નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ટ્રેક્ટર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત (Fatal Accident Jamnagar) થયા છે. આ મામલે લાલપુર પોલીસે (Lalpur Police) ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.
જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા જગદીશ સામતભાઈ ગોજીયા (ઉ.25) પોતાના સાથી કર્મચારી મિલન લક્ષ્મણભાઈ બંધીયા સાથે ઇકો કારમાં બેસીને લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસેથી પસાર થતાં હતાં. પવનચક્કીની કંપનીના કામ અર્થે બંને યુવાન કર્મચારીઓ કારમાં જતાં હતાં. દરમિયાન વહેલી સવારે આગળ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર પાછળના ભાગેથી ધડાકાભેગ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકો કારના ભૂક્કા બોલી ગયા હતા. ઇકો કાર ચાલક જગદીશભાઈ અને બાજુની સીટમાં બેઠેલા મિલન બંધીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના મોત થયા હતા. ગમખ્વાર અકસ્માતના બનાવ અંગે મૃતકના પરિવારજને પોલીસને જાણ કરતા લાલપુર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી.








