Obsession horror movie: 2026નું વર્ષ હોરર ફિલ્મોના ચાહકો માટે ખાસ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષની સૌથી ચર્ચિત હોરર ફિલ્મ ‘Obsession’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. માત્ર 7થી 9 કરોડ રૂપિયાના અંદાજિત બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 1,600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે.
26 વર્ષીય યુટ્યુબર અને ફિલ્મમેકર કરી બાર્કરે આ ફિલ્મની વાર્તા લખી છે, તેનું દિગ્દર્શન કર્યું છે અને એડિટિંગની જવાબદારી પણ સંભાળી છે. ઓછી કિંમતમાં બનેલી આ ઇન્ડી હોરર ફિલ્મ આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ચર્ચાતી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.
ફિલ્મની વાર્તા બેયર નામના એક સામાન્ય ક્લાર્કની આસપાસ ફરે છે, જે નિક્કી નામની યુવતીને પ્રેમ કરે છે. પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તે ‘વન વિશ વિલો’ નામના રહસ્યમય જાદુઈ સાધનનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં બધું સામાન્ય અને સુખદ લાગે છે, પરંતુ ધીમે ધીમે આ ઈચ્છા ભયાનક સ્વરૂપ ધારણ કરે છે.
નિક્કીનો પ્રેમ ધીમે ધીમે પાગલપન અને હિંસામાં બદલાતો જાય છે. સુપરનેચરલ હોરર, સાયકોલોજિકલ થ્રિલર અને રિલેશનશિપ ડ્રામાનું અનોખું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ અંત સુધી દર્શકોને જકડી રાખે છે. ફિલ્મમાં ઇન્ડે નવારેટ્ટેનું અભિનય વિશેષ પ્રશંસા મેળવી રહ્યું છે. એક સામાન્ય યુવતીથી ખતરનાક પાત્ર સુધીના તેના પરિવર્તનને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે.
ફિલ્મના બિહાઈન્ડ ધ સીન (BTS) ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં કલાકારો અને ટીમના સભ્યો નકલી લોહી અને ખાસ મેકઅપ સાથે જોવા મળે છે. મોટા ઘાવ, પ્રેક્ટિકલ મેકઅપ અને લો-ટેક સ્પેશિયલ ઈફેક્ટ્સના ઉપયોગે ફિલ્મને વાસ્તવિક અને ડરામણું સ્વરૂપ આપ્યું છે.
દિગ્દર્શક કરી બાર્કરના જણાવ્યા મુજબ ફિલ્મનું શૂટિંગ માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. મોટાભાગના દૃશ્યો લોસ એન્જેલસ આસપાસના વિસ્તારોમાં ફિલ્માવવામાં આવ્યા હતા. મોંઘા CGIની જગ્યાએ પ્રેક્ટિકલ ઈફેક્ટ્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ફિલ્મને અલગ ઓળખ મળી છે.
ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર શૂટિંગ દરમિયાન કેટલાક દૃશ્યો એટલા ભયાનક અને તીવ્ર હતા કે કલાકારો પોતે પણ ગભરાઈ જતા હતા. મેકઅપ આર્ટિસ્ટ્સ અને ટેકનિકલ ટીમની મહેનતના કારણે ઓછી કિંમતમાં પણ ફિલ્મને હાઈ-બજેટ લુક આપવામાં સફળતા મળી હતી.
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મિડનાઇટ મેડનેસ પ્રીમિયર બાદ Focus Features દ્વારા ફિલ્મના અધિકારો 15 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યા હતા, જે ઇન્ડી ફિલ્મ માટે એક નોંધપાત્ર ડીલ માનવામાં આવે છે.
15 મે 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતમાં 17.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી. બીજા સપ્તાહના અંતે આ આંકડો વધીને 23.9 મિલિયન ડોલર થયો હતો. સામાન્ય રીતે હોરર ફિલ્મોમાં શરૂઆત પછી કમાણી ઘટતી જોવા મળે છે, પરંતુ ‘Obsession’ના કિસ્સામાં દરેક સપ્તાહે કમાણીમાં વધારો નોંધાયો છે.
બોક્સ ઓફિસ મોજોના આંકડા મુજબ ફિલ્મ અત્યાર સુધી વિશ્વભરમાં અંદાજે 171 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી ચૂકી છે. Rotten Tomatoes પર ફિલ્મને 95થી 96 ટકા સુધીનું ઊંચું રેટિંગ મળ્યું છે અને ઘણા દર્શકો તેને 2026ની સૌથી ડરામણી ફિલ્મ ગણાવી રહ્યા છે.








