પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-3): ગોપાલને લોકઅપમાંથી બહાર કાઢ્યો ત્યારે તેણે આખાં પોલીસ સ્ટેશનમાં જોયું. તેને લેવા આવેલા પોલીસવાળા સિવાય કોઈનું ધ્યાન તેની તરફ નહોતું. એક ક્ષણ તો ગોપાલને લાગ્યું કે, લોકઅપ પાસે ઊભા રહેલા પોલીસવાળાને ધક્કો મારી ભાગી જાઉં. પણ તે એવું કરી શક્યો નહીં. પોલીસે તેની કમરના ભાગેથી પેન્ટ પકડીને તેને લઈ ચાલવાનું શરૂ કર્યું. તે પોલીસ સ્ટેશનની બહાર આવ્યો, બહાર નીકળી તેને ડાબી તરફ લઈ જવામાં આવ્યો. બાજુમાં આસરે વીસ ફૂટની ઑફિસ હતી. તેની બહાર કોઈ અધિકારી ખાનગી કપડામાં ખુરશી નાખીને બેઠા હતા. તેમની આજુબાજુ બે પોલીસવાળા ઊભા રહી ફાઇલમાંથી કંઈક સમજાવી રહ્યા હતા. કોઈ પોલીસવાળાએ યુનિર્ફોમ પહેર્યો નહોતો. ગોપાલનું ધ્યાન ઑફિસના દરવાજા ઉપર લાગેલા બોર્ડ પર ગયું. ત્યાં લખ્યું હતું, “પાલનપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડ”
પોલીસ સ્ટેશન મેઈન રોડ ઉપર હોવા છતાં હવે ટ્રાફિક ખાસ્સો ઓછો થઈ ગયો હતો. રસ્તા ઉપરની શાંતિ પણ ગોપાલને ડરામણી લાગતી હતી. જે પોલીસવાળો ગોપાલને લઈ આવ્યો હતો; તે ખુરશીમાં બેઠેલા અધિકારી સામે ઊભો રહ્યો, અધિકારી હજી પેલા બે પોલીસવાળા સાથે જ ચર્ચા કરી રહ્યા હતા. અધિકારીએ ફાઇલ પાછી આપતા પેલા પોલીસવાળાઓને સૂચના આપી, “જુઓ, ચાર્જશીટ ટાઇમસર કરી દેજો નહીંતર આરોપી ડીફોલ્ટ બેઈલની માગણી કરશે.” પોલીસવાળાએ ફાઇલ પાછી લઈ સાવધાનની પોઝિશનમાં બંને હાથ પાછળ ખેંચી “સર” એટલું જ કહ્યું.
પોલીસ અધિકારીનું ધ્યાન ગોપાલ તરફ ગયું. પહેલાં તો તેમણે ગોપાલને ઉપરથી નીચે સુધી જોયો. અધિકારીની નજર જાણે એક્સરે લઈ રહી હોય તેવી તીક્ષ્ણ હતી. અધિકારી કંઈ પૂછે તે પહેલાં ગોપાલને પકડીને ઊભા રહેલા પોલીસવાળાએ કહ્યું, “સર જુમ્મનના અડ્ડે પકડાયો છે, 100 રૂપિયાની બનાવટી નોટો સાથે.” તે આગળ કંઈ બોલે તે પહેલાં જે આધેડ પોલીસવાળાએ તેને પકડ્યો હતો તેણે 100 રૂપિયાની બનાવટી નોટો અધિકારીના હાથમાં મૂકી. જે ગોપાલના પાકીટમાંથી મળી આવી હતી.
અધિકારી એક પછી એક નોટ જોવા લાગ્યા. પહેલાં નોટનો કાગળ કેટલો જાડો છે તેનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કર્યો. પછી નોટ ઊંચી કરી લાઇટના પ્રકાશમાં તે અસલી સાથે કેટલી મળતી આવે છે તે જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ પોતાના પાકિટમાં રહેલી સો રૂપિયાની એક નોટ કાઢી બનાવટી નોટ સાથે મીલાવી જોઈ. આ વખતે ગોપાલની માનસિક સ્થિતિ બહુ વિચિત્ર હતી. જાણે તેનો શ્વાસ રુંધાઈ જશે તેવો ડર તેને લાગી રહ્યો હતો.
ગોપાલ પાસે પકડાયેલી નોટોના નિરીક્ષણ પછી ખુરશીમાં બેઠેલા પોલીસ અધિકારીએ ફરી ગોપાલ સામે જોયું. કરડાઈથી પૂછ્યું, “નામ?”
ગોપાલે જવાબ આપ્યો, “ગોપાલ.”
અધિકારીના મોઢામાંથી મો……ટી ગાળ નીકળી; તે ધ્રુજી ગયો. અધિકારીએ અવાજ મોટો કરીને પૂછ્યું “આખું નામ?”
“ગોપાલ અમૃતલાલ પંચાલ”
“ક્યાં રહે છે?”
“નંદન સોસાયટી, માલવ તળાવ પાસે.”
“ઉંમર?”
“23.”
“કયાં સુધી ભણેલો છે?”
“એસએસસી.”
આમ એક પછી એક સવાલ થયા અને ગોપાલ જવાબ આપતો ગયો. અધિકારીના ચહેરા પર ઠંડક હતી; પણ તેના અવાજમાં રૂક્ષતા હતી.
અધિકારીએ જમણા હાથની પહેલી આંગળીથી ઇશારો કરીને કહ્યું, “નીચે બેસ.” એટલે ગોપાલની પાછળ ઊભા રહેલા પોલીસવાળાએ પેન્ટ છોડી દીધું અને ગોપાલ ખુરશી સામે ઉભડક પગે બેસી ગયો. હવે ગોપાલને પોલીસ અધિકારી સામે જોવા માટે નજર અને ડોક બંને ઉપર રાખવા પડતા હતા. અધિકારી ખુરશીમાંથી થોડા આગળ આવ્યા, હવે ગોપાલ અને અધિકારી વચ્ચે માંડ દોઢ ફૂટનું અંતર હતું. અધિકારીએ પહેલાં કરતાં ધીમા અવાજે પૂછ્યું “બોલ, આ નોટો ક્યાંથી લાવ્યો છે?”
ગોપાલે જવાબ ગોખી રાખ્યો હતો. તેણે અધિકારી સામે હાથ જોડતાં કહ્યું, “સાહેબ હું કંઈ જાણતો નથી.”
ગોપાલનું આ વાક્ય પૂરું થાય તે પહેલાં તો પોલીસ અધિકારી ખુરશીમાં થોડા પાછા ખસ્યા અને જમણા પગથી જોરથી એક લાત મારી. ગોપાલ આ સ્થિતિ માટે તૈયાર નહોતો. તેને લાત વાગતાં જ તે એકદમ ઊંધા માથે પડ્યો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ગોપાલ પડી જતા, બાજુમાં ઊભા રહેલા પોલીસવાળાએ તરત તેનો કોલર પકડીને ગાળ બોલતાં કહ્યું, “ચાલ ઊઠ, નાટકીયા.” ગોપાલ ખૂબ ડરી ગયો હતો. લાત એટલી મજબૂત હતી કે, તેના પગનો નળો દુખવા લાગ્યો. સવારે અડ્ડા પર માર પડ્યો ને હવે આ સાહેબનો. ગોપાલ રડવા લાગ્યો. ફરી તે ઉભડક પગે અધિકારી સામે બેઠો. અધિકારી કંઈ પૂછે તે પહેલાં જ ગોપાલે કહ્યું, “સાહેબ સાચું કહું છું, મને આ નોટ બનાવટી છે તેની ખબર જ નહોતી. ગઈકાલે જુમ્મનના અડ્ડે જ આ પૈસા જીત્યો હતો. આજે ફરી રમવા ગયો તો ત્યાં મને ખૂબ માર્યો.”
પોલીસ અધિકારીએ આધેડ પોલીસવાળા સામે જોયું. ગોપાલ પોતાની નિર્દોષતા સાબિત કરી રહ્યો હતો. સાથે સાથે બપોરે અડ્ડા ઉપર તેને કારણ વગર માર પડ્યો છે. તેમ જણાવીને અધિકારી પાસેથી દયા મેળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ગોપાલની વાત સાંભળતા જ પેલા આધેડ પોલીસવાળાનો પારો છટકયો. જેણે સવારે લોકોના મારથી બચાવ્યો હતો, તે જ પોલીસવાળો એકદમ ગોપાલ તરફ ધસી આવ્યો અને ગોપાલને બે લાફા ઝીંકી દેતાં ગાળ બોલીને કહ્યું, “આ નોટો તું અડ્ડા ઉપર જીત્યો હતો? ગઈકાલે તો તું એક હજાર જ જીત્યો હતો! આ તો ચાર હજાર છે. બાકીના ત્રણ હજાર ક્યાંથી લાવ્યો?”
ગોપાલને પોલીસનાં હોમવર્કની ખબર નહોતી. કારણ કે આ તેનો પહેલો અનુભવ હતો. ગોપાલને લાગ્યું કે, તે પકડાઈ ગયો. કારણ કે આધેડ પોલીસવાળો જે કહી રહ્યો હતો; તે વાત સાચી હતી. ગઈકાલે તો તે એક હજાર જ જીત્યો હતો. પણ તેના પાકીટમાંથી 100-100ની ચાલીસ બનાવટી નોટો મળી હતી. ગોપાલ પાસે હવે ગુનો કબૂલ કરી લેવા સિવાય કોઈ રસ્તો નહોતો. પણ હજી ગોપાલનું મન તેને ના પાડી રહ્યું હતું. અને શરીર જાણે માર માટે તૈયાર હોય, તેવું લાગી રહ્યું હતું. ગોપાલે કહ્યું, “ખરેખર સાહેબ, મારી વાત માનો.”
આ સાંભળીને ફરી પેલો આધેડ પોલીસવાળો મારવા જતો હતો. પણ ખુરશીમાં બેઠેલા અધિકારીએ તેને હાથનો સ્પર્શ કરીને રોકયો. ગોપાલ તરફ આગળ વધતાં પૂછ્યું, “ઘરમાં કોણ કોણ છે? પપ્પા શું કરે છે?” વગેરે.
આમ ગોપાલ પાસે ઘરની, નિશીની અને દુકાનની તમામ વિગતો જાણી લીધી. ફરી ધીમા અવાજે કહ્યું, “તારા ઘરે તારા વિશે ખબર પડશે ત્યારે તેમની સ્થિતિ શું થશે! તેની ખબર છે?”
ગોપાલ રડતો અને આંખો લૂંછતો જતો હતો. તેને જે વાતનો ડર લાગી રહ્યો હતો; તે જ વાત પોલીસ અધિકારી કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ બધી વાત કરી; પછી એકદમ શાંત થઈ ગયા. ગોપાલને લાગ્યું કે, સાહેબને તેની દયા આવી છે. પણ તેનો એવો ભ્રમ ખોટો પડ્યો. અધિકારીએ શાંત રહ્યા પછી પૂછ્યું “બોલ, સાચુ બોલીશ?”
ગોપાલે જવાબ આપ્યો, “સાચું જ બોલુ છું.”
પોલીસ અધિકારીએ બાજુમાં ઊભા રહેલા પોલીસવાળા સામે જોયું. તે સમજી ગયો કે, સાહેબ શું ઇચ્છે છે. તે ઑફિસમાં ગયો અને એક લાઠી લઈને બહાર આવ્યો. સાહેબ ખુરશીમાંથી ઊભા થયા. તેની સાથે બે પોલીસવાળાએ ગોપાલને પણ ઊભો કર્યો. બંને પોલીસવાળાએ તેનો હાથ કાંડેથી પકડ્યો. ગોપાલને કંઈ સમજાયું નહીં; પણ સમજતા વાર પણ ન લાગી. પોલીસવાળા તેને બાજુમાં લીમડાના ઝાડ પાસે લઈ ગયા. ગોપાલનું મોઢું અને છાતી ઝાડના થડ તરફ રહે તે રીતે ગોપાલને ઊભો રાખ્યો. પછી ઝાડની બંને તરફ ગોપાલના હાથ ખેંચી રાખ્યા. ગોપાલ કંઈ સમજે અને આનાકાની કરે; તે પહેલાં પોલીસ અધિકારીની લાઠી એક પછી એક ગોપાલની પીઠ ઉપર વરસવા લાગી. ગોપાલની ચીસો જાણે લીમડાના જાડા થડને હચમચાવી મૂકશે તેવું લાગ્યું. જોકે આ લીમડો વર્ષોથી આવી અનેક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. તેને કોઈ જ ફેર પડતો નહોતો.
(ક્રમશ:)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








