છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં અને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે. એ ખૂબ જ સારી વાત છે, પણ એનાથી હરખાઈને આપણે લાપરવાહી જરાય કરવાની નથી. કોરોના હજી સંપૂર્ણ નાબૂદ થયો નથી. પણ રવિવારની રાત્રે જે દૃશ્યો જોયા એની લાગણી વ્યક્ત કર્યા વગર પણ રહી શકાતું નથી.
હું ને મારા સાથી પત્રકાર રોજની જેમ અમદાવાદની અલગ અલગ કોવિડ હોસ્પિટલોમાં રિપોર્ટિંગ માટે ગયા. સૌપ્રથમ અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, જ્યાં કોવિડ-19 સ્પેશિયલ 1200 બેડની હોસ્પિટલે પહોંચ્યા. રોજની જેમ પાછળના દરવાજેથી એન્ટર થઈ, વ્હીકલ પાર્ક કરીને મેઈનગેટની બહાર ચાલતાં ચાલતાં જતા હતા અને દર્દીને લઈને સારવાર માટે લાઈનમાં ઊભા રહેલા વાહનો ને એમ્બ્યુલન્સ ગણતા l હતા. ત્યાં આ શું થયું? 1, 2, 3, 10, 20… 25. મારી ગણતરી પૂરી થઈ! જે કાયમ 50, 60, 70, 75, 80 સુધી પહોંચતી.
ત્યાંના કોલાહલ ભર્યા વાતાવરણમાં અજંપો હજુ યથાવત હતો. કોઈ રિક્ષામાં સૂતેલા દર્દીને કોરોનાના કેસના આંકડા છાપેલા અખબારથી પવન નાખી રહ્યું હતું, કોઈ પોતાના સ્વજનને ચઢાવવામાં આવતી દવાની બોટલ હાથ પહોંચે એટલી ઊંચાઈએ પકડીને ઊભું હતું, કોઈ ઝીણી આંખો કરીને દર્દીની આંગળીએ લગાવેલા પલ્સ ઓક્સિમીટરમાંના આંકડા જોતું હતું, કોઈ ઓક્સિજનના સિલિન્ડર ખભે લઈને આ છેડેથી પેલા છેડે જઈ રહ્યું હતું. 108નો સ્ટાફ પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યો હતો. કોઈ વળી પોતાને ઘરે આવતા મોડું થશે તેની જાણ કરતા હતા. ડોક્ટર્સ અને નર્સ વાહને-વાહને જઈને દર્દીને તપાસી, સારવાર કરી, દર્દીના પરિજનો સાથે વાત કરતા હતા. મારી આંખોમાં આવા દૃશ્યો હતા, પણ મનમાં એક ઉર્જાનો સંચાર થતો હતો કે, હાશ! હવે રાહતનો સમય આવી રહ્યો છે.
એવામાં ચાર યુવાનો બે સ્કૂટર લઈને સિવિલના દરવાજામાં દાખલ થયા. દરેક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન પાસે જઈને ફૂડપેકેટ અને પાણીની બોટલ આપવા લાગ્યા, ઘણા દર્દીના સગા, 108ના સ્ટાફ અને અન્ય લોકોને આપીને તેઓ નીકળી ગયા. થોડીવાર પછી એ જ યુવાનો ફરી અંદર આવ્યા અને ફરી ફૂડપેકેટ ને પાણીની બોટલ આપવા લાગ્યા. આ બીજો રાઉન્ડ પૂરો કરતા એમને થોડી વાર લાગી. અમે મેઈન ગેઇટમાંથી બહાર નીકળ્યા. લગભગ રાતના અગિયાર વાગ્યા હશે. બહાર જઈ ચા-પાણી કરી અમે પાછા સિવિલમાં દાખલ થયા.
જોયું તો તે યુવાનો ખૂબ જ ખૂશ હતા. તેમાંથી એકને મેં પૂછ્યું કે,“ભાઈ રોજ આવો છો તમે?” તેમણે કહ્યું, “હા, છેલ્લા 7-8 દિવસથી રોજ આવીએ છીએ.” મેં તરત બીજો સવાલ કર્યો, “ક્યાંથી આવો છો? કઈ સંસ્થામાંથી?” “અમે સ્વૈચ્છિક રીતે આવીએ છીએ, શાહપુરથી.” મેં કહ્યું, “પણ આજે તો બહુ જ ઓછી ભીડ છે!” યુવકે જવાબ આપ્યો કે, “અમે રોજ એવું વિચારીને જ આવીએ છીએ કે, આજે ખાવાનું વધે અને પાછું લઈ જઈએ. આખરે અલ્લાહે અમારી દુઆ કબૂલ રાખી. આજે ઓછી ભીડ જોઈને આનંદ અનુભવાય છે.”
એ યુવાનોના ગયા પછી મારા મનમાં પણ એવો વિચાર આવ્યો કે, હવે હોસ્પિટલોમાં રિપોર્ટિંગ કરવાનું અને આંકડાઓ લખવાનું બંધ થાય તો સારું. અમે ચાલી નીકળ્યા બીજી હોસ્પિટલોની મુલાકાતે. પાંચેક હોસ્પિટલ ગયા, પણ સદનસીબે કોઈપણ હોસ્પિટલ બહાર સારવાર અર્થે આવેલા દર્દીઓની કતાર જોવા ન મળી.