ન્યૂઝચેનલ, છાપા તેમજ સોશિયલ મીડિયા જોવાનું શરૂ કરીએ કે, તરત કોરોનાના કહેરના સમાચાર મળે છે. અરે સ્ટેટસ અને સ્ટોરી માં પણ એકાદ બે ઓળખીતાના મૃત્યુ કે બેસણાના સમાચાર મળી જ જાય છે. એમાં સરકાર અને તંત્ર પ્રત્યેનો નાગરિકોનો ગુસ્સો અને નારાજગી પણ અનહદ જોવા મળે છે. મહદ્દઅંશે તે વ્યાજબી પણ હોય છે. પરંતુ રવિવારે રાત્રે અમદાવાદની 1200 બેડની ‘કોવિડ સ્પેશિયલ’ સિવિલ હોસ્પિટલ જવાનું થયું. જ્યાં હું ને મારો સાથી પત્રકાર જયંત લગભગ 10:30થી 12:30 સુધી હોસ્પિટલના પ્રાંગણમાં રોકાયા. ત્યાં દર્દીઓને થતી પીડા સિવાય પણ માનવતાના દુર્લભ દૃશ્યો જોવા મળ્યાં.
લગભગ ત્રીસેક દર્દીઓ લાઈનબંધ 108, ખાનગી એમ્બ્યુલન્સ, કાર અને રિક્ષામાં બેઠા હતા. તેમના સગા જલદી પોતાનો નંબર આવે એની રાહ જોતા દર્દીની સેવા કરી રહ્યા હતા. જોકે ફરજ પર હાજર રહેલા જુનિયર ડોક્ટર દરેક વાહનમાં રહેલા દર્દીને તપાસીને ઓક્સિજન, દવા, ઇન્જેકશન જેની જરૂર લાગે તે આપીને વાહનમાં જ સારવાર શરૂ કરી દેતા હતા. દર્દીને સારવાર મેળવવમાં વિલંબ થતો નહોતો. વાર લાગતી હતી માત્ર દાખલ થવા માટે અથવા બેડ મેળવવા માટે.
હું સ્ટોરીની શોધમાં એ બધાની આસપાસ ફરી રહ્યો હતો એવામાં અચાનક જ કોઈ બેનનો અવાજ આવ્યો… “સાહેબ ચા પીને પછી જ જજો.” પહેલાં તો મને લાગ્યું કે, બીજા કોઈને કહેતાં હશે. પણ તે યુવતીએ મારી આંખમાં આંખ નાખીને ફરી કહ્યું “ચા પી લો ભાઈ.” ખબર નહીં પણ અનાયાસે જ મારો હાથ આગળ વધ્યો અને ચાના પ્યાલાને વીંટળાઈ ગયો. તરત તેમણે નાસ્તા માટે પૂછ્યું. વિવેકપૂર્વક ના કહી, હું ત્યાં જ ઊભો રહી ગયો, ત્યાં એક ટેબલ પર ચાનાં બે થર્મોસ, પારલે બિસ્કિટ અને પાપડી પડ્યાં હતાં. ટેબલની નીચે 500ml વાળી મિનરલ વોટરની બોટલ્સ પડી હતી.
ગ્રાઉન્ડ રિપોર્ટ: આહ! અને વાહ!નો ગજબ સંગમ, અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલનો સ્ટાફ આવી રીતે કરે છે સેવા#Ahmedabad #CivilCovidHospital #HospitalStaff #Gujarat pic.twitter.com/zZdlfAxb1z
— Navajivan (@Navajivan1) April 26, 2021
ત્યાંથી પસાર થતાં દરેક માણસને એ બેન ચા-નાસ્તા અને પાણી માટે આગ્રહ કરી રહ્યાં હતાં. એ જોઈને બેનની સાથે રહેલા યુવકને મેં પૂછ્યું. “આ સરકાર તરફથી છે?” તેણે કહ્યું “ના સાહેબ, અહીંના સફાઈકર્મી અને સ્વીપર સ્ટાફને દર્દીઓ જે બક્ષિસ આપે છે, એમાંથી લાવીએ છીએ. કોરોનાકાળમાં અમને પગાર ઉપરાંત મળતી બક્ષિસ ઘરે લઈ જવાને બદલે, બેડ મળવાની રાહ જોતાં દર્દીના સગા માટે વાપરીએ છીએ.” હું અવાક થઈ ગયો! ઇન્જેકશન અને ઓક્સિજનના કાળાબજારના જે સમાચાર વાંચ્યા હતા, તેના અક્ષરો મારી આંખ સામે તરવા લાગ્યા.
મનમાં તો થયું કે, એ ભાઈને એકવાર ભેટી લઉં. ત્યાં જ એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ અને હું અટક્યો. “વાહ! તમે બહુ સરસ કામ કરો છો, થેન્ક્સ.” કહીને હું આગળ ચાલવા લાગ્યો. આગળ જતાં મારી નજર ફરવા લાગી, પછી જાણવા મળ્યું કે, માત્ર દર્દીના સગા જ નહીં, કોરોનાના દર્દીને લઈને આવતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સ્ટાફ, બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓ, સિક્યુરિટી સ્ટાફ બધાને જ તેઓ ચા, નાસ્તો કરાવતા હતા. હું ને જયંત આગળ જઈને બગીચામાં બેઠા.
અમે સ્ટોરી આઈડિયા ડિસ્કસ કરી રહ્યા હતા એ અડધો કલાક દરમ્યાન બે-ત્રણ વખત અલગ અલગ લોકો અમારી પાસે નાસ્તો, ચા અને મિનરલ વોટર લઈને આવ્યા. અમે બહુ જ ઇન્કાર કર્યો, પણ તેઓ પાણી અને ચા તો આપીને જ ગયા. મારા પૂછવાથી તેઓએ જણાવ્યું કે, “અમે કોઈ સંસ્થામાંથી નથી, વોલન્ટરી સેવા આપીએ છીએ.”(Video અંતમાં દર્શાવ્યો છે.)
માનવતાની મીઠાશ ભેળવીને બનાવેલી ચા ખરેખર બહુ…….જ મસ્ત હતી. વાહ!








