બે વર્ષ પહેલા ગાંધીજી સ્થાપિત અમદાવાદ નવજીવન ટ્રસ્ટના યુવાન મેનેંજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને નવજીવન સ્કુલ ઓફ જર્નાલીઝમ શરૂ કરવાનો વિચાર આવ્યો ,જો કે આજે ગુજરાત અને દેશભરમાં અનેક જર્નાલીઝમ કોલેજ છે, ત્યારે વધુ એક પત્રકારત્વની કોલેજ શરૂ થાય તો ખાસ ફેર પડવાનો ન્હોતો, આમ તો 101 વર્ષ પહેલા ખુદ ગાંધીજીએ નવજીવન દ્વારા પોતાના પત્રકારત્વની શરૂઆત કરી હતી, જેના કારણે નવજીવનના એક શ્વાસમાં પત્રકારત્વનો અહેસાસ છે. આખરે ખુબ વિચારણાના અંતે વિવેક દેસાઈએ નવજીવન સ્કુલ ઓફ જર્નાલીઝમ શરૂ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ નવજીવન સ્કુલ ઓફ જર્નાલીઝમ માત્ર એક સ્થુળ સંસ્થા બની જાય નહીં તેની તકેદારી રાખવાની હતી, વિવેક દેસાઈની એક ખાસીયત રહી છે કે તેમનો જે વિચાર સ્પર્શી જાય તે વિચારને મુર્તિમંત કરવાની જવાબદારી તે અન્યને સોંપે છે અને સમગ્ર પ્રક્રિયાથી પોતાને અલગ રાખે છે.
એટલે મારે અને મારા સાથી કિરણ કાપુરેના ભાગે એક નવી જવાબદારી આવી હતી, અમે ખુબ વિચાર અને ચર્ચાને અંતે નક્કી કર્યુ કે નવજીવન સ્કુલ ઓફ જર્નાલીઝમના અભ્યાસક્રમમાં પુસ્તક અને પરિક્ષાને સ્થાન નહીં હોય કારણ તમામ કોલેજો પુસ્તકો ભણાવે છે અને પરિક્ષા લે છે, પરંતુ જયારે પત્રકારત્વનો આ વિધ્યાર્થી કોલેજની બહાર નિકળે છે ત્યારે તેની પાસે ડીગ્રી તો હોય છે પરંતુ પત્રકારત્વનો આત્મા લગભગ શાંત થઈ ગયો હોય છે, પત્રકારત્વ કયારેય નોકરી હોઈ શકે નહીં, પત્રકારત્વના વ્યવસાયમાંથી આજીવીકા મળતી હોવા છતાં પત્રકારત્વ અન્ય વ્યવસાય કરતા અલગ છે કારણ પત્રકારનું કામ તો માણસ જીવવાડવાનું છે, એટલે છેલ્લાં બે વર્ષથી નવજીવનની પત્રકારત્વની કોલેજમાં પુસ્તક અને પરિક્ષા વગર ભણાવવામાં આવે છે,
આમ તો ભણાવવામાં આવે તેવુ કહીએ ત્યારે તે શબ્દ ખુબ ભારે વિચિત્ર લાગે છે, અમારો પ્રયાસ તો પત્રકાર બનાવવા કરતા વિધ્યાર્થીને સારો માણસ બનાવવાનો રહ્યો છે, કોઈને માત્ર શબ્દ દ્વારા સારો માણસ બનાવી શકાય નહીં, આ એક લાંબો પ્રયોગ છે, મેં અને મારા સાથી કિરણે એક નવા પ્રયોગની શરૂઆત કરી હતી, બે વર્ષ પહેલા અમારા સંપર્કમાં મિલન ઠક્કર આવ્યો, ત્યારે તે સાબરમતી જેલમાં હતો, તે અમારા નવા પ્રયોગનો હિસ્સો હતો, મિલન પત્રકારત્વ ભણ્યો, જેલની બહાર આવ્યો અને અમાારા સદ્દનસીબે તે નવજીવન ટ્રસ્ટ્રનો હિસ્સો બન્યો, હવે નવજીવન સ્કુલ જર્નાલીઝમની અનેક જવાબદારીઓ પણ તે બેખુબી નિભાવે છે, નવજીવન સ્કુલ ઓફ જર્નાલીઝમના વિધ્યાર્થીઓ સાથે તેનો વિશેષ લગાવ અને પ્રેમ છે બીજાની ચીંતા કરવાનો તેનો મુળ સ્વભાવ છે.
હાલમાં કોરોનાનો કહેર વધતા નવજીવન ટ્રસ્ટ પણ બંધ કરવાની ફરજ પડી, સામાન્ય દિવસોમાં તો મિલન સહિત પત્રકારત્વના વિધ્યાર્થીઓ નવજીવનના પોર્ટલ ઉપર સ્ટોરી લખવાનું કામ કરતા હતા, પરંતુ ટ્રસ્ટ બંધ થતાં અમારૂ રોજ મળવાનું બંધ થયુ, મારા સહિત મારા ઘરના ત્રણ સભ્યો પણ કોવીડનો ભોગ બનતા લગભગ હું બહાર નિકળી શકયો નહીં, એક સપ્તાહ પછી અચાનક મિલન ઠક્કર સાથે મારે ફોન ઉપર વાત થઈ, મેં બહાર નહીં નિકળવાની સલાહ આપતા કહ્યુ બધાનું ધ્યાન રાખજે, તેણે સંકોચ સાથે જે વાત કહી તે સાંભળી મને લાગ્યુ કે અમારો પ્રયોગ સફળ થયો, વાત કઈક એવી થઈ કે ટ્રસ્ટ્રની ઓફિસ બંધ થતાં મિલન અને નવજીવના બે વિધ્યાર્થી જયંત દાફડા અને દેવલ જાદવે એક નવો અભિયાન શરૂ કર્યુ, આમ તો પત્રકારનું કામ લખવાનું છે પણ લખ્યા વગર પણ પત્રકાર બીજાને કેવી રીતે જીવાડી શકે તેનું ઉદાહરણ પુરૂ પાડયુ.
એક તરફ સંક્રમીત થવાનો ડર હતો,આમ છતાં મિલન, જયંત અને દેવલએ અમદાવાદની સિવિલ, સોલા હોસ્પિટલ અને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જવાની શરૂઆત કરી ત્યારે આવતા દર્દીઓને ઓકીસીઝન, દવા અને ડૉકટરની મદદ કેવી રીતે મળી શકે તેની કામગીરી શરૂ કરી, ત્રણે પત્રકારત્વ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને તંત્ર પાસે કેવી રીતે કામ લેવુ તેની સમજ હતી, તેમની સમજ તેઓ લોકો માટે કેવી રીતે ઉપયોગ લઈ શકે તેની શરૂઆત કરી, થાકેલા હારેલા અને ડરેલા લોકોને તેમણે મદદ કરવાની શરૂઆત કરી, રોજ રાતના બે વાગ્યા સુધી તેઓ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ચક્કર મારતા રહે છે, મિલન કહે છે જયારે નજર સામે કોઈ શ્વાસ તોડે ત્યારે પોતે દુનિયાનો સૌથા લાચાર માણસ હોવાનો અહેસાસ થાય અનેક રાતો ઘરે જઈ ખુબ રડયો, મિલનની વાત સાંભળી હું શબ્દવિહીન થઈ ગયો, મને લાગ્યુ કે મિલન, જયંત અને દેવલ આવતીકાલે કોઈ મોટા અખબારમાં અને ચેનલમાં પત્રકાર નહીં હોય તો પણ અમારે જે પ્રક્રિયા શરૂ કરવાની હતી તે શરૂ થઈ ગઈ છે. છતાં મને તેમની ચીંતા હતી, એટલે મેં કહ્યુ મિલન તારૂ અને વિધ્યાર્થીઓનું ધ્યાન રાખજે.
મિલનના શબ્દો હતા, સર આપણે બધા જ ડરી જઈશુ તો કેમ ચાલશે, લોકોને આપણી જરૂર છે ત્યારે આપણે ઘરમાં કેવી રીતે બેસી શકીએ..








