Rajkot Molestation case: રાજકોટના ઘંટેશ્વર SRP ગ્રુપ-13 કેમ્પમાં ફરજ બજાવતા 55 વર્ષીય આસિસ્ટ ન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે બે આઠ વર્ષની બાળકીઓ સાથે અડપલાં કર્યાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. આરોપ છે કે તેમણે પોલીસ પરિવારની જ બે બાળકીઓને ક્લોધિંગ સ્ટોરમાં રમાડવાના બહાને લઈ જઈ બીભત્સ વીડિયો બતાવ્યા હતા અને તેમની સાથે અડપલાં કર્યા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ બે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
SRPમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ઘંટેશ્વર SRP કેમ્પમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આપ્યું છે. બીજી ફરિયાદ પણ SRPમાં ફરજ બજાવતા પોલીસ પરિવારની એક આઠ વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાના આક્ષેપ સાથે નોંધાઈ છે. બંને ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુના નોંધી આરોપીને ઝડપી લીધો છે. આ અંગે ઘંટેશ્વર SRP કેમ્પના કમાન્ડન્ટને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બાળકી સાથેની ઘટના અંગે ત્યારે જાણ થઈ જ્યારે 17 નવેમ્બરે બાળકી ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન તેનો ઉછેર કરનાર પાલક દાદા ઘરે આવ્યા હતા. રસ્તા પર આરોપી નરેન્દ્રસિંહ જાડેજાને જોઈને બાળકી અચાનક ડઘાઈ ગઈ હતી. બાળકીના વર્તનમાં ફેરફાર જણાતાં પાલક દાદાએ તેની પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીે એક વર્ષ પહેલાં આરોપીએ તેની સાથે અડપલાં કર્યાની વાત જણાવી હતી. પાલક દાદાએ તાત્કાલિક બાળકીની પોલીસકર્મી માતાને જાણ કરી હતી.
આ વાતની જાણ થતાં બાળકીની માતા રોષે ભરાઈ નરેન્દ્રસિંહના ઘરે પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી સામે બીજી બાળકી સાથે અડપલાં કર્યાનો પણ આક્ષેપ છે. SRP કેમ્પમાં રહેતા અન્ય એક પરિવારની બાળકી આરોપીની દીકરી પાસે ટ્યુશન માટે જતી હતી. આરોપીની દીકરી પોતાના ઘરે બાળકોને ટ્યુશન કરાવતી હોવાથી ત્યાં આવતી એક વિદ્યાર્થિની સાથે પણ નરેન્દ્રસિંહે અડપલાં કર્યાનું સામે આવ્યું છે. આ બાળકીના પરિવારે પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચીને આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.








