મનીષ મહેતા (નવજીવન ન્યૂઝ. સુરત): સુરતમાં આવેલા નશાબંધી મંડળ ગુજરાત સંસ્થામાં નશામુક્તિ માટે આવેલા મનીષ મહેતાએ પોતાની નશામુક્તિની સફર વિષે જણાવતા કહ્યું કે, “હું એક એડિક્ટ વ્યક્તિ છું, મેં 10 વર્ષ પહેલા આ સંસ્થામાં સારવાર લીધી હતી. હું પહેલા દારૂ પીતો હતો, મારી જે પરિસ્થિતી હતી 10 વર્ષ પહેલા તે કઈ પણ કહી શકાય તેમ જ નથી. મારી પાસે દૂધની થેલી લેવાના પણ પૈસા ન હતા તેવી હાલત થઈ ગઈ હતી મારી. અહિયાં સારવાર લીધા બાદ 10 વર્ષથી હું વ્યસન મુક્ત છું અને ઘર, પરિવાર, બાળકો અને ધંધો બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. 10 વર્ષ પહેલા એવી હાલત હતી કે કોઈ 5 પૈસા પણ ઉધાર આપતું ન હતું. ઘરમાં પણ બધાએ આશા છોડી દીધી હતી, ત્યાર બાદ હું અહિયાં સારવાર માટે આવ્યો. મારા કાઉન્સિલર કલ્પનાબેન મહેતા હતા, તેમણે મને ઘણો સપોર્ટ કર્યો. હું તો કહું છું કે જ્યાં સુધી માણસ સોબર રહે ત્યાં સુધી બધુ ઠીક છે પણ જો માણસ દારૂના રવાડે ચઢી જાય તો બધુ પતી જાય છે, તેના પોતાના ઘરના વ્યક્તિઓ જ તેના ઉપર આશા છોડી દે છે.”
તેમણે વધુમાં જણાવે છે કે, “મારા કિસ્સામાં સારું હતું કે મારા પત્ની મજબૂત હતા અને તેમણે મને અહિયાં સારવાર માટે દાખલ કરાવ્યો અને અત્યારે હું સ્વસ્થ છું. અત્યારે મારો ધંધો અને પરિવાર બધુ સારું ચાલે છે તેમ છતાં અમે અઠવાડિયામાં એક વાર અહિયાં આવીએ છે. જેના કારણે આપણાં મગજનો વિકાસ થાય, આપણને કઈ નવું નવું જાણવા મળે. અત્યારે હું છેલ્લા 10 વર્ષથી અહિયાં આવું છું. સામાન્ય માણસો જેમ મદિરમાં જાય છે તેમ આ જગ્યા મારા માટે એક મંદિર જ છે. જે માણસ કોઈ પણ પ્રકારનો નશો કરે છે તેને જો વ્યસનમુક્ત બનવું હોય તો આ સંસ્થાની મુલાકાત કરવી જોઈએ. આભાર.”
![]() |
![]() |
![]() |











