Saturday, November 21, 2026
HomeGujaratબીજાની હ*ત્યા કરનારા PI ને કર્મ નડ્યોઃ જેલમાં ટિફિન લઈને પહોંચેલી પત્નીને...

બીજાની હ*ત્યા કરનારા PI ને કર્મ નડ્યોઃ જેલમાં ટિફિન લઈને પહોંચેલી પત્નીને જોઈ રડી પડ્યા | શતરંજ-95

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-95, નવજીવન ન્યૂઝ): કેતા અગાઉથી ટાઇમ લઈ સેન્ટ્રલ જેલ ઉપર આવી હતી. કેતાના હાથમાં એક ટિફિન હતું. તે ઘરેથી નીકળી ત્યારે દીકરી મેઘા સાથે આવવા માટે ખૂબ જીદ કરી રહી હતી. મેઘા જાણવા માગતી હતી કે તે મમ્મી-પપ્પાની વર્ષગાંઠે જમવાનું લઈ ક્યાં જાય છે. મેઘા સવારથી પોતાના પપ્પાના મોબાઇલ ફોન ઉપર ફોન કરી “હેપ્પી બર્થ ડે” કહેવા માગતી હતી, પણ તેના પપ્પાનો ફોન સ્વિચ ઑફ આવતો હતો. આમ તો મહેશ જેલમાં ગયો ત્યારથી મેઘા અનેક વખત પપ્પાને ફોન કરી ચૂકી હતી. પપ્પાનો ફોન બંધ કેમ આવે છે તેવું તે પોતાની મમ્મીને પૂછતી. પણ મમ્મી દર વખતે ‘પપ્પા કામમાં હશે, તને ફોન કરશે’ તેવું કહી મેઘાની વાત ટાળી દેતી હતી. મેઘાને લાગી રહ્યું હતું કે મમ્મી કંઈક વાત સંતાડી રહી છે, પણ મેઘાનું નાનકડું મગજ હજી શું ચાલી રહ્યું છે તે સમજી શકતું ન હતું.

મેઘા ગઈ રાતથી મમ્મીને પપ્પાનો બર્થ ડે છે તેની વાત કરી રહી હતી. પપ્પાને સુખડી ખૂબ ભાવે છે, માટે મમ્મી ગઈ રાતે જ સુખડી બનાવી રહી હતી તેની મેઘાને ખબર હતી. પણ પપ્પા ઘરે જ આવતા નથી તો મમ્મી સુખડી કેમ બનાવે છે? “મમ્મી, પપ્પા આવશે?” તેવું રસોડામાં ઊભા રહી સુખડી બનાવી રહેલી મમ્મીને તે અનેક વખત પૂછી રહી હતી. કેતાને લાગી રહ્યું હતું કે, જો મેઘા વધુ વખત ત્યાં ઊભી રહી પપ્પા અંગે પૂછ્યા કરશે તો કેતા રડી પડશે, એટલે તેણે છણકો કરતાં કહ્યું : “જા તારા રૂમમાં. આખો દિવસ પપ્પા-પપ્પા કર્યા કરે છે? જા ભણવા બેસ.” મેઘા નારાજ થઈ પોતાના રૂમમાં જતી રહી. પપ્પાની વાત કરતાં મમ્મી નારાજ કેમ થઈ હશે… તેવા વિચારો સાથે તેણે પોતાના રૂમમાં જઈ પુસ્તક હાથમાં લીધું. તેની નજર પુસ્તકમાં હતી પણ મન પપ્પા સાથે રમી રહ્યું હતું.

- Advertisement -

તે સ્કૂલે તો સ્કૂલવાનમાં જતી. પણ ક્યારેક પપ્પા તેને સ્કૂલ છૂટતી વખતે સરપ્રાઇઝ આપતા. મેઘા સ્કૂલની બહાર નીકળે ત્યારે તેના પપ્પા પોલીસની સરકારી કાર લઈ તેને લેવા આવતા. તે પપ્પાને જોઈ ખૂબ ખુશ થતી. પપ્પાને જોઈ વળગી પડતી અને દોડતી સ્કૂલવાનના અંકલ પાસે જઈ કહેતી : “હું તમારી સાથે નહીં આવું. મારા પપ્પા આવ્યા છે.” તેને લાગતું કે તેના પપ્પા દુનિયામાં બધા કરતાં શ્રેષ્ઠ છે. પછી પપ્પા તેને સરકારી કારમાં ઘરે મૂકવા આવતા. રસ્તામાં આઇસક્રીમ પણ ખવડાવતા અને પછી ઘરે મૂકી ઑફિસ જતા. પણ પપ્પાએ ઘણા દિવસથી સરપ્રાઇઝ આપી ન હતી. તેને રોજ સ્કૂલ છૂટ્યા પછી એવું થતું કે આજે તો ચોક્કસ પપ્પા સ્કૂલની બહાર ઊભા હશે! પણ તે બહાર નીકળતી ત્યારે નિરાશ થઈ જતી. તે રસ્તામાં કોઈ પણ પોલીસની કાર જોતી ત્યારે તેને લાગતું કે કદાચ આ કારમાં તેના પપ્પા હશે! એટલે તે ધારી ધારીને કારમાં કોણ બેઠું છે તે જોતી. આ વાત એકાદ-બે વખત કેતાના ધ્યાનમાં પણ આવી હતી, છતાં તે કંઈ બોલી ન હતી.

મેઘા પોતાના રૂમમાં જતાં કેતા પોતાની આંખમાં આવેલાં આંસુઓને લાંબો સમય રોકી શકી નહીં. તે મનોમન બબડી કે “બેટા, તને કેમ સમજાવું તારા પપ્પા ક્યારે આવશે! તેની મને પણ ખબર નથી.” લગ્ન બાદ આ પહેલી વર્ષગાંઠ હતી જ્યારે મહેશ પરિવાર સાથે ન હતો. લગ્ન પહેલાં પણ મહેશને સુખડી બહુ ભાવતી. કેતાની સુખડી સરસ થતી. દરેક વખતે મહેશ કેતાને ચીડવવા માટે પેટ ભરીને સુખડી ખાઈ લે પછી કહેતો, “કેતા, મજા આવી. પણ હજી મારી મા જેવી તારી સુખડી થતી નથી.” અપેક્ષા પ્રમાણે કેતા ગુસ્સે થતી અને કહેતી, “સારું, હવે હું સુખડી નહીં બનાવું.” જોકે આવું તે દરેક વખતે કહેતી અને પછી પાછી બનાવતી પણ ખરી.

કેતા જેલમાં મળવા આવી છે તેવું વૉર્ડને જાણ કરતાં મહેશને આશ્ચર્ય થયું : “કેતા આમ અચાનક કેમ મળવા આવી હશે. કોઈ પ્રૉબ્લેમ તો નહીં હોય! મેઘાની તબિયત તો સારી હશે?” મહેશ પોતાની બૅરેકમાંથી ઊભો થઈ વિઝિટર્સ રૂમ તરફ ચાલવા લાગ્યો. જેલના નિયમ પ્રમાણે કાચા કામના કેદીના પરિવારજનો પંદર દિવસે એક વખત કેદીને મળી શકે. જોકે સરકારની મહેરબાની હોવાને કારણે ઍન્કાઉન્ટર કેસમાં પકડાયેલા પોલીસ-અધિકારીઓ માટે આ નિયમ લાગુ પડતો ન હતો. છતાં મહેશે કેતાને બને ત્યાં સુધી જેલ ઉપર આવવાની ના પાડી હતી. કોર્ટમાં મુદતના દિવસે કેતા કોર્ટમાં જ આવી મહેશને મળી જતી હતી.

- Advertisement -

ઉતાવળે ચાલતો મહેશ વિઝિટર્સ રૂમમાં દાખલ થયો. તેણે જોયું તો કેતા ખૂબ સુંદર લાગતી હતી. તેણે ગુલાબી સાડી પહેરી હતી. તે જ વખતે મહેશનું ધ્યાન કેતાએ બાજુમાં મૂકેલા ટિફિન તરફ ગયું. મહેશને આશ્ચર્ય થયું… કેતા આટલી તૈયાર થઈ કેમ જેલ ઉપર આવી! સાથે ટિફિન પણ હતું. આમ તો મહેશે જેલની બહાર રહેલી લક્ષ્મી હોટલનું ટિફિન બંધાવી દીધું હતું. હોટલવાળા અને જેલસ્ટાફનું બધું ગોઠવાયેલું જ હોય છે. તેના કારણે રોજ ટિફિન આવી જતું હતું, કારણ કે રોજ સવાર-સાંજ કેતા કઈ રીતે ટિફિન આપવા આવી શકે તેવો પણ પ્રશ્ન હતો. આજે કેતા એટલી સુંદર લાગતી હતી કે, કદાચ જેલમાં આવ્યા પછી મહેશે પહેલી વખત કોઈ સુંદર સ્ત્રીને જોઈ હોય તેમ તેને જોતો જ ઊભો રહી ગયો.

વિઝિટર્સ રૂમમાં ડ્યૂટી ઉપર રહેલા જેલસિપાઈએ પણ આ વાત નોંધી હતી, પણ જેવું કેતાએ સિપાઈ સામે જોયું કે તે હસતો હસતો થોડો દૂર નીકળી ગયો. મહેશ કેદી હોવા છતાં પોલીસ-અધિકારી હતો. તેના કારણે સિપાઈએ તેને પત્નીને નજીકથી મળવાની મોકળાશ આપી હતી. સિપાઈ દૂર જતાં કેતા આગળ આવી. તેણે પોતાનો જમણો હાથ લાંબો કર્યો. મહેશને કંઈ સમજાયું જ નહીં. કેતા તેની સામે આશ્ચર્યથી જોઈ રહી. કારણ કે મહેશ હજી તેમ જ ઊભો હતો. કેતાએ કહ્યું, “પાગલ, હાથ તો લાંબો કરો.” મહેશે હાથ લંબાવતાં કેતાએ ધીમા અવાજે કહ્યું : “હૅપ્પી બર્થ ડે.” મહેશના શરીરમાં ઝણઝણાટી ફેલાઈ ગઈ. એક તો કેતાના સ્પર્શનો જાદુ હતો અને બીજો પોતાનો આજે જન્મદિવસ હતો! તેને યાદ જ ન હતું. જેલમાં આવ્યા પછી બહારની દુનિયા, તારીખ અને સમય સાથે તમામ પ્રકારનો સંબંધ કપાઈ જ ગયો હતો!’ પણ બીજી જ ક્ષણે સારું લાગ્યું કે કેતાને પોતાનો જન્મદિવસ યાદ હતો. મહેશની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં, કેતાએ તરત આંસુ લૂછતાં કહ્યું, “અરે, આજે નહીં જ રડવાનું. હું છું ને તમારી સાથે.” આટલું બોલતાં તે પણ રડી પડી. કેતાએ સિપાઈ નજીકમાં છે તેવો ઇશારો કરતાં મહેશે ત્રાંસી આંખોથી થોડા દૂર રહેલા સિપાઈએ તો તેને રડતા જોયો નથી તેની ખાતરી કરતાં પોતાનાં અને કેતાનાં આંસુ લૂછી નાખ્યાં.

મહેશે જ્યારે કેતાનાં આંસુ લૂછ્યાં ત્યારે તેના ગાલને અને આંખને મહેશનો થયેલો સ્પર્શ એટલો સારો લાગ્યો કે, કેતાને લાગ્યું કે જો મહેશ આંસુ લૂછતો હોય તો રોજ રડવામાં પણ વાંધો નથી. મહેશ અને કેતા વિઝિટર્સ રૂમની બેંચ ઉપર બેઠાં. મહેશે કહ્યું, “આજે તું ખૂબ સુંદર લાગે છે.” કેતા શરમાઈ ગઈ. મહેશે કહ્યું, “તને જોઈ સારું લાગ્યું. હું તો ભૂલી જ ગયો. પણ તને મારી વર્ષગાંઠ યાદ રહી?!” કેતા લાગણીશીલ થઈ ગઈ. તેણે કહ્યું, “આજે નહીં, સાત જન્મ સુધી તમારી એક એક વાત ભૂલવી મુશ્કેલ છે.” કેતાએ વાત બદલતાં કહ્યું, “મેઘા તમને ખૂબ યાદ કરે છે. તેને પણ તમારી બર્થ ડે યાદ છે. તે તો ગઈ રાતથી મને પૂછી રહી હતી.” મહેશે ચિંતાના સ્વરમાં પૂછ્યું : “તો તેં શું કહ્યું?” “તમારી જ છોકરી છે — પોલીસવાળાની. સુખડી બનાવતાં જોઈ એટલે તરત પૂછ્યું : પપ્પા નથી તો સુખડી કેમ બનાવે છે. પણ મેં કોઈ જવાબ આપ્યો નહીં.”

- Advertisement -

સુખડીની વાત નીકળતાં કેતાને ટિફિન યાદ આવ્યું. તેણે ટિફિન તરફ ઇશારો કરતાં કહ્યું, “જુઓ, તમારા અને તમારા બધા જ મિત્રો માટે ટિફિન છે.” મહેશે જોયું તો પાંચ ખાનાંનું ટિફિન હતું!” કેતાએ કહ્યું, “તમારી ગમતી સુખડી છે.” પછી તરત કહ્યું, “હા, તમારી મા જેવી નહીં થઈ હોય છતાં ખાઈ લેજો.” મહેશ હસી પડ્યો. કેતા મહેશને ટિફિન આપી ઉતાવળે ઘરે જવા નીકળી, કારણ કે મેઘા તેની રાહ જોતી હતી.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular