નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ફૈસલનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા (Murder in Ahmedabad) કરી નાંખી છે. નજીવી બાબતમાં વેર રાખીને જુહાપુરાના અમન પઠાણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. હત્યા કરવા પાછળનું કારણ જાણવા દાણીલીમડા પોલીસે (Danilimda Police) ફરાર આરોપી અરબાઝને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે.
મળતી માહિતી અનુસાર શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ફૈસલનગરમાં રહેતા અરબાઝ મણિયાર અને જુહાપુરામાં રહેતો અમન પઠાણ બંને મિત્રો હતા. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી બંને મિત્રોના પરિવાર વચ્ચે અણબનાવ બનેલો હોવાથી મનદુઃખ હતું. આજે વહેલી સવારે અરબાઝ અને અમન બંને ફૈસલનગર વિસ્તારમાં આવેલા મેદાન પાસે મળ્યા હતા. જ્યાં કોઈ કારણસર બોલાચાલી થતાં અરબાઝે અમન પઠાણ પર હુમલો કર્યો હતો. અમનને ગંભીર ઈજાઓ થતાં એલ.જી. હૉસ્પિટલ (L G Hospital) માં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.








