Friday, May 1, 2026
HomeGujaratAhmedabadમોટા મોટા ખેરખાંઓ ભાગી ગયા, પણ કચ્છની એ છોકરીએ લડવા માટે કાનની...

મોટા મોટા ખેરખાંઓ ભાગી ગયા, પણ કચ્છની એ છોકરીએ લડવા માટે કાનની વાળી પણ વેચી

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-24): ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) અમારી મેટર પેન્ડિંગ હતી. તારીખો ઉપર તારીખો સિવાય કંઈ આગળ વધતું નહોતું. ભાસ્કરના અધિકારીઓ અમારી સાથે મીટિંગો કરી રહ્યા હતા. મને હવે સમજાઈ રહ્યું હતું કે, તેઓ ટાઇમ કિલિંગ કરે છે. તે લડાઈને લંબાવી અમને માનસિક રીતે થકવી નાખવા માગતા હતા. જેમ જેમ સમય લંબાઈ રહ્યો હતો તેમ તેમ મારા સાથીઓ થાકી રહ્યા હતા. કારણ કે બધાનો જ પગાર બંધ હતો. કોઈને બાળકો નાનાં હતાં, કોઈને બૅંકના હપ્તા ભરવાના હતા. આ સ્થિતિ મારા માટે પીડાદાયક હતી. મનમાં એક પ્રકારની લાચારી હતી કે, દુનિયા સામે લડી લેતો પ્રશાંત (Prashant Dayal)હવે પોતાના માણસો સામે હારી રહ્યો હતો! મેં મારી સાથે રહેલા સાથીઓને બોલાવી એક વખત કહ્યું, “આ લડાઈ કેટલી લાંબી ચાલશે? તેની મને ખબર નથી. તમારો પગાર બંધ છે. મને લાગે છે કે તમારે હમણાં કામની શોધ કરી જે કંઈ કામ મળે તે શરૂ કરી દેવું જોઈએ.”

મારી સલાહ માની મારા કેટલાંક સાથીઓ કામે લાગી ગયા. પણ મારી સ્થિતિ એવી હતી કે, પત્રકારોનો નેતા એટલે ‘ટ્રેડ યુનિયોનિસ્ટ’ માની હવે મને કોઈ નોકરી આપવા તૈયાર નહોતું. મારી પાસે બૅંકમાં જે ફિક્સ ડિપોઝિટ હતી તે તોડી હું ઘર ચલાવી રહ્યો હતો. મેં મારા રિટાયર્મેન્ટ માટે રાખેલી બચત વપરાઈ રહી હતી.

- Advertisement -

ઘરમાં હું એકલો બેસી વિચાર કરતો હોઉં ત્યારે શિવાની (Shivani Dayal)મને કહેતી, “મારા ગણપતિ બધું સારું કરશે. ડરતા નહીં અને ચિંતા કરતા નહીં.”

શિવાની મને આ કહી રહી હતી ત્યારે જ મારું ધ્યાન ઘરનાં મંદિરમાં પાણીમાં ડુબાડી રાખેલા ગણેશ તરફ ગયું. મને હસવું આવ્યું. મારી નજર ક્યાં છે? તે તરફ જોતાં શિવાનીએ પુછ્યું, “હસવાનું શું કારણ છે?”

મેં કહ્યું, “પેલા ગણપતિ બાપ્પા કેટલાય દિવસથી પાણીમાં ડુબાડેલા છે તેમને પાણીની બહાર કાઢ. તારી શ્રદ્ધા સાચી છે, પણ બાપ્પાને હાઇકોર્ટના પ્રશ્ન ઉકેલવાની પ્રેક્ટિસ લાગતી નથી. બાપ્પાને પાણીમાં રહી ન્યુમોનિયા થઈ જશે!”

- Advertisement -

મારી વાત સાંભળી શિવાની એકદમ હસી પડી. આમ અમે તકલીફમાં પણ હસી લેતાં હતાં. દિવ્ય ભાસ્કર સામે લડાઈ લડવાનો દૂર દૂર સુધી કોઈ ઇરાદો નહોતો. અમે ત્યાં સુધી મીટિંગોમાં કહ્યું— તમારે પગાર વધારો આપવો નથી તો કંઈ વાંધો નહીં. પગાર વધારો આપતા નહીં. પણ તમે અમારી પાસે જે ડેક્લેરેશન પર સહી માગો છો… જેમાં લખ્યું છે કે, અમારે પગાર વધારો જોઈતો નથી. તે વાત સામે અમારો વાંધો છે. કારણ કે એક પત્રકાર તરીકે આ બહુ અપમાનજનક લાગે છે. પણ ભાસ્કર પોતાની જિદ્દ પર અડગ હતું કે, પગાર વધારો તો આપીશું જ નહીં અને તમારે અમને સામેથી લખી આપવાનું કે વધારો જોઈતો નથી. આ લડાઈનો પ્રારંભ થતા મારી આસપાસ એક સમયે જે ટોળું હતું તે વિખેરાઈ ગયુ હતું. કારણ કે તેમને ડર લાગી રહ્યો હતો કે હવે પ્રશાંત સાથે ઊભા રહીશું તો અમને નુકસાન થશે! કદાચ તેમને ડર સાચો પણ હતો. આ સ્થિતિ બહુ દર્દનાક હતી છતાં કેટલીક અજાણી મદદ પણ મળી રહી હતી.

પત્રકાર તરીકે મારું કામ સરકાર સામે જ લખવાનું રહ્યું છે, પણ આ ઘટના ઘટી ત્યારે મને એક આઈ.પી.એસ. અધિકારીએ મેસેજ નાખ્યો— તમારી લડાઈને બિરદાવું છું. આપણે જલદી મળીશું. જે અધિકારી મને બિરદાવી રહ્યા હતા, તેમના કામને મેં ક્યારેય બિરદાવ્યું નહોતું. પછી અમારે મળવાનું થયું ત્યારે તેમણે મને કહ્યું, “પ્રશાંતભાઈ! તમે જે કંઈ રિપોર્ટિંગ કર્યું અથવા કરો છો, તે તમારો ધર્મ છે. પણ આજે જે સ્થિતિ નિર્માણ થઈ છે, તેમાં તમારા જેવા માણસ સાથે મારે ઊભા રહેવું જોઈએ એ મારો ધર્મ છે. પણ માફ કરજો, હું જાહેરમાં તમારી સાથે ઊભો રહી શકીશ નહીં. તમારે જ્યારે પણ, જે પણ પ્રકારની મદદની જરૂર હોય, ત્યાં હું હાજર છું તેવું માની લેવાનું.”

પછી તરત તેમણે પોતાના એક પોલીસ ઇન્સપેક્ટરને બોલાવી કહ્યું, પ્રશાંતભાઈ આપણી જવાબદારી છે. હવે તેમની ચિંતા તમારે કરવાની છે. આવા જ અમારા એક મિત્ર તુષાર પટેલ મારા કરતાં ઉંમરમાં બે–ચાર વર્ષ મોટા હતા. તેમણે પણ મને કહ્યું, “કહો, મારે શું કરવાનું છે?”

- Advertisement -

મેં કહ્યું, “જરૂર હશે ત્યારે ચોક્કસ કહીશ.”

જ્યારે પણ હાઇકોર્ટમાં અમારી મુદત હોય ત્યારે તુષાર પટેલ અચૂક હાઇકોર્ટની છેલ્લીં બેંચમાં બેઠેલા મને જોવા મળે. તુષાર પટેલ કોર્ટમાં આવે કે નહીં; તેના કારણે ચુકાદા ઉપર કોઈ અસર થવાની નહોતી, પણ જ્યારે હું હાઇકોર્ટ જાઉં ત્યારે છેલ્લી બેંચ તરફ જોઉં તો તુષારભાઈ બેઠેલા જ હોય! તે જોઈ મનમાં એક અજાણી ટાઢક વળતી. કોઈ આપણી સાથે છે તેવો અહેસાસ થતો હતો.

અમારા કાઉન્સિલ ગિરીશ પટેલને મેં મારાં ખાતામાંથી એક લાખનો ચેક આપ્યો હતો, પણ મારા ધ્યાનમાં આવ્યું કે, ગિરીશ પટેલે તે ચેક તેમનાં ખાતામાં ભર્યો જ નથી. મેં જ્યારે ગિરીશ પટેલને પુછ્યું, “સર! તમે હજી ચેક ભર્યો નથી?”

ત્યારે હસતાં હસતાં તેમણે કહ્યું, “તમારી પિટિશન દાખલ થશે તો જ ભરીશ.”

આમ માણસ કેટલો સારો હોઈ શકે! તેનું ઉદાહરણ મારી સામે હતું. બાકી વકીલને વર મરે, કે વરની મા મરે! શું ફેર પડે? પણ ગિરીશ પટેલ માણસ તરીકે બીજા વકીલ કરતાં જુદા પડતા હતા. મારા સાથીઓને જ્યારે ખબર પડી કે, મેં ગિરીશ પટેલને ફી પેટે એક લાખ ચૂકવ્યા છે, ત્યારે તેમણે મને કહ્યું— અમે બાકીના લોકો અમારા ભાગે આવતી રકમ તમને આપીશું. થોડા સમય પછી મારા સાથીઓ પોતાના ભાગે આવતો હિસ્સો આપી ગયા, પણ મને જ્યારે ખબર પડી કે મારા એક સાથીએ પોતાનો હિસ્સો આપવા શું કર્યું? ત્યારે મને બહુ ખરાબ લાગ્યું.

અમારી સાથે અમદાવાદ અને કચ્છના પત્રકારો હતાં. જેમાં કચ્છની એક મહિલા પત્રકાર પણ હતી. એનો દુબળો પાતળો દેહ, પણ લડી લેવા માટે પૂરી તૈયાર હતી. તે પણ અમારી લડાઈનો હિસ્સો હતી. જ્યારે બધા સાથીઓએ નક્કી કર્યું કે, હમણાં દાદાએ ફી ચૂકવી છે, પણ આપણે આપણા ભાગે આવતી રકમ દાદાને ચૂકવી દઈએ; ત્યારે કચ્છની આ છોકરી કંઈ બોલી નહીં. કારણ કે તેની પાસે પૈસા જ નહોતા. પણ તેની ખુદ્દારી એવી હતી કે, મારી પાસે પૈસા નથી— તેવું પણ તેને કહેવું નહોતું.

તે છોકરી બજારમાં જાય છે, પોતાના કાનમાં રહેલી સોનાની કાનની વાળીઓ વેચે છે અને તેમાંથી વકીલની ફી ચૂકવે છે. આમ જોવા જાવ તો આખી ઘટના ખરાબ લાગે તેવી છે, પણ અન્યાય સામે લડવાની તૈયારી… જેમાં નોકરી પણ જતી હતી, છતાં લડવું હતું. કદાચ પોતાનો ફાયદો ન પણ થાય, તો પણ દેશના પત્રકારોના અધિકારો ખાતર લડવા માટે તેણે પોતાના કાનની વાળી વેચી હતી. આ છોકરી કચ્છની હતી માટે આ ઘટનાની કોઈએ નોંધ લીધી નહીં. આમ અમારી લડાઈમાં મોટા મોટા ખેરખાંઓ, હાકલ પડકારા કરનારા ભાગી ગયા હતા. પરંતુ આવી પણ એક છોકરી હતી… જેને લડી લેવું હતું!

આવી બીજી પણ એક છોકરી હતી. એક આંતરિયાળ ગામડામાંથી આવતી હતી, વળી તેની પહેલી જ નોકરી હતી છતાં મારે શું? તેવું વિચારવાને બદલે તે ઑફિસમાંથી ઊઠી તરત બહાર નીકળી અને કહ્યું, “દાદા! હું તમારી સાથે છું.”

આમ અમારી ટીમમાં આવા મરજીવાઓ હતા. એક એવો પણ પત્રકાર હતો, જે મને પસંદ નહોતો કરતો. પણ તેણે ભાસ્કરની નોકરી એટલા માટે છોડી… કારણ કે તેને લાગ્યું કે, અમારી વાત સાચી છે. તે વ્યક્તિગત રીતે મારી સાથે નહીં હોવા છતાં તેણે કહ્યું, “તમારી લડાઈ સાચી હોવાને કારણે હું નોકરી છોડું છું.”

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular