નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ હનુમાન જયંતી પર લાખો ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પવિત્ર ગ્રંથ કઈ પરિસ્થિતિમાં લખાયો હતો? લોકમાન્યતાઓ મુજબ, હનુમાન ચાલીસાની રચના એક એવી પરિસ્થિતિમાં થઈ હતી, જ્યાં ભક્તિ અને સંકટ બંને એકસાથે હાજર હતા.
કથાઓ અનુસાર, 16મી સદીમાં મુગલ સમ્રાટ અકબરે સંત તુલસીદાસને પોતાના દરબારમાં બોલાવ્યા હતા. અકબર ઈચ્છતો હતો કે તુલસીદાસ કોઈ ચમત્કાર બતાવે, પરંતુ તુલસીદાસે વિનમ્રતા પૂર્વક ઈન્કાર કર્યો. આ વાતથી અકબર નારાજ થઈ ગયો અને તેણે તુલસીદાસને કેદમાં મૂકવાનો આદેશ આપ્યો.
કેદમાં હોવા છતાં તુલસીદાસે હિંમત ગુમાવી નહીં. માન્યતા છે કે તેમણે ભગવાન હનુમાનને સ્મરણ કરીને 40 દિવસ સુધી ભક્તિમાં લીન રહીને હનુમાન ચાલીસાની રચના કરી.
કથા અહીં અટકતી નથી. કહેવાય છે કે જ્યારે હનુમાન ચાલીસા પૂર્ણ થઈ, ત્યારે અકબરના મહેલ અને શહેરમાં અચાનક હજારો વાંદરાઓએ હુમલો કર્યો. આ ઘટનાથી દરબારમાં ભય ફેલાયો અને અકબરને સમજાયું કે તુલસીદાસની ભક્તિમાં અસાધારણ શક્તિ છે. ત્યારબાદ તુલસીદાસને મુક્ત કરવામાં આવ્યા. એટલું જ નહીં આ ઘટના પછી અકબર તુલસીદાસજીના પ્રશંસક બન્યા અને એવી પણ માન્યતા છે કે અકબરે તુલસીદાસજીના માનમાં સિક્કાઓ પર રામ-સીતાની આકૃતિ અંકિત કરાવી હતી.
તુલસીદાસ માત્ર કવિ નહીં, પરંતુ એક મહાન સંત અને ભગવાન રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. તેમણે અવધી ભાષામાં “રામચરિતમાનસ” અને “હનુમાન ચાલીસા” જેવી કૃતિઓ લખી, જે આજે પણ કરોડો લોકોના જીવનનો ભાગ છે.
હનુમાન ચાલીસામાં કુલ 40 ચોપાઈઓ છે, જેમાં હનુમાનજીની શક્તિ, ભક્તિ અને પરાક્રમનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે પણ ભક્તો મંગળવાર અને શનિવારે તેનું પાઠ કરીને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાની માન્યતા રાખે છે.
આ રીતે, હનુમાન ચાલીસાની રચના માત્ર એક ધાર્મિક ઘટના નથી, પરંતુ ભક્તિ, સંઘર્ષ અને વિશ્વાસની એક એવી કથા છે, જે સદીઓ પછી પણ લોકોને પ્રેરણા આપે છે.








