પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): ગુજરાત વિધાનસભાની નિર્ધારિત ચૂંટણી ડીસેમ્બર 22ના અંતમાં પુરી થાય અને જાન્યુઆરી 23માં ગુજરાતની નવી સરકાર મળે, પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવું અનેક લોકો માની રહ્યા છે, વિજય રૂપાણીની સરકારના ફેરબદલ પછી આવેલી ભુપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે પ્રજાને તો ઠીક ખુદ ભાજપના નેતાઓને આઘાત લાગ્યો હતો કે કારણ આખે આખી સરકાર બદલાઈ જાય તેવું કોઈ રાજયમાં થયું ન્હોતું, પરંતુ ગુજરાતમાં આ પહેલી ઘટના હતી, નરેન્દ્ર મોદીને નજીકને ઓળખનારા જાણે અને માને છે, કે મોદી અનઅપેક્ષીત નિર્ણય લેવામાં માટે જાણિતા છે, તેમને પોતાના સમર્થક અને વિરોધીઓને આધાત આપવાની મજા આવે છે. ગુજરાતમાં ચૂંટણીને હજી નવથી દસ મહિનાનો સમય બાકી છે પરંતુ ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે તેવું માનવાનો પોતાનો એક તર્ક છે. જ્યારે ચૂંટણી વહેલી થશે જ નહીં તેવો પણ એક તર્ક છે, જેઓ માને છે કે ચૂંટણી વહેલી નહીં થાય પણ નિર્ધારિત સમય અથવા એકાદ બે મહિના પહેલા જ થશે તેના કારણો સમજવા જરૂરી છે
ચૂંટણી વહેલી આવવાના ત્રણ કારણો
(1) ગુજરાતમાં ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલી થશે તેનું એક કારણ ઉંઝાના ધારાસભ્ય આશા પટેલના અવસાન પછી ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે ગુજરાત સરકારે ચૂંટણી પંચને કોઈ જાણકારી આપી નહીં, ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈ પણ કારણસર કોઈ બેઠક ખાલી પડે તો પેટા ચૂંટણી થકી છ મહિનાની અંદર તે બેઠક ભરી દેવી અનિવાર્ય છે, પરંતુ બીજો નિયમ એવો છે કે જો કોઈ બેઠક ખાલી પડે અને સામાન્ય ચૂંટણી એક વર્ષમાં થવાની હોય તો પેટા ચૂંટણી કરી બેઠક ભરવાની જરૂર નથી, આશા પટેલનું અવસાન નવેમ્બર 21માં થયું ઉંઝા બેઠક ખાલી થવાને ચાર મહિનાનો સમય થઈ ગયો છે, અને ગુજરાતની સામાન્ય ચૂંટણી નિર્ધારિત સમયમાં થાય તો ઉંઝા બેઠક ખાલી થવાની ઘટનાને 13 મહિનાનો સમય થઈ જાય છે. જેના કારણે એવું માનવામાં આવે છે કે ચૂંટણી વહેલી કરવાનું આયોજન હોય તો જ ઉંઝાની પેટા ચૂંટણી પાછી ઠેલવામાં આવી છે.
(2) ઉત્તર પ્રદેશના ચૂંટણીના પરિણામ પછી અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નિર્ધારિત હતો, અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ શો પણ નિર્ધારિત હતો, જેના માટે પોલીસ અને વહિવટી તંત્રએ તૈયારીઓ પણ કરી હતી, પરંતુ બીજા દિવસ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમના કાર્યક્રમ માટે રાજભવનથી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા નિકળે તેના કલાકો પહેલા જ પોલીસને જાણ કરવામાં આવી કે ઈન્દીરા બ્રીજથી મોદીનો રોડ શો શરૂ થશે, જાણકાર માને છે કે અચાનક રોડ શો ગોઠવી નરેન્દ્ર મોદી પ્રજાનો મુડ જાણવા માગતા હતા, પરંતુ બીજા દિવસના રોડ શો ભાજપની નેતાગીરીને પણ તૈયારીનો સમય આપ્યા વગર રોડ શો કરી નરેન્દ્ર મોદીએ પ્રજાની નાડ પારખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રોડ શો જામપેક રહ્યો આમ રોડ શોએ સાબીત કર્યું કે હજી પણ લોકપ્રિયતા અકબંધ છે. જ્યારે આવી સબળી સ્થિતિ હોય ત્યારે કોઈ પણ રાજનેતા નેતાનો ફાયદો ઉઠાવવાની તક છોડે નહીં કારણ આવતીકાલે સ્થિતિ આવી રહેશે તેવુ કોઈ કહી શકે નહીં. હવે નરેન્દ્ર મોદી આવો જ રોડ શો રાજકોટમાં પણ કરી રહ્યા છે.
(3) ગુજરાતમાં કોંગ્રેસને ભાજપે સાફ કરી નાખી છે, 2017માં કોંગ્રેસની જેવી સ્થિતિ હતી તેવી આજે નથી અને દિવસે દિવસે કોંગ્રેસની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. કોંગ્રેસ કાયમ આગ લાગે ત્યારે જ કુવો ખોદવા નિકળે છે, એટલે સપ્ટેમ્બર ઓકટોબર પહેલા કોંગ્રેસના નેતાઓ ચૂંટણીઓની તૈયારી કરશે નહીં, પરંતુ પંજાબમાં જે રીતે આપ (આમ આદમી પાર્ટી)એ ઝાડુ ફેરવ્યું અને હવે તેમના નિશાના ઉપર ગુજરાત છે તેની જાણ ભાજપ હાઈકમાન્ડને છે. ગુજરાતમાં કેજરીવાલના કાર્યક્રમો નક્કી થઈ ગયા છે, ગુજરાતમાં જે લોકો ભાજપને મત આપે છે, તેઓ ભાજપથી ખુશ છે તે એક માત્ર કારણ નથી પરંતુ કોંગ્રેસને મત આપવો જ નથી એટલે ભાજપને આપવાની મજબુરી છે, આવી સ્થિતિમાં કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી સમીકરણ બગાડી શકે છે. જો કે હાલમાં આપનું ગુજરાતમાં કહી શકાય તેવુ સંગઠન નથી, પણ સમય મળે તો સંગઠન બનાવી શકે છે. આ સ્થિતિમાં આપ ગુજરાતમાં મજબુત થાય તે પહેલા તો ચૂંટણી યોજાઈ જાય તો ગુજરાતમાં ભાજપને 125 પાર કરવા માટે વધારે મહેનત કરવી પડે નહીં.

ચૂંટણી વહેલી થશે નહીં તેના ત્રણ કારણો
(1) વિજય રૂપાણી સરકારનો ગ્રાફ નીચે જઈ રહ્યો હતો જેના કારણે ભાજપ હાઈકમાન્ડે આખે આખી સરકાર બદલી નાખી, હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખરેખર ભગવાનના માણસ છે, ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારને તાકીદ છે કે પછી તેમની સમજ છે તેની ખબર નહીં પણ જમીન ઉપર ચાલનારી સરકાર છે, કોઈ પ્રકારના વિવાદથી દુર રહી સરકાર હોવાનો દેખાડો કર્યા વગર કામ કરી રહી છે, આ સ્થિતિમાં આ સરકાર સામે કોઈ વિરોધ અને વાંધો તો પછી આ સરકારનું વિસર્જન કરી વહેલી ચૂંટણી કરવાનું કોઈ કારણ નથી.
(2) વિજય રૂપાણી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ન્હોતો જાહેરમાં રૂપાણી અને સી આર પાટીલ ભલે દેખા દેતા હોય પણ તેઓ એકબીજાથી ખાસ્સા દુર હતા, સંગઠન માનતુ હતું કે સરકાર પોતાને અળગા રાખી રહી છે, પરંતુ ભુપેન્દ્ર પટેલ અન પાટીલ વચ્ચે સારો તાલમેલ છે, સરકાર જ્યાં પણ મુંઝાય ત્યારે તેમની મદદે સંગઠન આવી જાય છે, ભુપેન્દ્ર પટેલના મહત્વના નિર્ણયમાં સી આર પાટીલની સંમત્તી હોય છે, વહિવટી નિર્ણય માટે ભુપેન્દ્ર પટેલને કે. કૈલાશનાથનનું પીઠબળ હોય છે, આમ ભુપેન્દ્ર પટેલને સંગઠન અને વહિવટી બાબતોનો સાથ મળી રહ્યો છે. હાલમાં એવી કોઈ સ્થિતિ નિર્માણ થઈ નથી કે પ્રજા પાસે નવેસરથી આદેશ લેવા જવું પડે.
(3) હવે ઉનાળો શરૂ થઈ ગયો છે હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જે 31 માર્ચના રોજ પુરૂ થશે ત્યાર બાદ જો વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે તો પણ ચૂંટણી યોજાય તો મેના મધ્યમાં યોજાય ત્યારે ગુજરાતમાં આકરી ગરમી પડતી હોય ખાસ કરી મધ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ગરમીનો પારો ખુબ ઉપર ગયો છે આ સ્થિતિમાં મતદારને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી લઈ આવવો અઘરો હોય છે, 15મુ જુનથી ગુજરાતમાં ચોમાસુ બેસી જાય છે એટલે ચોમાસામાં ચૂંટણી થાય નહીં જો ચૂંટણી વહેલી યોજવી હોય તો પણ સપ્ટેમ્બર પહેલા શકય નથી.
![]() |
![]() |
![]() |











