નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાત તરફ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.
આ આગાહીએ ફરી એક વાર ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. કમોસમી વરસાદ અને 40 કિમીની ઝડપે ફૂંકાનારા પવનના કારણે કેરીના પાકને નુકસાન થવાની સંભાવનાઓ છે.
દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આંધી તોફાન વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ વીજળી પડવાની શક્યતાઓ પણ રહેલી છે. ઉનાળાની સિઝનની શરૂઆતમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.








