આપણી કમનસીબી છે કે બદહાલીને કાયમ માટે ભૂલાવી દેવાનું બનતું નથી; એક નહીં તો બીજી રીતે તે સામે આવે છે. ગત્ વર્ષે લોકડાઉનમાં લાખોની સંખ્યામાં પગપાળા નીકળેલાં મજૂરવર્ગની બદહાલી કાયમ માટે આપણા માનસપટલ પર અંકિત થઈ ચૂકી છે. મહિનાઓ સુધી મજૂરવર્ગ માર્ગો પર રઝળતાં પોતાના વતન જવા મજબૂર થયાં અને હવે જાણે ફરી તે થવા જઈ રહ્યું છે. અનુભવ છતાંય તે રઝળપાટ આજે અટકાવી શકાતી નથી. આમ આદમીની બદહાલીનું વિષચક્ર આમ ફરતું જ રહે છે. લોકડાઉન દરમિયાન થયેલાં સ્થળાંતરના વિષચક્રનું ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી પૂર્ણ ચિત્ર બતાવવાનું કાર્ય હાલમાં થયું છે. ફિલ્મનું નામ છે : “1232 કિમીસ.” સ્થળાંતરીત મજૂરોની વ્યથા-કથા અખબારો અને ન્યૂઝ ચેનલના ફૂટેજમાં તો દર્જ થઈ હતી, પરંતુ ફિલ્મકાર વિનોદ કાપડીએ દિલ્હીથી બિહારના સહરસા જતાં સાત મજૂરોની કથા કહીને સ્થળાંતરની પીડા રજૂ કરી છે. દિલ્હીથી સહરસાનું અંતર 1232 કિલોમીટર છે અને તેથી જ આ ફિલ્મનું નામ “1232 કિમીસ” રાખવામાં આવ્યું છે.
ફિલ્મકાર વિનોદ કાપડીને સ્થળાંતરની આ પીડાદાયક સફરને વિડિયો દ્વારા કેદ કરવાનું સૂઝ્યું તે તેમના સખાવત કરવાના સ્વભાવના કારણે. પોતે પત્રકાર રહી ચૂક્યા છે એટલે આ વિષયને તેઓ તત્કાલ સ્પોટ કરી શક્યા. જોકે જે સાત મજૂરોની કહાની તેમણે વિડિયોમાં કેદ કરી છે તેમાં અગાઉ તેમનો એક માત્ર ઉદ્દેશ મદદનો હતો. ફિલ્મનો આ સિલસિલો આગળ વધ્યો કેવી રીતે તેની પાછળ પણ વાર્તા છે. ગત્ વર્ષે લોકડાઉન લાગ્યા બાદ વિનોદ ટ્વિટર પર એક પોસ્ટ જોઈ, જેમાં ચાળીસેક મજૂરોનું એક ગ્રૂપ ગાઝિયાબાદ નજીક પૈસા વિના ભૂખના માર્યા ટળવળી રહ્યા હતા. પહેલાં તો તેમના માટે વિનોદે મદદ મોકલી.મદદ મોકલ્યાના ચાર-પાંચ દિવસ વીત્યા ફરી ખાવાનું ખૂટી ગયું છે તેવો તેમના પર ફોન આવ્યો. સાથે મજૂરોના આ ગ્રૂપે વિનોદને વારંવાર મુશ્કેલીઓ કહેવાનો સંકોચ પણ જાહેર કર્યો હતો. અને એવું પણ કહ્યું કે અમને કામ આપો અથવા તો અમારા વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપો. વિનોદે કહ્યું કે આ બંને વિકલ્પ અત્યારે અશક્ય છે. વિનોદ થોડી થોડી મદદ પહોંચાડી તેમને સાંત્વના આપી.
વિનોદનો સંવાદ તેમની સાથે સતત જારી હતો. એક પછી એક મદદ મળવાની બંધ થઈ અને જ્યારે આ ગ્રૂપે એવું અનુભવ્યું કે તેઓ ફસાઈ ગયા છે ત્યારે તેમણે બિહારમાં આવેલાં પોતાના વતન સહરસામાં જવાનો નિર્ધાર કર્યો. લોકડાઉનનો શરૂઆતનો સમય હતો. રેલ માર્ગથી માંડિને વાહનમાર્ગ બંધ હતો. ઘણાં પાસે વાહનથી જવાનાં પૈસા પણ નહોતા. આ સ્થિતિમાં પગપાળા કે સાઇકલ પર વતન પાછા ફરવાનો માર્ગ જ બચ્યો હતો. પરંતુ વિનોદે જ્યારે તેઓ સહરસા સાઇકલ પર જવાનું વિચારી રહ્યા છે તે વાત સાંભળી ત્યારે તે ડઘાઈ ગયો. જવાના જોખમો પણ કહ્યાં. સામે જવાબ મળ્યો કે, અહીં મરી જવું કરતાં માર્ગમાં મરવું સારું!બે-ત્રણ દિવસ જ્યારે આ વાતચીત ચાલી ત્યારે તેમાંથી સાત મજૂરોનું એક ગ્રૂપ તો ઓલરેડી બિહાર જવા નીકળી ચૂક્યું હતું. વિનોદે ત્યારે ગાઝીયાબાદથી સહરસાનું અંતર જોયું. હવે તેમને અટકાવવાની વાત તો શક્ય નહોતી. પરંતુ પોતાના અસ્તિત્વ ટકાવવા અર્થે જે પડકાર મજૂરોએ ઝીલ્યો હતો તેને કેદ તો કરી શકાય ને, આ વિચાર વિનોદને આવ્યો. બસ પછી વતન પહોંચવાની પૂરી પીડા અને તેમાં થયેલાં સુખદ અનુભવ વિડિયોમાં સંગ્રહીત થતાં ગયાં. પોતાના સિવાય એક માત્ર આસિસ્ટન્ટ સાથે આ પૂરી સફર ડોક્યુમેન્ટેટ થઈ છે.
લોકડાઉન દરમિયાન વતન પહોંચવાની હાલાકી બયાન કરવા અંગેનો વિનોદનો વિચાર અહીં અમલમાં મૂકાયો, પરંતુ જ્યારથી લોકડાઉન લાગ્યું અને તેની જે સતત ખબરો આવી રહી હતી, તેને લઈને વિનોદ સતત ફોલો-અપ લેતાં હતાં. આપણી સૌની જેમ તેમણે પણ એવી અનેક કહાનીઓ સાંભળી; જેમાં મજૂરો પાંચસો, સાતસો અને હજાર-હજાર કિલોમીટર જઈ રહ્યા છે. કોઈ પગપાળા જઈ રહ્યા છે. ત્યારે તેમને પ્રશ્નો થવા માંડ્યા. કે આ લોકો જઈ તો રહ્યાં છે પરંતુ શું તેઓ ઘરે પહોંચી રહ્યા છે? ઘરે પહોંચે છે તો કેવી રીતે? તેમને રસ્તામાં શું મુશ્કેલીઓ આવી રહી છે? તેમને ક્યાંય ખાવાનું મળે છે? સૂવા મળે છે? તેમની સાઇકલ જો ખરાબ થઈ જાય તો તેઓ શું કરે છે? તેમાંથી કોઈ બીમાર પડે તો તેઓ શું કરે છે?… આવાં અનેક પ્રશ્નો વિનોદને થયા. અને તેનો જવાબ ખોળવા માટે તેઓએ પ્રયાસ કર્યા. તેના ભાગરૂપે એક માતા તેનાં ત્રણ બાળકો સાથે પાંચસો કિલોમીટર દૂર કાનપુર જઈ રહ્યાં હતાં તો વિનોદ તેમની સાથે અઢીસો કિલોમીટર સુધી ગયા. પરંતુ અડધે રસ્તે આવ્યા બાદ તેમની સાથે સંપર્ક ન રહ્યો. આ પછી પણ તેમણે સ્થળાંતરીતો સાથે સફર કરવાનો બે પ્રયાસ કર્યા. જોકે આ ત્રણેય વખત ફિલ્મનો ઉદ્દેશ પૂર્ણ ન થયો, જે ગાઝીયાબાદથી સહરસાના કિસ્સામાં થયો.
આ ફિલ્માંકન કરતી વેળાએ વિનોદ તેના પડકારથી સારી રીતે પરિચિત હતા. પડકાર સંસાધનોનો કે સગવડ નહોતો. બલકે સામાન્ય રીતે જ્યારે આ રીતે કોઈ અન્યની પીડાને ડોક્યુમેન્ટેન્ટ કરવાની થાય ત્યારે તેમાં ‘ગીધ’ જેવી માનસિકતાથી બચવાનો હતો. મતલક કે કોઈના જીવનની કરૂણતા દર્શાવીને નફો કમાવવાના વિચારથી. પોતે આવું કશું ન કરી બેસે તેને લઈને વિનોદ સતત સજાગ હતા. તે જાણતા હતા કે આ સફરમાં સંવેદનશીલતા જળવાવી જોઈએ. એક તરફ પોતાનું કામ થાય અને બીજી તરફ માનવીય અભિગમ જળવાય.
આમ બધી જ રીતે પોતાની જાતને કેળવીને જ્યારે વિનોદ અને તેના આસિસ્ટન્ટ વેગનાર કાર દ્વારા ગાઝીયાબાદથી સહરસા નીકળેલા મજૂરોની સફરને વિડિયોમાં કેદ કરવા નીકળ્યા તો તે તેમણે કેટલાંક નિયમો પણ બનાવ્યા હતા. આ નિયમોનો ઉદ્દેશ એક જ હતો કે સાઇકલ પર જઈ રહેલા મજૂરોને ક્યાંય અજૂગતું ન લાગવું જોઈએ. એક નિયમ તો એ હતો કે એક કલાકમાં તેમની સાથે દસ કે પંદર મિનિટ જ ગાળવી. અંતર રાખીને જ શૂટ કરવાનો નિયમ પણ બનાવ્યો હતો. ઉપરાંત શૂટિંગ કરતી વખતે વિનોદ તરફથી કોઈ સૂચન સ્થળાંતરીત કરી રહેલાં મજૂરોને કરવામાં આવ્યું નહોતું. સામાન્ય રીતે ડિરેક્ટર પીડા ભૂલીને પણ સૂચન કરતાં હોય છે.
માર્ગમાં મજૂરોની સાથે જતી વેળાએ વિનોદનું તેમની સાથે એક અનુબંધ પણ બંધાયું. આ સફર દરમિયાન ઘણી વખત એવી સ્થિતિ આવી જ્યારે આ સાતમાંથી કોઈને કોઈને કારમાં જગ્યા આપી હોય. વિનોદનું કહેવું છે કે તેઓ જે કાર લઈને નીકળ્યા હતા તેમાં બધાને બેસાડવા તો શક્ય નહોતું અને જ્યાં જ્યાં તેઓ અટવાઈ પડતાં ત્યાં અમે મદદ માટે તૈયાર રહેતાં. વિનોદ અને ક્રૂ મેમ્બર્સ માટે પ્રાથમિકતા મજૂરોની મદદ હતી, નહી કે ફિલ્માંકન. આ અનુભવ પીડાદાયક તો હતો જ, પણ તેમાં અનેક સારી બાબત પણ બની. જેમ કે એક દુકાનદારે દુકાન ખોલ્યા વિના સમોસા બનાવી આપ્યા. એક યુથ હોસ્ટલના વિદ્યાર્થીઓ મજૂરો રાતવાસો કરી શકે તે માટે પોતાનો રૂમ આપ્યો. શરૂઆતમાં મુશ્કેલી આવી, પણ પછી અનેક લોકોએ મદદ માટે હાથ આગળ કર્યાં.
વિનોદની આ ફિલ્મ હોટસ્ટાર પર રીલિઝ થઈ ચૂકી છે અને તેમાંથી તેઓ ઘણી કમાણી પણ કરી શકશે. આ ફિલ્મનું મ્યૂઝિક વિશાલ ભારદ્વાજે આપ્યું છે અને તેના ગીત ગુલઝારે લખ્યાં છે. સ્વાભાવિક છે જ્યારે આ ફિલ્મ કમાણી કરવાની છે તો તેમાં જે રિઅલ નાયલ છે તેમને શું મળશે? આ પ્રશ્ન જ્યારે તેમને ધિ ક્વિન્ટ ન્યૂઝપોર્ટલના પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે વિનોદનો જવાબ હતો : હવે આ લોકો મારા માટે પરિવાર છે અને ફિલ્મમાંથી જે કમાણી થશે તેનો એક મોટો હિસ્સો આ મજૂરોને જશે. આરંભનું પેમેન્ટ તો વિનોદ દ્વારા તેમને થઈ પણ ચૂક્યું છે. વિનોદનું આ વિષયનું એક પુસ્તક પણ આવી રહ્યું છે તેની પણ આવકનો હિસ્સો મજૂરોને જશે. મજૂરોની વાસ્તવિકતા દર્શાવીને તે જ મજૂરોને લાભ કરાવી આપવાનો આનાથી મોટો સોદો કયો હોઈ શકે?