા ખુરશીમાંથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે સલીમ સામે જોતા ગોપાલને પૂછ્યું, “મહેમાન છે?”
ગોપાલે હા પાડી, પણ મહેમાન શબ્દનો શું અર્થ થાય છે; તેની જાણ ગોપાલ અને દાદાને જ હતી. સલીમે મહેમાન શબ્દ બહુ સહજતાથી લીધો. સલીમે એવું માની લીધું કે, બાજુની દુકાનવાળો ગોપાલ સાથે બેઠો છે.
દાદાએ ગોપાલની આંખોમાં જોયું. ગોપાલની આંખો કહેતી હતી કે, તે મુંઝવણમાં છે. તેણે સલીમને બોલાવ્યો તો ખરો, પણ હવે શું થશે તેની કલ્પનાથી તે ડરી રહ્યો હતો. તેને ખરાબ લાગી રહ્યુ હતું. તે વિચારતો હતો કે, જ્યારે સલીમને આખી વાતની ખબર પડશે ત્યારે પોતાના માટે તેને કેટલું ખરાબ લાગશે! કદાચ તે ગુસ્સો પણ કરશે.
દાદાએ ગોપાલને પૂછ્યું, “મહેમાન આવ્યા છે તો ચાવાળાને બોલાવુ ને?”
ગોપાલ કંઈ જવાબ આપી શક્યો નહીં. દાદાએ તરત બૂમ પાડી, “બે કટીંગ ચા લાવજે.”
ચા કોડવર્ડ હતો. દાદાએ જેવી બૂમ પાડી, તેની સાથે જ થોડેક દૂર ઊભી રહેલી કારમાંથી પી.એસ.આઈ. ચૌધરી અને તેમની સાથે રહેલા બે પોલીસવાવાળા ઝડપભેર બહાર આવ્યા. તેઓ એકદમ ઝડપે ગોપાલની દુકાન સુધી આવી ગયા. અચાનક ત્રણ નવા ચહેરાને જોતા સલીમને થોડુ આશ્ચર્ય થયુ.
સલીમ પુછવા જ જતો હતો કે આ લોકો કોણ છે? પણ તે પહેલાં જ ચૌધરીએ સલીમની સામે જોતા કરાડી નજરે પૂછ્યું, “સલીમ છેને?”
સલીમ આ ધંધાનો જૂનો માણસ હતો. તેને ભાષા અને બોડી લેંગ્વેજ પરથી અંદાજ આવી ગયો કે, કંઈક ગરબડ છે. પણ હજી તેને કઈ ગરબડ છે; તેનો અંદાજ આવ્યો નહોતો. સલીમ જવાબ આપે તે પહેલાં ગોપાલની નજર જોઈ ચૌધરી સમજી ગયા કે, આ સલીમ જ છે.
ચૌધરીએ સત્તાવાહી અવાજમાં પોતાની સાથે રહેલા પોલીસવાળાને કહ્યું, “લઈ લો.”
બંનેમાંથી એક પોલીસવાળો આગળ આવ્યો અને તેણે સલીમના શર્ટના કોલરમાંથી પકડી તેને ઊભો કર્યો. તેના હાથમાં રહેલી કારની ચાવી રીતસર આંચકી લઈને સાથે રહેલા પોલીસવાળાને આપી. તે તેને ખેંચીને ચૌધરીની ખાનગી કાર તરફ લઈ ગયો. ગોપાલ દાદા સાથે બહાર નીકળ્યો. દાદાનો ઇશારો સમજી ગયેલા ગોપાલે દુકાનનું શટર બંધ કર્યુ. લોક કરી ચાવી દાદાને આપી.
બીજો પોલીસવાળો સલીમને લઈને કારમાં ગોઠવાઈ ગયો. તેણે ચૌધરી સામે જોતા કહ્યું, “સાહેબ, પોલીસ સ્ટેશન આવું છું.”
ચૌધરીએ હકારમાં માથું હલાવ્યું. દાદાએ ગોપાલનો હાથ સુધ્ધાં પકડ્યો નહોતો. કારણ કે વર્ષોની પોલીસની નોકરી પછી તેમને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે, ગોપાલ ભાગે તેવો આરોપી નથી. પણ હજી સલીમ ઉપર પોલીસને ભરોસો નહોતો. તેથી પેલો પોલીસવાળો સલીમનો કોલર પકડીને જ કારમાં ગોઠવાયો. દાદાએ ગોપાલના ખભે હાથ મૂકતા તે કારમાં ગોઠવાઈ ગયો. ત્યાર પછી દાદા બેઠા અને ચૌધરી ડ્રાઇવિંગ સીટ પર બેઠા.
પોલીસ સ્ટેશન તરફ દોડી રહેલી કારમાં સાથે પોલીસ હોવાને કારણે સલીમ અને ગોપાલ વચ્ચે વાત થઈ શકે તેવો અવકાશ નહોતો. સલીમ સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હજી તેના મનમાં ફેક કરન્સીનો વિચાર જ આવ્યો નહોતો. તે યાદ કરવાનો પ્રયત્ન કરતો હતો કે, એવો કયો બે નંબરનો ધંધો તેણે અને ગોપાલે સાથે મળી કર્યો છે! પણ તેને યાદ આવી રહ્યું નહોતું.
તે થોડી થોડી વારે ગોપાલ સામે જોતો, પણ ગોપાલ નજર ફેરવી લેતો હતો. સલીમ તેને આંખના ઇશારે પૂછવા માગતો હતો કે, મામલો શું છે! પણ ગોપાલ નજર મીલાવતો જ નહોતો. સલીમને ગુસ્સો આવી રહ્યો હતો, પણ તે કંઈ કરી શકે તેમ નહોતો. સલીમનું ધ્યાન બહાર તરફ હતું. તેને ખ્યાલ તો આવી જ ગયો હતો કે, આ પોલીસવાળા છે. પણ ક્યાંની પોલીસ છે, કઈ એજન્સી છે, તેઓ કઈ બાબતની તપાસ કરી રહ્યા છે? એવા અનેક પ્રશ્નોના જવાબ તેને ખબર નહોતા.
સલીમ સામે પહેલાં પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા હતા. ઘણી વખત લોકઅપ અને જેલની હવા ખાઈ આવ્યો હતો. તેને પોલીસનો ડર પણ નહોતો અને માર પડશે તેવી બીક પણ નહોતી. કારણ કે જૂના અનુભવમાંથી એ શીખ્યો હતો કે, પોલીસ આગળ મોઢું બંધ રાખવાનો કોઈ અર્થ નથી. તમે મોઢું બંધ રાખો અને કંઈપણ છુપાવો તો જ માર પડે. કયા મામલે મને પકડ્યો છે; જો એ ખબર પડી જાય તો પોલીસ સામે આખી રામાયણ ખુલ્લી જ કરી દેવાની છે. પણ પહેલાં મામલો ખબર પડે તે જરૂરી છે.
કાર એકદમ અટકી. સલીમે કારની બહાર જોયું તો ‘પાલનપુર પોલીસ સ્ટેશન’ તેવું બોર્ડ વાંચ્યુ. ચાલો, એક તો ખબર પડી કે લોકલ પોલીસ છે. સી.આઈ.ડી. ક્રાઇમ કે સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ નથી.
ચૌધરીએ ઈગ્નેશિયન બંધ કર્યું. દાદા અને ગોપાલ સાથે કારની બહાર આવ્યા. પેલો પોલીસવાળો સલીમ સાથે કારની બહાર નીકળ્યો. જોકે હજી તેણે સલીમના શર્ટનો કોલર પકડી જ રાખ્યો હતો. ચૌધરી પોતાની ઑફિસ તરફ ચાલવા લાગ્યા. અચાનક કંઈક યાદ આવ્યું અને પાછા વળીને તેમણે કહ્યું, “દાદા, બંનેને સાથે રાખતા નહીં.”
દાદા સમજી ગયા. કારણ કે હજી સલીમને મામલો ખબર નહોતી. જો સલીમ અને ગોપાલ સાથે હોય; તો સલીમ આખો કેસ સમજી લે અને પછી શક્ય છે કે, તે પોલીસ સામે કોઈ નવી જ સ્ટોરી રજૂ કરે. એટલે એક જ કેસના આરોપીઓને સાથે નહીં રાખવાની પોલીસની આ જૂની સ્ટાઇલ છે. ખાસ કરીને જ્યારે ઈન્ટ્રોગેશન ચાલું હોય ત્યારે આરોપીને અલગ અલગ રાખીને જ પૂછપરછ કરવામાં આવે છે.
ચૌધરી ડી સ્ટાફની ઑફિસ તરફ ગયા અને દાદા તથા પોલીસવાળો સલીમ અને ગોપાલને લઈને પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. પોલીસવાળો દાદાની સૂચનાની રાહ જોઈ રહ્યો હતો કે, સલીમને કયાં રાખવાનો છે. દાદા લોકઅપની બાજુના એમ.ઓ.બી. રૂમમાં ગોપાલને લઈ ગયા. ત્યાં બેઠેલા પોલીસવાળેને કહ્યું, “ધ્યાન રાખજો આ છોકરાનું.”
એટલું કહી તે બહાર નીકળ્યા. પી.એસ.ઓ.ના ટેબલ ઉપર આવીને કહ્યું, “બાપુ, આને લોકઅપમાં મૂકજો અને એન્ટ્રી કરતા નહીં. પી.એસ.ઓ. ટેબલ ઉપર રહેલા પોલીસવાળાએ ચાવી લીધી અને લોકઅપ ખોલ્યું. સલીમને લોકઅપમાં મૂક્યો. અંદર રહેલા બીજા આરોપીઓ સલીમ સામે જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે સલીમ નવો શિકાર છે. તેને એક આરોપીએ પૂછ્યું, “શેમાં આવ્યો છે?”
સલીમે તેની આંખોમાં જોતા કહ્યું, “મંત્રીનું મર્ડર કર્યું છે.”
પેલો આરોપી રીતસર ધ્રુજી ગયો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
૪. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા (કિંમત રૂ. ૫૦૦)
૫. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
૬. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








