પ્રશાંત દયાળ (શતરંજ-21, નવજીવન ન્યૂઝ): રાતના સાડા આઠ વાગે નિઝામ, રૂપા અને રામ ચૌધરી ટ્રાવેલ્સની ઑફિસ ઉપર આવી ગયાં હતાં. રૂપાને સોલાપુર ખૂબ ગમ્યું હતું. નિઝામ તેને સોલાપુરના જાણીતા સિદ્ધેશ્વર મહાદેવનાં દર્શન કરવા લઈ ગયો હતો. વળી અક્કલકોટ નામની જગ્યાએ જાણીતા સંત સ્વામી સમર્થનું મંદિર પણ આવેલું છે તે પણ બતાવ્યું. આશરે ચાલીસ લાખની વસ્તી ધરાવતા સોલાપુરમાં મુસ્લિમોની પણ ખાસ્સી વસ્તી આવેલી છે. જોકે ત્યાંના મુસલમાનો ઘરમાં અને બહાર પણ મરાઠીમાં જ વાતો કરે છે. તેથી તેમની બોલચાલને કારણે તેમનો ધર્મ નક્કી કરી શકાય નહીં. રૂપા બજારમાં ખરીદી કરવા નીકળી ત્યારે વેપારીએ તેને સોલાપુરની જાણીતી ચાદરો બતાવી. સોલાપુર ચાદરો માટે જાણીતું છે. રૂપા હાથમાં ચાદર પકડી જોઈ રહી હતી, ત્યારે નિઝામે વેપારીને પૂછ્યું, “કીતીચી આહે?” (કેટલાની છે?) ‘દાદા, માત્ર સાહસે.’ (મોટાભાઈ, માત્ર છસો.) નિઝામે તરત પૈસા કાઢી આપી દીધા. તે જોઈ રૂપા બોલી : “અરે મૈં તો સિર્ફ દેખ રહી થીં.” નિઝામે તેને કહ્યું : “મૈં તુજે જાનતા હૂં? તેરી આંખેં ક્યા કહ રહી થી.” દુકાનદાર તેમનો પ્રેમાલાપ સાંભળી રહ્યો હતો. રૂપા દુકાનદાર સામે જોતાં શરમાઈ ગઈ. નિઝામના સગા સોલાપુર રહેતા હોવાને કારણે તેનું અહીંયાં આવવાનું થતું, તેના કારણે કામચલાઉ મરાઠી આવડતી હતી. બીજું રૂપા સામે વટ મારવા માટે મરાઠી બોલવું હતું.
નવેમ્બર મહિનો હતો. ઠંડી પણ શરૂ થઈ ગઈ હતી. રૂપા અદબ વાળીને ઊભી હતી. નિઝામનું તેની તરફ ધ્યાન જતાં તેણે બૅગમાંથી રૂપાએ સોલાપુરમાંથી ખરીદેલી ચાદર કાઢી ઓઢવા આપી. રૂપાને તેનો આ વ્યવહાર ગમ્યો. તેણે નિઝામ સામે જોયું. પ્રેમ વ્યક્ત કરવાની નિઝામની આ અદા તેને ગમી. ત્યાં નવ વાગ્યે બસ આવી. દૂર ઊભા રહી, વિનય અને મહેશ ટ્રાવેલ્સ ઑફિસ ઉપર નજર રાખી રહ્યા હતા, તેમની સાથે એક પોલીસ કૉન્સ્ટેબલ પણ હતો, જેણે નિઝામ અને રામને પહેલાં જોયા હતા. તેણે નિઝામ તરફ ઇશારો કર્યો. રામની નજર ચારે તરફ ફરી રહી હતી. તેને ઇન્દ્રસિંહે કહ્યું હતું, પણ તેને ક્યાંય ખાનગી કપડાંમાં પોલીસના માણસો નજરે પડતા ન હતા. તે આજુબાજુ જોઈ રહ્યો. આ વાત નિઝામના ધ્યાનમાં આવી હતી. પણ રામનો સ્વભાવ પહેલાંથી આવો હતો. તેને આજુબાજુ નજર કરવાની ટેવ હતી. તેથી તેને કંઈ અજુગતું લાગ્યું નહીં. નિઝામની ફોઈ હુબલી રહેતી. નિઝામ ત્યાં જવાનો હતો. જ્યારે નિઝામે હુબલી જવાની વાત કરી ત્યારે પહેલાં રામે ના પાડી. એટલે નિઝામ બે ટિકિટ જ લઈ આવ્યો. પણ જેવો તે ટિકિટ લઈ આવ્યો તેવું રામે કહ્યું : “હું પણ આવીશ.” એટલે તે ટિકિટ લેવા પાછો ગયો જેમાં રામનો ટિકિટ નંબર ૮ આવ્યો. નિઝામ અને રૂપા પહેલી બે સીટમાં બેઠાં હતાં. બસ ટુ-બાય-ટુ હતી, તેના કારણે રામનો નંબર પાછળની સીટમાં બારી પાસે હતો. બસમાં બેસી ગયા પછી રામ નીચે ઊતર્યો અને થોડી વારમાં પાછો ઉપર આવ્યો ત્યારે તેના હાથમાં પાણીની બે બૉટલ હતી. એક બૉટલ તેણે રૂપાને આપી અને બીજી પોતાની પાસે રાખી. પાછળની સીટમાં બેસી ગયો.
બસ સ્ટાર્ટ થઈ. શહેરની બહાર નીકળતા લગભગ પંદર મિનિટ લાગી હશે. બહાર નીકળી બસ દક્ષિણ તરફ સોલાપુર–મેંગ્લોર નૅશનલ હાઇવે–૧૩ ઉપર દોડવા લાગી હતી. થોડી જ વારમાં રૂપાને ઊંઘ આવી ગઈ. તેણે રોજની ટેવ પ્રમાણે ઊંઘતી વખતે નિઝામનો હાથ પકડી લીધો હતો. તેની ડોક નિઝામના ખભા ઉપર હતી. બારીમાંથી ઝીણો ઠંડો પવન આવી રહ્યો હતો. નિઝામે બારી બરાબર બંધ છે કે નહીં તેની ખાતરી કરી છતાં ઠંડી તો લાગતી હતી. રૂપા સૂઈ ગઈ હતી. તેણે તેના ચહેરા સામે જોયું. બાળક જેવી નિર્દોષતા હતી. તેણે આંખો બંધ કરી નિઝામ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ કર્યો હતો. નિઝામ પોતાની જિંદગી વિશે વિચારતો હતો… ગૅરેજમાં શરૂ કરેલી જિંદગી ક્યારે ક્યાંથી ક્યાં લઈ ગઈ તેની ખબર જ ના પડી અને હવે તેની જિંદગીમાં રૂપા આવી ગઈ! તેણે રૂપાએ પકડેલા પોતાના હાથના પંજામાં રૂપાના પંજાને વધુ મજબૂત રીતે પકડ્યો અને તેની આંખ પણ લાગી ગઈ.
પાછળની સીટમાં બેઠેલા રામને ઊંઘ આવવી શક્ય ન હતી. તેના મનમાં તો અનેક પ્રકારની ગડમથલો ચાલી રહી હતી. તે જે કરવા જઈ રહ્યો હતો તે યોગ્ય છે? — તેવું તેનું મન તેને વારંવાર પૂછતું હતું, પણ તેને તે નહોતું સાંભળવું. તે પોતાના કાન બંધ કરી અંદરથી આવતા અવાજને પોતાના કાન સુધી રોકવા માગતો હતો. તે બારીના કાચમાં પાછળથી આવી ઓવરટેક કરી રહેલાં વાહન જોઈ રહ્યો હતો. કદાચ આ કાર હશે… તેવું તે વિચારતો અને તે કાર ઓવરટેક કરી દૂર જતી રહેતી. તેની લાલ કલરની ટૅઇલ લાઇટ તેને નિરાશ કરી દેતી હતી. હવે એવો સમય પણ નહોતો કે તે ઇન્દ્રસિંહને ફોન કરી ‘શું થયું’ તે પૂછી શકે. તેનું મન બેચેન થઈ રહ્યું. એક તબક્કે તો તેને એવું પણ થયું કે તે નિઝામને કહી દે : ‘ચાલ જલદી આ બસ છોડીને આપણે નીકળી જઈએ, નહીંતર તું ફસાઈ જઈશ’. તેણે નિઝામ સામે જોયું તો બંને ઘસઘસાટ સૂઈ રહ્યાં હતાં. તે સૂઈ શક્યો નહીં. અચાનક બસ ધીમી પડી. રોડની ડાબી તરફ થોડા ધૂળિયા રસ્તા ઉપર બસ ઊતરી. રામની નજર ડાબી તરફ ગઈ. લાઇટોનો ઝગમગાટ અને બોર્ડ ઉપર લખ્યું હતું : ‘દાદાચી હોટલ’. ડ્રાઇવરે બસ હોટલ સામે ઊભી રાખી, એક-બે વખત ઍસ્કેલેટર ઉપર પગ મૂકી રેસ કરી અને એન્જિન ઑફ કરતાં કહ્યું : “આધા ઘંટા બસ ખડી રહેગી. ખાના ઔર ચાઈ પાની કર લો.” રામ ઊઠ્યો. હજી નિઝામ અને રૂપા સૂઈ રહ્યાં હતાં. નિઝામને તેણે જગાડ્યો. એટલે રૂપા પણ ઊઠી ગઈ. બીજા પૅસેન્જરો સાથે તેઓ પણ નીચે ઊતર્યાં. જે તરફથી બસ આવી હતી, તે તરફ જોયું તો બોર્ડ ઉપર હતું : સોલાપુર ૧૦૦ કિલોમીટર. એટલે હવે તે સોલાપુરથી સો કિલોમીટર દૂર નીકળી આવ્યા હતા. નિઝામે આળસ મરડી, ચારે તરફ જોયું. ઢાબાની લાઇટમાં જેટલું નજરે પડતું હતું, તે સિવાય અંધારું જ હતું. હાઇવે ઉપરથી વાહનો પસાર થાય તે સિવાય શાંતિ હતી. ત્રણે એક ટેબલ ઉપર જઈ બેઠાં હતાં. આજુબાજુ બસના અન્ય પૅસેન્જરો તથા રામ મેનુકાર્ડ વાંચી રહ્યા. રૂપાએ ‘મુઝે કુછ નહીં ખાના હૈ’ એમ કહી નન્નો ભણ્યો. રામને પણ યાદ આવ્યું કે તેને પણ ભૂખ નથી, તે નાહકનો મેનુકાર્ડ વાંચી રહ્યો હતો, તેણે તરત મેનુકાર્ડ નિઝામ તરફ ખસેડી દીધું. જોકે રામને ભૂખ નહીં હોવાનું કારણ તે એકલો જ જાણતો હતો.
નિઝામે કાર્ડ હાથમાં લેતાં રૂપા સામે જોઈને કહ્યું : “નાટક મત કરો. સુબહ જો ખાયા ઉસકે બાદ કુછ નહીં ખાયા. થોડા મેરે મેં સે ખા લેના.” વેઇટર સામે જ ઊભો હતો. તેને કહ્યું : “એક કામ કર ભાઈ. એક દાલફ્રાય, જીરા-રાઇસ ઔર તીન પાપડ લે લે.” રામે નિઝામ સામે જોતાં કહ્યું : “શેર આજ ઘાસ ખાયેગા.” નિઝામને નૉનવેજ પ્રિય હતું. મેનુકાર્ડમાં આઇટમો હતી પણ ક્યારેક તે રૂપા માટે વેજ જમી લેતો. રૂપા પણ નૉનવેજ ખાતી. જોકે તેની પ્રાયોરિટી વેજ હતી. જમવાનું આવ્યું. નિઝામ અને રૂપા જમ્યાં. રામે માત્ર એક પાપડ ખાધો. થોડી વારમાં તેમની બસના ડ્રાઇવરે બસ ચાલુ કરી. પૅસેન્જરોને બોલાવવા માટે તેણે બસનું ઍરહૉર્ન વગાડ્યું. બધા મુસાફરો બિલ ચૂકવી બસ તરફ જવા લાગ્યા હતા. રામની નજરે પડ્યું કે… તેમની બસ પાર્ક કરી હતી, તેનાથી સો મીટર દૂર બે ક્વૉલિસ કાર હેડલાઇટ બંધ કરી ડીમ લાઇટ સાથે અત્યંત ધીમી ગતિએ આવી રહી હતી અને તે ત્યાં જ ઊભી રહી હતી. તેમાંથી કેટલાક માણસો ઊતર્યા અને રસ્તાના કિનારે ઊભા રહી બાથરૂમ કરવા લાગ્યા. આવું દૃશ્ય બહુ સહજ રીતે હાઇવે ઉપર જોવા મળતું હોય છે. બંને કાર જ્યાં ઊભી હતી ત્યાં સુધી ઢાબાનો પ્રકાશ જતો ન હતો, જેના કારણે કારમાંથી ઊતરેલી વ્યક્તિની આકૃતિ જોઈ શકાતી હતી, પણ કોણ છે તે ઓળખી શકાતું ન હતું. રામે પ્રયત્ન કરી જોયો પણ તે ઓળખી શક્યો નહીં. તેણે આંખો ઝીણી કરી કારનો નંબર જોઈ પાસિંગ જાણવાનો પ્રયત્ન કર્યો પણ માણસ ના ઓળખાય ત્યાં નંબર કેવી રીતે ખબર પડે. ફરી બસનું હૉર્ન વાગ્યું એટલે રામ દોડતો બસમાં બેસી ગયો. બસમાં ચઢ્યા પછી પણ તે બસના પાછળના કાચમાંથી ક્વૉલિસ કારને જોવાનો પ્રયત્ન કરતો હતો, પણ બસ કાચા રસ્તા ઉપરથી પાછી હાઇવે ઉપર ચઢી દોડવા લાગી હતી.
બસ લગભગ બે કિલોમીટર ગઈ હશે, ત્યાં જમણી તરફ વળી. હવે બસ સોલાપુર–બીજાપુર નૅશનલ હાઇવે–૨૧૮ ઉપર આવી ગઈ હતી. બીજાપુર શહેરમાં ગયા વગર હુબલી તરફ જઈ શકાતું હતું, તેના કારણે આ હાઇવે બીજાપુર રિંગરોડ તરીકે ઓળખાતો હતો. રાતના સવા બાર થયા હતા. રિંગરોડ ઉપર અત્યંત ઓછો ટ્રાફિક હતો, ત્યાં લગભગ એંસી કિલોમીટરની ઝડપે દોડી રહેલી બસના ડ્રાઇવરે બ્રેક મારવાની શરૂઆત કરી. રામે પોતાની સીટમાંથી સીધા ઊંચા થઈ જોવાનો પ્રયત્ન કર્યો. બસની આગળ એક ક્વૉલિસ કાર નજરે પડી. બસની હેડલાઇટમાં કાર સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. તેનું પાસિંગ જીજે-૦૧ ઓપી ૩૨૪૦ હતી. કારની પાછળની સીટમાંથી કોઈ હાથ બહારની તરફ હલાવી ડ્રાઇવરને બસ ઊભી રાખવાની સૂચના આપી રહ્યું હતું. નિઝામ પણ ગુનેગાર હતો. બસની બ્રેક જે રીતે વાગી રહી હતી, તેના કારણે તેણે રામ સામે જોયું. રામે તેને આંખના ઇશારે આગળ જે થઈ રહ્યું હતું તે તરફ જોવા કહ્યું. તેણે પણ ઊંચા થઈ ક્વૉલિસ જોઈ. એક પ્રકારનો ફફડાટ પણ થયો. બીજી તરફ તેને થયું કે હમણાં તેની પાસે એક પણ હથિયાર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તેને પણ આશંકા આવી ગઈ હતી, પોલીસ હોવી જોઈએ. ત્યાં જ ડ્રાઇવર તરફથી એક ક્વૉલિસ કાર મોટા હૉર્ન સાથે બસને ઓવરટેક કરી રહી હતી.
ડ્રાઇવરની બાજુમાં જે વ્યક્તિ બેઠી હતી, તેના હાથમાં ચાલુ ટૉર્ચ હતી. તે ઓવરટેક વખતે ડ્રાઇવર ઉપર ટૉર્ચનો પ્રકાશ ફેંકી રહી હતી અને જોરથી બૂમ પણ પાડતી હતી ‘સાઇડ કર સાઇડ’. ડ્રાઇવરે તરત બસની બ્રેક મારી. ન્યૂટ્રલ ગિયરમાં લાવી ગાડી ઊભી રાખી. તેની સાથે બંને ક્વૉલિસમાંથી કેટલાંક લોકો ઊતર્યા અને ડ્રાઇવરની સામેની તરફ રહેલા દરવાજાને ધક્કો મારી ખોલી નાખ્યો અને મુસાફરો જ્યાં બેઠા હતા, તે તરફ ગયા. બસની અંદરની લાઇટો પણ ડ્રાઇવરે ચાલુ કરી દીધી હતી. છતાં તેઓ પોતાના હાથમાં રહેલી ટૉર્ચ મુસાફરોના મોઢા તરફ ફેંકી રહ્યા હતા. બધા જ ડરી ગયા હતા. એક માણસ બસમાંથી ઊતરી કોઈ ભાગે નહીં તે માટે દરવાજામાં જ ઊભો હતો. તેના હાથમાં રિવૉલ્વર હતી. એક વ્યક્તિએ નિઝામના ચહેરા ઉપર બૅટરી નાખતાં પૂછ્યું : નિઝામ? તે ના પાડવા માગતો હતો, પણ તેનો પોલીસ સાથેનો અનુભવ કહેતો કે બને ત્યાં સુધી ખોટું બોલવું નહીં. રૂપાએ તરત નિઝામનો હાથ પકડી લીધો હતો. તે ખૂબ ડરી ગઈ હતી. તેને પેલી વ્યક્તિએ કહ્યું : “ચલ નીચે આ જા.” મુસાફરોમાં રહેલા એક વૃદ્ધ મુસાફરે હિંમત કરીને પૂછ્યું : “અરે ભાઈ, આપ હો કૌન? “જેને સવાલ પુછાયો તે આઇપીએસ અધિકારી દિનેશ નાયર હતા. તેમણે દરવાજા તરફ જોઈ તરત બૂમ પાડી : “સાળુકે…” એટલે તરત યુનિફૉર્મ પહેરેલો સબ-ઇન્સ્પેક્ટર રાજુ સાળુકે બસમાં ચઢ્યો. તેણે પોતાનો પરિચય આપતાં કહ્યું, “સોલાપુર પોલીસ સે હમ હૈ, યે ગુજરાત પોલીસ કે અફસર હૈ.” બસમાં સન્નાટો છવાઈ ગયો. નાયર અને તોમરે નિઝામને બાવડેથી પકડી નીચે ઉતારવાની શરૂઆત કરી. જ્યારે મહેશ રાવે પાછળની સીટમાં રહેલા રામને ઊભો કરી બહાર કાઢ્યો. બસની ડાબી તરફ બેઠેલા મુસાફરો બારીમાંથી ડોકું બહાર કાઢી, નીચે શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા હતા. નિઝામ અને રામ આ રીતે પોલીસના હાથે ઘણી વખત પકડાઈ ગયા, ત્યારે જે ડર લાગતો તેવો જ હતો, પણ પહેલી વખત જ રૂપાની હાજરીમાં નિઝામને પોલીસ પકડી જઈ રહી હતી. નિઝામનું પણ ધ્યાન ન હતું અને અન્ય કોઈ પોલીસનું પણ ધ્યાન ન હતું કે નિઝામ અને રામની સાથે રૂપા પણ બસમાંથી નીચે ઊતરી આવી હતી. તેના ચહેરા ઉપર ડર અને ચિંતાનું સંયોજન હતું… હવે શું થશે? નિઝામને ક્યાં લઈ જશે? અને પોતે રસ્તામાં એકલી પડી જશે! તેવા ડરમાં જ તે બસમાંથી નિઝામની સાથે નીચે ઊતરી આવી હતી. ચારે તરફ અંધારું હતું. જો પોલીસ નિઝામને લઈ જતી રહેશે તો તેનું કોણ છે અહીંયાં? તે કોની સાથે જશે? તે પ્રશ્નોનો જવાબ તેણે જ શોધી કાઢ્યો હતો કે… નિઝામને જ્યાં લઈ જશે ત્યાં તે પણ જશે.
દિનેશ નાયરનું ધ્યાન રૂપા તરફ જતાં, તેણે ગુસ્સામાં પૂછ્યું : “યે ઔરત ક્યૂં નીચે આઈ?” તરત નિઝામ જાણે તેને પ્રોટેક્ટ કરતો હોય તેમ બોલ્યો : “સા’બ, મેરી ઘરવાલી હૈ.” પણ તે જ ઊંચા અવાજમાં નાયરે નિઝામને કહ્યું, “ચલ અંદર બૈઠ જા.” રૂપા રોવા લાગી, તેણે નિઝામનો હાથ પકડી લેતાં પૂછ્યું : “આપ ઇનકો કહાં લે જા રહે હો? મૈં ઇસકે સાથ મેં હીં આઉંગી.” નિઝામે તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. તેણે મજબૂત રીતે હાથ પકડી રાખ્યો હતો. નિઝામે તેને ઇશારો કર્યો, બસમાં જતી રહે, પણ તેણેય આંખમાં આંસુ સાથે માથું હલાવી ‘ના’ પાડી. વિનય તોમરે તેને બસમાં બેસાડવા રૂપાનો હાથ પકડી રીતસર તેને ખેંચી બૂમ પાડી : “સાલી ચલ બેઠ.” ગાળ સાંભળી નિઝામની આંખોમાં લોહી ધસી આવ્યું પણ તે કંઈ કરી શકે તેમ ન હતો. છતાં રૂપાએ નિઝામનો હાથ છોડ્યો નહીં અને નાના બાળકની જેમ મોટેથી રડવા લાગી હતી.
નાયરને લાગ્યું કે મામલો બગડશે. તેણે તોમરને સૂચના આપી : “અરે એક કામ કર… ઉસકો ભી સાથ લે.” બાદ મેં તય કરતે હૈં ક્યા કરના હૈ. વિનય અને મહેશે એક ગાડીમાં નિઝામ અને રૂપાને તેમજ બીજી ગાડીમાં રામને બેસાડી દીધાં. ત્રણેના હાથ હાથકડીથી બાંધી દીધા હતા. ત્રણેની સાથે દિનેશ નાયર પાછા સોલાપુર જવા રવાના થયા હતા. બસ ફરી નિઝામ, રૂપા અને રામ વગર હુબલી જવા રવાના થઈ હતી. મુસાફરોને શું બન્યું તેની કંઈ જ સમજ ન હતી.
(ક્રમશ:)








