Friday, September 22, 2023
HomeGujarat1920ની મહામારીમાં ગાંધીજીના સામયિકના આ સૂચનો કોરોનામાં પણ લાગુ પડે છે...

1920ની મહામારીમાં ગાંધીજીના સામયિકના આ સૂચનો કોરોનામાં પણ લાગુ પડે છે…

- Advertisement -

સેવાના ક્ષેત્રમાં બેઠા હોય તેમને સેવા શોધવા જવી પડતી નથી. એ જ રીતે ગાંધીજીના જીવનક્રમમાં સેવાક્રમ અવિરત દેખાય છે. દક્ષિણ આફ્રિકામાં નિવાસ દરમિયાન તેઓ બે-બે યુદ્ધોમાં ઘાયલ સૈનિકોની સેવા અર્થે ટુકડી બનાવી દિવસો સુધી રણભૂમિમાં રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પણ જાનના જોખમે લોકોની સેવામાં ખડેપગે રહ્યા હતા. હિંદુસ્તાનમાં આવ્યા બાદ પણ મહામારી કે રમખાણો જેવાં કટોકટીના સમયમાં અભય રહીને તેઓ સેવા માટે ગ્રાઉન્ડ પર જ રહેતાં. 1918થી 1920ના ગાળામાં જ્યારે ઇન્ફ્લુએન્ઝાની મહામારી પ્રસરી હતી ત્યારે તેમાંથી હિંદુસ્તાન પણ બાકાત નહોતું. તે વખતે ગાંધી ગુજરાત સભાના સભ્ય હતા અને તેમણે ગુજરાત સભા એપિડેમિક રીલીફ ફંડ પણ ઊભું કર્યું હતું. આ અંતર્ગત ઇન્ફ્લુએન્ઝાને ડામવાની કામગીરીમાં ગાંધીજી સામેલ હતા અને તે માટે ગાંધીજીના તંત્રીપણા હેઠળના સામયિક ‘નવજીવન’માં તે સંબંધિત સૂચનાઓ પ્રકાશિત થઈ હતી. આ સૂચના ગાંધીજીના નજર હેઠળથી પસાર થઈ હશે અને તેમાં જે સૂચનો છે તે અદ્દલ હાલના કોરોના સંદર્ભે આપી શકાય તેવાં જ છે. ‘નવજીવન’માં પ્રકાશિત તે સૂચનાઓ….




(1) આ રોગ ઘણો જ ચેપી છે. તેને અટકાવવા માટે નીચે લખેલી બાબતો ઉપર ધ્યાન આપવું.

(ક) શરીર નીરોગી રાખવું; એટલે આરોગ્યના સાધારણ નિયમો પાળવા, ખુલ્લી હવામાં સૂવું, સાદો ખોરાક લેવો, સ્વચ્છ પાણી પીવું, અને રોજ અંગ કસરત કરવી.

- Advertisement -

(ખ) ઘરની અંદર સાફસૂફ ઉપર સારી દેખરેખ રાખવી અને બનતા સુધી એક ઓરડીમાં ઘણા માણસોએ એકઠા થઈને સૂવું નહીં.

(ગ) કોઈને તાવ આવ્યો હોય તેની પાસે બહુ જવું નહિ અને જવાનું થાય તો તેના મેલ (થુંક, લીટ, વગેરે)થી સંભાળવું.

(ઘ) પોતાના ઘરમાં રોગ ફાટી નીકળે તો દર્દીને બનતા સુધી જુદા ઓરડામાં રાખીને માવજત કરવી એટલે બીજાને ચેપ લાગે નહિ

(ચ) ઘણા લોકોની ભીડ થાય તેવી જગ્યાએ જવું નહિ, જેવી કે નાટકશાળા સીનેમા વગેરે.

(2) જો તાવ ફાટી નિકળે તો,

(ક) શરૂઆતમાં સાધારણ જુલાબ આપી દેવો.

(ખ) તાવને માટે તરત દવા કરવી અને જરૂર પડે તો ગામમાં દવા લગાડવવા માટે દાક્ટર બોલાવવા.

(ગ) ઘણીજ સંભાળ રાખવી કે તાવ દરમ્યાન અથવા ત્યાર પછી શરીરને ઠંડો પવન ન લાગે, કારણ કે આ રોગમાં તાવ આવ્યા પછી ફેફસાં પર સોજો આવી જાય છે.

(ઘ) દર્દીનું થુંક એક પાણી ભરેલા વાસણમાં જ પડવા દેવું અને તે વાસણમાં ઉકળતું પાણી નાંખીને સાફ કરી નાંખવું. નહિ તો પાણીને બદલે ફીનાઇલ જેવું ડિસઇન્ફેક્ટર નાંખવું.

(ચ) તાવમાં તથા તાવ ઉતર્યા પછી બેદરકારી કરીને એકદમ ફરવાનું શરૂ કરવું નહિ પણ એ બે દિવસ પથારીમાં આરામ લેવો અને સરદી ન થાય તેની સંભાળ રાખવી તેમજ સાદો અને હલકો ખોરાક ખાવો.




(3) ઇન્ફલુએન્ઝાથી પીડાતા લોકોની જે પ્રમાણમાં સારવાર થશે તે પ્રમાણમાં ચેપ પણ કમતી થશે માટે આડોસી પાડોસીને ત્યાં મદદ કરવી, સલાહ આપવી, સંભાળ રાખવી, અને ગરીબ પાડોસીને દવા વગેરેની મદદ આપવી કે અપાવવી, અને ઘણાં જ ગરીબ હોય તેમને સરકારી કે ખાનગી દવાખાના હોય ત્યાં મોકલી આપવા.

[14મી માર્ચ 1920ના ‘નવજીવન’ના અંકમાંથી]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular