નવજીવન ન્યૂઝ, સુરત : સુરત મ્યુનિસિપલ કૉપૉરેશન (Surat Municipal Corporation) સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે. ટૂંક સમયમાં જ સુરત શહેરમાં મેટ્રો ટ્રેન (Surat Metro Train) દોડતી થઈ જશે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના સાડા આઠ કિમીના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થતાં ટ્રેનની ટ્રાયલ શરૂ કરાઈ છે. ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
પ્રથમ તબક્કામાં 5 વર્ષે અડધી કામગીરી પૂર્ણ
સુરત શહેર (Surat City) માં 18 જાન્યુઆરી 2021થી મેટ્રો રેલ પ્રૉજેક્ટની કામગીરી શરૂ થઈ હતી. 40.45 કિમીના બે રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. જેમાં ડ્રીમ સિટીથી સરથાણા (ડાયમંડ કોરિડોર) અને સારોલીથી ભેંસાણ (ટેક્સટાઈલ કોરિડોર) છે. સુરતમાં 5 વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. ડ્રીમ સિટી-સરથાણા રૂટમાં હજી સુધી 50 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન સુધી ટ્રાયલ રન શરૂ થયો છે. ટ્રાયલ રનમાં ડ્રીમ સિટી, કન્વેશન સેન્ટર, ભીમરાડ, મહિલા આઈટીઆઈ, VIP રોડ, અલથાણ ગામ અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનને આવરી લેવાયા છે. જ્યારે રૂપાલી કેનાલ, મજુરા ગેટ (ઇન્ટરચેન્જ), કાદરશાની નાળ, ગાંધીબાગ, સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, વરાછા ચોપાટી ગાર્ડન, નેચર પાર્ક અને સરથાણા સ્ટેશન ક્યારે આવરી લેવાશે તેનો ચોક્કસ સમયગાળો કહેવો મુશ્કેલ છે.
જૂન 2026માં મેટ્રો ફુલફ્લેઝમાં શરૂ કરવાનો દાવો
ટ્રાફિકની ભારેખમ સમસ્યાનો સામનો કરી રહેલાં સુરતીઓ મેટ્રો ટ્રેન પ્રૉજેક્ટ શરૂ થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. 80 કિમીની ઝડપે દોડનારી અને 3 કોચની બનેલી મેટ્રો ટ્રેન જૂન-2026 સુધીમાં ફુલફ્લેઝમાં શરૂ કરવાનો દાવો મેટ્રોના સત્તાધીશો કરી રહ્યાં છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Surat Metro Rail Project) ના કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ કરાયું છે. ટ્રેનનો ટ્રાયલ રન આશરે 500 કલાકનો કરવામાં આવે છે અને તેની સર્વે ચકાસણી હાલમાં ચાલી રહી છે.








