નવજીવન ન્યૂઝ.રાજકોટઃ જાણિતા પાટીદાર આગેવાન અને રાજકોટ શહેરના સીનીયર એડવોકેટ તથા બિલ્ડર એવા મહેન્દ્ર ફળદુએ આજે દવા પી લઈને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. તેમના આ અંતિમ પગલા પાછળના કારણો ઘણાં ચોકાવનારા હોવાનું માનવામાં આવે છે. પોલીસની નક્કર અને સચોટ તપાસ મોટા માથાઓને જેલના સળીયા સુધી ખેંચી જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જોકે તેમણે લીધેલા પગલા અને તેના કારણો અંગે થઈ રહેલા આક્ષેપો પર નજર કરતા પહેલા આપણે જાણીએ કે મહેન્દ્ર ફળદુ કોણ હતા. મહેન્દ્ર ફળદુ પાટીદાર સમાજના આગેવાન તો હતા જ પણ ક્લબ યુવીના સ્થાપક એમડી હતા. સરદાર ધામના ટ્રસ્ટી તથા સૌરાષ્ટ્ર ઝોનના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા, ઉમીયા માતાજી મંદિર સિદસરના ધ્વજારોહણ સમીતીના ચેરમેન હતા અને મંદિરમાં કારોબારી સમિતિના સભ્ય પણ હતા. વીવાયઓ- શ્રીનાથ ધામ હવેલીમાં પ્રમુખ, ફીલ્ડ માર્શલ વાડી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ જેવી સંસ્થાઓમાં પણ સેવાઓ આપી ચુક્યા છે. ગુજરાત બાર એસોશીએશન અમદાવાદના ઉપ પ્રમુખ તથા શરાફી સહકારી મંડળીઓના ફેડરેશનના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા અનેક એનજીઓ, સહકારી સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓમાં ફરજ બજાવતા હતા.
મહેન્દ્ર ફળદુએ કેવી રીતે જીવન લીલા સંકેલી
મહેન્દ્ર ફળદુએ આપઘાત પહેલા એક અંતિમચિઠ્ઠી લખી રાખી હતી તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી ત્યાર પછી 150 ફુટ રિંગરોડ પર નક્ષત્ર બિલ્ડીંગમાં આવેલી તેમની ઓફીસમાં તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને દવા પીધા પછી તેમણે ફાંસો કાઈ લઈ જીવન ટુંકાવ્યું હતું. જેની ખબર પડતા તેમના મિત્રો અને અન્ય સ્વજનો ત્યાં દોડી ગયા હતા. તેઓ તેમને લઈને હોસ્પિટલ લાવ્યા જ્યાં તેમના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી શરૂ કરાઈ હતી. અંતિમ ચિઠ્ઠીને વાંચતા તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે, કંપની અને તેના ડાયરેક્ટર્સે તેમને કેવી રીતે પજવ્યા તે તમામ તેમની લખેલી ચિઠ્ઠી સાથે અહીં રજુ કરવામાં આવ્યું છે. તેમણે લખ્યું છે કે મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો તે લોકો કરી આપતા નથી, ઉલ્લેખનીય છે કે રૂપિયા ખંખેરી લીધા પછી કંપની અને તેના ડાયરેક્ટર્સે પોતાની વગ બતાવી ડરાવવા અને ધમકાવાથી લઈ તમામ હથકંડા અપનાવ્યા હોવાનું તે ચિઠ્ઠીમાં દર્શાવ્યું છે,
તેમની મળેલી ચિઠ્ઠીમાં લખાયું છે કે..
રાજકોટના બિલ્ડર એમ એમ પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશકુમાર કાંતિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતિલાલ પટેલે સાથે મળી અમદાવાદના બાવળા તાલુકાના બાણદાણામાં અંદાજે પાંચેક લાખ વાર જગ્યા ધ તસ્કની બીચ સીટી નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે તેમાં મહેન્દ્ર ફળદુએ પોતાના, પોતાના સગા સંબંધીઓના નામે અંદાજે 48000-00 ચો.વા.આ. જમીન વર્ષ 2007માં બુક કરાવી હતી, જેતે રીતે તેના નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ, શૈલેષ કેશવલાલ ફળદુ, તેમના સગા કાકા વિજયકાંત ફળદુ સહિતના અન્ય લોકોએ અંદાજીત 1 લાખવાર જગ્યા મહેન્દ્રભાઈ મારફતે બુક કરાવી અને તેનું પેમેન્ટ 2007માં કરી દીધું હતું. આ રકમ અંદાજે ત્રણ કરોડથી વધુની થવા જાય છે. તે રૂપિયા કંપનીમાં વર્ષ 2007માં જમા કરાવી હતી. જેમાંથી રોકડ વ્યવહાર અલગ છે.
આ મામલે કંપનીના ભાગીદારો સાથે ઘમા સમયથી વાદ-વિવાદ ચાલતા હતા. કંપની વતી બુકીંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા, તેઓએ રોકાણકારોને યોગ્ય રકમ, મધ્યસ્થી કહે તેવી રકમ કંપનીને ચુકવી હિસાબ પૂર્ણ કરવા પ્રયત્ન કરતા હતા. વિકલ્પે બુકિંગ સમયે કંપનીએ કહ્યું કે ડેવલપમેન્ટ સાથેની જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા માટે કંપનીને તથા તેના ડાયરેક્ટર્સને ખુબ વિનંતી કરી હતી પરંતુ તેમાં મહેન્દ્ર ફળદુને કોઈ સફળતા મળી નહીં. કંપનીના ડાયરેક્ટર્સે સમાધાનને બદલે અવારનવાર ધમકીઓ આપતા, એમ એમ પટેલ અને તેમના પુત્ર યતીન સુરેજા, અતુલ મહેતાએ આ મામલે ખોટા કારણો ઊભા કરી પોલીસ ફરિયાદો પણ કરી હોવાની વિગતો મળી રહી છે અને આમ કરતાં બિલ્ડર રોકાણકારો ઉપર પોલીસ મારફતે ધમકીઓ આપતા હોવા અને કંપનીના ડાયરેક્ટર્સ વિશેષમાં એવું પણ કહેતા કે અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે, મંત્રીઓ અમારા ભાગીદાર છે, રાજકીય આગેવાનો, સાંસદ સભ્યો અમારી જગ્યામાં ઓફીસમાં બેસે છે અને તેમના કાર્યાલયો પર અમારી જગ્યામાં છે. તે અમારા માણસો છે અમારું કોઈ કાંઈ કરી લેશે નહીં. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અમારે ત્યાં આવે છે. સારો ઘરોબો છે અને અમારે લગ્નમાં અને અલગ અલગ ફંક્શનોમાં બોલાવાનો, મળવાનો સંબંધો જમાવી તેમના નામે અમને સતત ધમકીઓ આપતા રહે છે. આમ કરી માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજો નહીં કરી આપતા હોવાનું જાણવા મળ્યું છે.
ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટર્સએ જમીનના દસ્તાવેજો ન કરીને આપવા પડે તે માટે મહેન્દ્ર ફળદુ તથા તેમના જેવા રોકાણકારોને ખુબ જ આર્થિક, શારીરીક, માનસિક ત્રાસ આપી રહ્યા છે, રોકાણકારોની મોટી રકમોનું રોકાણ હોવાથી ઉકેલ લાવવાનો ઘણો મુશ્કેલ હતો. કંપનીના ડાયરેકટર્સના કારણે મહેન્દ્ર ફળદુની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે., મહેન્દ્રભાઈ કે. ફળદુ મારફતે બુકીંગ કરાવેલા લોકોને કંપની વતી મહેન્દ્ર ફળદુએ નાણા ચુકવ્યા છે તેમ છત્તાં કંપની અને તેના ડાયરેક્ટર્સ નીંભર થઈને રકમ ચુકવા નથી કે કોઈ જવાબ આપતા નથી, કંપની અને તેના ડાયરેક્ટર્સના આવા વ્યવહારોને કારણે બુકીંગ કરનારાઓ પૈકી ત્રણથી ચાર જમા અવસાન પામ્યા છે તેની ચુકવણી માટે પણ કંપની અને તેના ડાયરેક્ટર્સ પાસે પૈસા ચુકવવા વિનંતી કરી છત્તાં કંપની અને તેના ડાયરેક્ટર્સે રકમ ચુકવી નથી કે તેમના અંતિમ ધાર્મિક વિધીમાં પણ રકમ ચુકવી નહીં ત્યારે આવા લોકોએ મહેન્દ્ર ફળદુ મારફતે બુકીંગ કરાવ્યું હોવાથી તેઓ મહેન્દ્ર ફળદુને ત્યાં, ઓફીસે, ઘરે આવે છે. મહેન્દ્રભાઈ ફળદુની ધંધાની જગ્યા પર આવે છે તેઓ તે રીતે ખુબ જ હેરાન પરેશાન થયા છે.
કંપની અને તેના ડાયરેક્ટર્સ ગેરકાયદે કૃત્યના કારણે રોકાણકારો મહેન્દ્ર ફળદુને ધમકીઓ, ત્રાસ આપે છે. ફળદુની ધંધાની જગ્યાએ કે ઓફીસ કે પછી સામાજીક ફંકશનમાં જવા ખુબ મુશ્કેલી પડે છે. સમાજમાં મોંઢુ બતાવવું મુશ્કેલ થયું છે. આવા કારણે મહેન્દ્રભાઈ ખુબ બેચેન રહે છે. તબીયત બગડે છે, ખોટા વિચારો આવે છે. કંપની અને તેના ડાયરેક્ટર્સને કારણે જીવવું મુશ્કેલ થયું છે. શા માટે જમીન અને પૈસા માટે આવું કરો છો સમજાતું નથી, મેહન્દ્ર ફળદુ જ્યારે પણ કંપની અને તેના ડાયરેક્ટર્સ અંગે વિચારે છે તથા બુકીંગ કરનારની સામે જોવે છે ત્યારે તેમની તબીયત બગડે છે. તેઓ તથા તેમનો પરિવાર ખુબ મુંઝવણમાં, ટેન્શનમાં સમય પસાર કરે છે. આર્થિક, શારીરિક, માનસિક સ્થિતિ ખરાબ કરવા માટે કંપની અને તેના ડાયરેક્ટર્સ તમામ જવાબદારો ગુનેગાર છે તેવું અવારનવાર તેમને જણાવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












