નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ રેન્જ ખાતે ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai DIG Rajkot Range) ની નિમણૂક થઈ ત્યારથી ગુનેગારો ફફડાટમાં જીવી રહ્યાં છે. બુટલેગરો અને ખનીજ ચોરો બાદ હવે વારો આવ્યો છે વ્યાજખોરોનો. ઉંચા વ્યાજે નાણા આપી ભોગ બનનારાઓની જમીન/મિલકત પડાવી પાડનારા વ્યાજખોરોને કાબૂમાં કરવા આગામી 1 અને 2 એપ્રિલે ‘જનસંપર્ક સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. બંને દિવસ સાંજે 4 થી 6 કલાક દરમિયાન અરજદાર/ભોગ બનનાર રાજકોટ રેન્જ કચેરી ખાતે નિર્લિપ્ત રાયને રૂબરૂ મળી રજૂઆત કરી શકશે.
વ્યાજખોરો સામે કડક કાર્યવાહીનું નાટક
ગુજરાતભરમાં વ્યાજખોરોનો ત્રાસ છે અને પરિવાર તેનો ભોગ બની ચૂક્યાં છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અનેક વખત IPS અધિકારીઓને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા કહી ચૂક્યા છે, પરંતુ ડ્રાઈવ વખતે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે. સમયાંતરે વ્યાજખોરો સામે Gujarat Police કાર્યવાહી કરે છે. વ્યાજખોરો પાસે રહેલાં નાણામાં એક હિસ્સો પોલીસ અધિકારીઓની કાળી કમાણીનો પણ હોય છે અને એટલે જ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસના હાથ પાછા પડે છે.
નિર્લિપ્ત રાયે બે દિવસ જનસંપર્કનું કર્યું આયોજન
રાજકોટ રેન્જ હેઠળ આવતા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસ વિભાગે જનસંપર્કનો સમય જાહેર કર્યો છે. રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ વિશેષ જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે. સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના ભયમાંથી મુક્ત કરવાનો અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છે. આ કાર્યક્રમ 1 અને 2 એપ્રિલ 2026 ના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન રેન્જ આઈજી ઑફિસ, રાજકોટ (Rajkot Range IG Office) ખાતે યોજાશે.








