Wednesday, July 1, 2026
HomeGujaratઇન્વેસ્ટિગેશનઃ11, માતા-પુત્રી હત્યાકેસઃ અનેક આંટીઘૂંટી, વળાંકો'ને વમળો વચ્ચે પોલીસે કરી આ રીતે...

ઇન્વેસ્ટિગેશનઃ11, માતા-પુત્રી હત્યાકેસઃ અનેક આંટીઘૂંટી, વળાંકો’ને વમળો વચ્ચે પોલીસે કરી આ રીતે તપાસ, હત્યારાને થઈ ફાંસી

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાંથી માતા-પુત્રીની લાશ મળી. 2018ના વર્ષનો આ સમય હતો. આ બન્નેની હત્યા કરાઈ હોવાનું ફલિત થયું. પરિણામે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. જેમાં અનેક આંટીઘૂંટી, વળાંકો અને વમળો વચ્ચે પોલીસે અત્યંત ધીરજપૂર્વક, ઝીણવટભરી રીતે તપાસ કરતા આખરે હત્યારાને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.



- Advertisement -

પાંડેસરાના એક વિસ્તારમાંથી 11 વર્ષીય કિશોરીની લાશ મળી. તેના ત્રણ દિવસ પછી 40 વર્ષીય મહિલાની લાશ મળી. આ બન્ને ઘટનામાં સામ્ય હોવાની વાત તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્માની અનુભવી દૃષ્ટિમાં જોવા મળી. જેથી તેમણે આ બન્ને ઘટનાના તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી. ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. દવે (હાલ એસીપી, ટ્રાફિક શાખા, સુરત)એ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાના માર્ગદર્શન તળે તપાસનો આરંભ કર્યો. પ્રારંભે બન્નેના ડીએનએ મેચ કરાવ્યા તો ખ્યાલ આવ્યો કે આ બન્ને માતા-પુત્રી છે. પણ પહેલી તકલીફ એ આવી કે બન્નેની ઓળખ થઈ શકે તેવા કોઈ રસ્તા પોલીસ પાસે હતા નહીં. એવી સ્થિતિમાં કરવું શું? આમ છતાં તપાસનો દોર આગળ ધપાવતા પોલીસ આ ગુનાના આરોપી હરસહાય ગુર્જર સુધી પહોંચી. પોલીસને થોડો હાશકારો થયો કે હવે મરનારની ઓળખ થઈ જશે. પણ, મામલો વધુ ગૂંચવાયો. કારણ કે હરસહાય ગુર્જર પાસે પણ કોઇ વધુ વિગત હતી નહીં.

બન્યું એવું કે ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયા અને તપાસમાં ઊંડાણપૂર્વક ખેડાણ કરવા માટે જાણીતા પોલીસ ઈન્સપેક્ટર બી.એન. દવેએ એક રસ્તો શોધી કાઢ્યો. હરસહાયને આ મહિલા જેના કારણે ઓળખાતી થઈ હતી તે યુવાનનો પોલીસે સંપર્ક કર્યો. એ રીતે પોલીસ આ મહિલાના બીજા પતિ સુધી પહોંચી. ત્યાર બાદ એ બીજા પતિના માધ્યમથી પહેલા પતિ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી. આ પુત્રી પહેલા પતિની હતી. જેથી એ પહેલા પતિ અને આ પુત્રીના પિતા સાથે પુત્રીનો ડીએનએ મેચ કરાવ્યો તો મેચ થઈ ગયો જેથી આ જ પિતા હોવાનું પુરવાર થયું. ત્યારે પોલીસ મહિલા અને પુત્રીની ઓળખ સુધી પહોંચી. માતા-પુત્રીની ઓળખ થયા પછી પોલીસની તકલીફમાં વધારો થયો. કારણ કે મરનારા બન્ને મુસ્લિમ હતા અને મારનારા હિન્દુ હતા.

- Advertisement -


એક તરફ કઠુઆ ગેંગરેપનું પ્રકરણ પૂરા દેશમાં હાહાકાર મચાવી રહ્યું હતું. બરોબર એ સમયે જો હિન્દુ મુસ્લિમની વાત જાહેર થાય તો સુરત શહેરની શાંતિમાં પલિતો ચંપાઈ જવાની પૂરી શક્યતા પોલીસ કમિશનર સતીશ શર્મા જોઇ રહ્યા હતા. જેથી આ બીજી આંટીઘૂંટીમાંથી પોલીસને પસાર થવા માટે ગુપ્તતા જાળવવા સિવાય કોઈ રસ્તો હતો નહીં. એવા સંજોગોમાં પોલીસે ભારે ગુપ્તતા જાળવી. છેક સુધી ખ્યાલ જ ન આવ્યો કે જેની હત્યા કરવામાં આવી છે તે મુસ્લિમ છે. આ રીતે પોલીસ બીજી આંટીઘૂંટીમાંથી પસાર થઈ. પોલીસ હજુ તો રાહતનો દમ ખેંચે ત્યાં આંધ્રપ્રદેશનું દંપત્તિ આવ્યું. તેણે પણ ભારે ધમાલ મચાવી દીધી. પણ, ડીએનએ ટેસ્ટ મેચ ન થતાં તેને રવાના કરી પોલીસે વધુ એક વળાંકમાંથી પસાર થવાની સફળતા મેળવી.

હવે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન પૂરતા પુરાવા એકત્ર કરવાનો હતો. જેમાં આર.આર. સરવૈયાના માર્ગદર્શન તળે બી.એન. દવેએ કોઈ કચાસ છોડી નહીં. આ મહિલાને હરસહાય ગુર્જરે કામરેજના ફ્લેટમાં માર માર્યો હતો ત્યાંના પુરાવા એકત્ર કર્યા. માથા ભીંતમાં અફડાવ્યાં હતાં. ત્યાં લોહીનાં નિશાન મળી આવ્યા. વળી, ત્યાં બાજુમાં રહેતા લોકોએ હરસહાય માર મારતો હોવાનું નજરે જોયું હતું. એ તમામ પણ શ્રમિકો હતા. જેથી કોઈ પોલીસ સમક્ષ વાત કરવા તૈયાર ન હતું. તેવી સ્થિતિમાંથી રસ્તો કાઢવામાં આ બન્ને અધિકારીને સફળતા સાંપડી. આખરે કેટલાક લોકો નિવેદનો આપવા તૈયાર થયા.

- Advertisement -



આ અને આવા અનેક વળાંકોમાંથી પોલીસ પસાર થઈ, અત્યંત ધીરજથી કામ કર્યું. પૂરુતા પુરાવા મેળવ્યા ને અંતે હરસહાય ગુર્જરને ફાંસીની સજા તેમજ તેને મદદ કરનારા હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં એક પુરાવો પોલીસે એવો એકત્ર કર્યો કે જે સામાન્ય સંજોગોમાં કોઇ કિસ્સામાં અત્યાર સુધીમાં થયો હોય તેવું ધ્યાનમાં નથી. એ પુરાવા વિશેની વાત અત્રે પ્રગટ કરવામાં આવશે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular